________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૨૯ ...પ્રતિક્રમણ એ જ ઉપાય ! પ્રશ્નકર્તા ઃ એવું કહેવામાં આવ્યું છે કે જ્ઞાન પછી કુદ્રષ્ટિ એ જોખમ છે. હવે કુદ્રષ્ટિ એ ચાર્જભાવ છે કે ડિસ્ચાર્જ પરિણામ છે?
દાદાશ્રી : એ ડિસ્ચાર્જ પરિણામ ખરું, પણ જોડે જોડે એ પરિણામને ધોવાનું કહ્યું છે ને ? એ પરિણામ તો થવાનાં, કુદ્રષ્ટિ તો થાય પણ જોડે જોડે આપણે ધોવાનું કહેલું છે.
પ્રશ્નકર્તા : પણ ધોવાનું કેવી રીતે ? પ્રતિક્રમણ કરીને ધોવાનું ને ?
દાદાશ્રી : કહેલું જ છે, ને એ પ્રમાણે એ બધા કરે જ છે. આ છોકરાઓ બધાને સહજ રીતે નિરંતર તપ થવાનું. આ બધા બ્રહ્મચર્ય વ્રતવાળા છે. એ બધાને નિરંતર જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ હોય, એમનાં કપડાં આવાં દેખાય. પણ અંદર તો જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ હોય.
જવાનિયા લોકોએ વિષયને મારી પાસે સમજવો પડે. એનું વિવરણ સમજવું પડે. તો પછી એની પર સહેજે અભાવ થવા માંડે, નહીં તો અભાવ થાય નહીં ને ? એનું વિવરણ થવું જોઈએ, તે જ્ઞાની પુરુષ વિવરણ કરી આપે. જ્ઞાની પુરુષ એ વિવરણ બધાને પબ્લિકમાં ના કહે, બે-પાંચ જણને એ રૂબરૂમાં કહી શકે કે આ શી હકીકત છે. વિષય એ બુદ્ધિપૂર્વકનું હોય તો તો બહુ વૈરાગ આવે. આ તો ‘ફૂલિશનેસ’ છે.
પ્રશ્નકર્તા : એ રાગ થાય છે ત્યાં ? એ શું છે ?
દાદાશ્રી : એ રાગ શાથી થાય છે ? હકીકતમાં આ જાણ્યું નથી તેથી, રાગ તો લોકોને પત્તાં પર બેસે છે, દારૂ પર બેસે છે, પણ હકીકત જાણે કે એ છૂટી જાય છે. એટલે હકીકત જાણવી પડે કે આ અહિતકારી છે, આ વસ્તુ સારી નથી, ખરેખર આમાં સુખ છે જ નહીં, આ તો ભાયમાન સુખ છે, તો છૂટી જાય. દરાજ તને કોઈ દિવસ થયેલી છે ? એ દરાજને વલૂરવામાં અને આમાં કોઈ જ ફેર નથી.
તમે એમ કહો કે મારાથી ગળ્યું છૂટતું નથી. તો હું કહું કે કશો
૩૩૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વાંધો નથી, ખાજે. કારણ કે એ ખાય છે, તે તો હકીકત સ્વરૂપ છે. તદન પોલી હકીક્ત નથી, પણ ‘રિલેટિવ'માં તો હકીકત સ્વરૂપ છે. જીભને સ્વાદ આવે છે, તે તો ‘રિલેટિવ'માં હકીકત સ્વરૂપ છે. જ્યારે વિષય તો કશામાં છે જ નહીં.
કેવો મોહ, તે કોડથી પૈણે ? આ સ્ત્રી-પુરુષના વિષય જે છે ને, તેમાં દાવા મંડાય. કારણ કે આ વિષયમાં બેની એક માલિકી છે અને મત બન્નેના જુદા છે. એટલે જો સ્વતંત્ર થવું હોય તો આ ગુનેગારીમાં આવવું ન ઘટે અને જેને તે ગુનેગારી ફરજિયાત છે, એને એનો નિકાલ કરવો પડે.
પ્રશ્નકર્તા : ગુનેગારીમાં ના આવવું પડે. એટલા માટે પરણવું ના જોઈએ ?
દાદાશ્રી : પરણવું ના જોઈએ કે પરણવું જોઈએ, એ આપણી સત્તાની વાત નથી. તારે નિશ્ચયભાવ રાખવો જોઈએ કે આમ ના હોય તો ઉત્તમ. જેમ ગાડીમાંથી પડવું જોઈએ, એવી ઇચ્છા કોઈને હોય છે? આપણી ઇચ્છા કેવી હોય છે કે પડી ના જવાય તો સારું. છતાં પડી જવાય તો શું થાય ? એવી રીતે પરણવા માટે ના પડી જવાય તો સારું. એવા ભાવ આપણાં રહેવા જોઈએ.
પ્રશ્નકર્તા એટલે પરણવું એટલે ગાડીમાંથી પડી જવા બરાબર છે ? દાદાશ્રી : એવી રીતે જ છે ને, પણ એ નાછૂટકે જ હોવું જોઈએ. પ્રશ્નકર્તા : પછી એને નાટકમાં લેવું પડે ? દાદાશ્રી : હાસ્તો, પછી છૂટકો જ નહીં ને !
પ્રશ્નકર્તા : પરણવામાં આટલું બધું જોખમ છે, એ સુખ દરાજ જેવું છે. તો પછી આ બધા જે પૈણે છે, તે નાછૂટકે પૈણ્યા છે ? કેમ પૈણે છે ?
દાદાશ્રી : લોકો તો ખુશીથી, શોખથી પૈણે છે. આમાં દુ:ખ છે એવું જાણતા નથી. એ તો એવું જ જાણે છે કે સરવાળે આમાં સુખ છે. થોડીઘણી