________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૧૫ પ્રશ્નકર્તા : એ તો ખબર નથી. પણ આમાં રહેવું છે, આ જ્ઞાનમાંઆજ્ઞામાં, આ સાયન્સમાં જ રહેવા જેવું છે !
દાદાશ્રી : તો રહેવાશે. પ્રશ્નકર્તા : એ કેવાં કેવાં જોખમો આવે ?
દાદાશ્રી : એમને દસ માઈલનો રસ્તો બાકી રહ્યો. તમારે આ સાતસો માઈલ બાકી છે. કેટલા બહારવટિયા મળશે, કેટલાં બધા ફસાવનારા મળશે !
પ્રશ્નકર્તા : તો એમાં સેફસાઈડનો રસ્તો કઈ રીતે કાઢવો ? આ તેમાં જોખમો સામે આવે ?
દાદાશ્રી : એ તો આ સત્સંગમાં પડી રહે તો ચાલે, કુસંગમાં પેસે નહીં તો ચાલે.
પ્રશ્નકર્તા : એક જ ઉપાય છે.
દાદાશ્રી : આની આ જ વાતો મળ્યા કરે, જ્યાં જાય ત્યાં. કુસંગની વાત જ ના આવે. તો છૂટકો તરત થઈ જાય.
પ્રશ્નકર્તા : આ મોટામાં મોટો ઉપાય જ આ છે, સત્સંગનું અનુસંધાન આખું !
દાદાશ્રી : સત્સંગના ભીડામાં રહેવું પડે. ભીડો ! ભીડ વાગે ત્યાં છૂટવું હોય તો ય ના છૂટાય.
વ્રતની વિધિથી, તૂટે અંતરાયો ! આ છોકરાને બ્રહ્મચર્યના ભાવ છે. આ ભાવ તો ખોટો નથી ને ? એવા ભાવવાળાને આપણે શું કરવું ? આપણે એને ટેકો દેવો જોઈએ કે ટેકો લઈ લેવો જોઈએ ?
પ્રશ્નકર્તા : ટેકો દેવો જોઈએ. દાદાશ્રી : એવાં ભાવ કોઈ કરતું હોય, પછી ગમે તે કરે, એને
૩૧૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આપણે ટેકો દેવા તૈયાર છીએ. કારણ કે આપણી ઈચ્છા જ એવી છે. હવે એવા ભાવ તમે કરો તો સંજોગ બધા તમને એવાં જ ભેગા થઈ જાય. અમે તો વારે ઘડીએ આ છોકરાનો ટેસ્ટ લઈએ. એને લાલચ આપ્યા કરીએ કે પૈણને હવે, મેલને છાલ, પૈણવામાં તો બહુ મઝા છે. એનો ટેસ્ટ કરું કે એનું કાચું છે કે પાકું !
આ બ્રહ્મચર્ય વ્રત કોઈને અપાય નહીં. આ તો અમે એકાદ વર્ષ માટે કે બે વર્ષ માટે જ આપીએ છીએ. કાયમ આપવા માટે તો મારે કેટલી બધી પરીક્ષા કરવી પડે ! અમારું વચનબળ બ્રહ્મચર્ય પળાવે એવું છે, બધા અંતરાયો તોડી નાખે, તારી ઈચ્છા જોઈએ. તારી ઈચ્છા પ્રતિજ્ઞામાં પરિણમવી જોઈએ. હા, પછી તને અંતરાય આવે તો એ બધું અમારું વચનબળ તોડી નાખશે. કોઈ એક મોટો પાણીનો વૈકળો હોય અને કોઈ માણસથી તે કૂદાતો ના હોય તો પાછળ જઈને હું એને કહ્યું કે, “એ ય કૂદી જા.' તો એ પાછો કૂદી જાય. આમ જાતે કૂદાય એવી શક્તિ ના હોય, તો ય કૂદી જાય. કારણ કે આ શબ્દની પાછળ એને શક્તિ પ્રાપ્ત થાય છે. એવું અત્યારે આ છોકરાઓ બ્રહ્મચર્ય લેવા ફરે છે, તે બધાને અમે શક્તિ મૂકીએ, એ શક્તિપાત થાય. પણ આ શક્તિપાત જુદી જાતનો છે. જગતમાં જે શક્તિપાત થાય છે, તે ભૌતિક છે બધા. ખરી રીતે શક્તિપાત જેવી કોઈ વસ્તુ જ નથી. આ તો સામાને એમ લાગે કે મને શક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આ બધું નિયમથી જ છે. કોઈ કોઈને આપતો નથી ને કશું દેતો નથી. આ તો પોતાની જ શક્તિનો ઉઘાડ થાય છે. જ્ઞાનીના બોલવાથી શક્તિનો ઉઘાડ થઈ જાય છે. એટલે પોતાના મનમાં એમ લાગે કે મને આ મહીં કશું નાખ્યું. આ બધા નિર્બળ જ હતા ને ! તે અત્યારે કેટલાં આનંદમાં છે, જાણે દાદાએ શક્તિ નાખી !
સાધતા, “સંયમી'ના સથવારે ! પ્રશ્નકર્તા : આ બધા સંયમીને જોડે રહેવાનું હોય તો તો બીજે ક્યાંય એ જાય જ નહીં.
દાદાશ્રી : હા, એવું પણ થઈ જશે. પણ ત્યાં સુધી હજી કેળવણી કરવાની જરૂર છે. હજી કેળવણી કાચી, તેથી જ એવું નથી થતું ને ?