________________
૧૬૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નથી, એ પુદ્ગલની વસ્તુ છે. જે કોઈ પણ વસ્તુ તમને આપે, તેમાં તમને સુખબુદ્ધિ ઉત્પન્ન થાય. ફરી એની એ વસ્તુ વધારે આપે, તેમાં દુ:ખબુદ્ધિ ય ઉત્પન્ન થાય. એવું તમે જાણો કે ના જાણો ?
પ્રશ્નકર્તા : હા, કંટાળો આવે પછી.
દાદાશ્રી : માટે એ પુદ્ગલ છે, પૂરણ-ગલનવાળી વસ્તુ છે. એટલે એ કાયમની વસ્તુ નથી, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. સુખબુદ્ધિ એટલે આ કેરી સારી હોય ને તેને ફરી માંગીએ, તેથી કંઈ તેમાં સુખબુદ્ધિ ગણાતી નથી. એ તો દેહનું આકર્ષણ છે.
પ્રશ્નકર્તા : દેહનું ને જીભનું આકર્ષણ બહુ રહ્યા કરે.
દાદાશ્રી : એ આકર્ષણ રહ્યા કરે છે, તેમાં ફક્ત જાગૃતિ રાખવાની છે. અમે તમને જે વાક્ય આપ્યું છે કે, “મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદન અસંગ જ છું.” એ જાગૃતિ રહેવી જોઈએ અને ખરેખર એઝેક્ટલી એમ જ છે. એ બધું પૂરણ-ગલન છે. તમે આ જાગૃતિ રાખો તો તમને બંધ પડતો નથી !
પ્રશ્નકર્તા : એ ના રહે તો, એ આપણા ચારિત્રનો દોષ છે એમ ગણીએ ?
દાદાશ્રી : એ ક્રમિક માર્ગમાં હોય. પ્રશ્નકર્તા : પણ એ ચારિત્રમોહને લીધે ઢીલાશ રહે ?
દાદાશ્રી : એ ક્રમિક માર્ગમાં ઢીલાશ કહેવાય. એના માટે તમારે ઉપાય કરવો પડે. આમાં (અક્રમમાં) તમારે ઢીલાશ ના કહેવાય. આમાં તમારે જાગૃતિ જ રાખવાની. અમે જે આત્મા આપેલો છે, એ જાગૃતિ જ છે.
પ્રશ્નકર્તા : જાગૃતિ ના હોય એટલે રાગ થાય ને ?
દાદાશ્રી : ના, એવું નથી ! હવે તમને રાગ થાય જ નહીં. આ થાય છે, તે આકર્ષણ છે.
પ્રશ્નકર્તા : એ નબળાઈ ના ગણાય ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૬૩ દાદાશ્રી : ના, નબળાઈ ના ગણાય. એને ને આત્માને કશી લેવાદેવા નથી. ફક્ત તમને પોતાનું સુખ આવવા ના દે. એટલે એક-બે અવતાર વધારે કરાવડાવે. તેનો ઉપાય પણ છે. અહીં આપણે આ બધા સામાયિક કરે છે, તે સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય ! જે જે તમારે ઓગાળી નાખવું હોય તે અહીં ઓગાળી શકાય.
પ્રશ્નકર્તા : એવું કંઈક હોય તો તે કામનું ને ?
દાદાશ્રી : છે. અહીં બધું જ છે. અહીં તમને બધું જ દેખાડશે. તમને કોઈ જગ્યાએ જીભનો સ્વાદ નડતો હોય, તે જ સામાયિકમાં મૂકવાનો અને અહીં દેખાડે એ પ્રમાણે તેને ‘જોયા’ કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય.
હે ગાંઠો ! અમે નહીં કે તમે નહીં ! વિચાર મનમાંથી આવે છે અને મન ગાંઠોનું બનેલું છે. જેના વિચારો વધારે આવે, તે ગાંઠ મોટી હોય ! વસ્તુસ્થિતિમાં વિષયની ગાંઠ જે છે, એ ટાંકણીને જેમ લોહચુંબક આકર્ષે એવું આમાં આકર્ષણ ઊભું થાય છે. પણ આપણને એટલો બધો આત્મા ખ્યાલમાં રહે તો ના અડે. પણ માણસને એવી જાગૃતિ બરાબર રહે નહીં ને ?
પ્રશ્નકર્તા: આ જે બે પાંદડીએ ચૂંટવાનું વિજ્ઞાન છે, કે વિષયની ગાંઠ છૂટે ત્યારે બે પાંદડે ઉખેડી નાખવું. તો જીતી જવાય ને ?
દાદાશ્રી : હા, પણ વિષય એવી વસ્તુ છે કે જો એમાં એકાગ્રતા થાય તો આત્મા ભૂલે. એટલે આ ગાંઠ આમ નુકસાનકારક છે, તે એટલાં જ માટે કે એ ગાંઠ ફૂટે ત્યારે એકાગ્રતા થઈ જાય છે. એકાગ્રતા થાય એટલે વિષય કહેવાય. એકાગ્રતા થયા વગર વિષય કહેવાય જ નહીં ને ! એ ગાંઠ છૂટે ત્યારે એટલી બધી જાગૃતિ રહેવી જોઈએ કે વિચાર ઊભો થતાંની સાથે ઉખેડીને ફેંકી દે, તો એને ત્યાં એકાગ્રતા ના થાય. જો એકાગ્રતા નથી તો ત્યાં વિષય જ નથી, તો એ ગાંઠ કહેવાય અને એ ગાંઠ ઓગળશે ત્યારે કામ થશે.