________________
વ્યાખ્યાન પહેલું: રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથે
૫૩
વસ્તુગૂંથણીઃ ગ્રંથના વિસ્તૃત પરિચયના આરંભે કરેલી સ્પષ્ટ છણાવટને આધારે તેમ જ સમગ્ર ગ્રંથના વિષયવસ્તુનો ક્રમિક પરિચય આપવાને અનુષંગે ગ્રંથની વસ્તુગૂંથણીનું ચિત્ર શ્રોતાઓને સ્પષ્ટ રૂપે મોટે ભાગે મળી ગયું હશે.
આ વિષયની જરૂરી પુરવણીરૂપે એ હકીકત ઉલ્લેખવી યોગ્ય છે કે ગ્રંથકારે પોતે ગ્રંથના શાસનધાર: નામના અધ્યાય ૨.૨૦માં રાજનૈતિક લેખો એટલે કે મહત્ત્વના પત્રો કે પરિપત્રો (શાસન) કેમ લખવા તેને અંગે, આડકતરી રીતે ગ્રંથલેખનમાં પણ ખૂબ ખપનું બને તેવું, અનુભવાશ્રિત જે ચોક્કસ માર્ગદર્શન આપ્યું છે, (જની ચર્ચા ત્રીજા વ્યાખ્યાનને છેડે કરી છે, તે આ ગ્રંથની વસ્તુગૂંથણીમાં પણ એકંદરે પળાયું છે એમ જરૂર કહી શકાય – ભલે, પ્રાયઃ કૌટિલ્યની વ્યક્તિગત અતિવ્યસ્તતાને કારણે, અગાઉ ગ્રંથપરિચય દરમિયાન ઠેર-ઠેર બતાવ્યા પ્રમાણે, તેમાં પ્રાસંગિક કે સ્થાનિક સ્કૂલનો હોય; સાચે જ સમરથ વશે નહીં રોષ ગુસારૂં! ગ્રંથની એકંદર વસ્તુગૂંથણી તો ઉત્તમ નમૂનારૂપ અને અનુકરણીય કહી શકાય એવી છે જ. આનું ખરું કારણ એ છે કે રાજનીતિનો વિષય એનાં સર્વ અંગ-ઉપાંગો પરત્વેની પોતાની સમાન અને ઊંડી નિસ્બતને કારણે અને પોતે એમાંનાં મોટા ભાગનાં અંગોપાંગોમાં દાખવેલા ને કેળવેલા રસ અને અનુભવને કારણે, કૌટિલ્યને એક સ્પર્શક્ષમ કાયારૂપ ભાસે છે – જેનાં અંગોપાંગો પરસ્પર ચોક્કસ સંબંધે જોડાઈને એક માનવપોષક વિશિષ્ટ મનોહારિતા જન્માવે છે. વસ્તુલક્ષિતાઃ પ્રસ્તુત વસ્તુ તરફ જ સતત લક્ષ રાખવું તે વસ્તુલક્ષિતા – આડી-અવળી વાતો ટાળી જેતે પ્રસ્તુત વિષયાંગની માર્મિક હકીકતો (વસ્તુ) પૂરેપૂરી તટસ્થતાથી રજૂ કરવામાં જ લક્ષ રાખવું તે. કૌટિલ્ય પોતાના ગ્રંથની આ વિશેષતા બાબત ગ્રંથના આરંભે જ સંકલ્પ કરી ચૂક્યા છે તે પ્રથમ અધિકરણના પ્રથમ અધ્યાયની છેડેના એક શ્લોક પરથી, તેમાં કે તેમાંનાં આ બે વિશેષણોથી સમજાય છે : (૧) તત્ત્વાર્થપશિતમ્ - હાર્દ (તત્ત્વ) રૂપ હકીકતો (અર્થ) કહેવા માટે જે ખપના શબ્દો હોય તેમાં જ સીમિત; અર્થાત્ આડીઅવળી કોઈ વાતો ન કરનારું શાસ્ત્ર, (૨) વિમુક્ત ગ્રંથવિસ્તરમ્ – જેમાં ગ્રંથનો વધુ પડતો પથરાટ (વિતર) ટાળવામાં આવ્યો છે તેવું. બંનેનો ભેગો અર્થ એવો થાય કે કહેવા જેવી મહત્ત્વની વાતો સંક્ષેપમાં, પણ ચોક્કસપણે મુદ્દો બરોબર સમજાઈ જાય તેવા સ્પષ્ટ શબ્દોમાં કહી છે, અને તે કહેવા સિવાય, જરૂરી ન હોય તેવી વધારાની કે આડીઅવળી કોઈ વાતો ગ્રંથમાં સમાવી નથી.
વાચકને ગ્રંથમાં સર્વત્ર લાગે છે કે કૌટિલ્યના મનમાં દરેક વ્યવહાર પાછળના સિદ્ધાંતો સ્પષ્ટ હોવા છતાં તેઓ સૈદ્ધાંતિક ચર્ચા ઇરાદાપૂર્વક અતિ અલ્પ પ્રમાણમાં કરે છે અને જે-તે વિષય કે ક્ષેત્રમાં કરવા લાયક કર્મો, લેવા લાયક પગલાં, પ્રવર્તાવવા લાયક નિયમનો કે દાખવવા લાયક વલણોની વાત ખંતપૂર્વક, જરૂરી બધી વિગતે, છતાં સંક્ષેપમાં કહે છે. ઉપલક દૃષ્ટિએ તો આ ગ્રંથ આજના ધંધાદારીઓની ધંધાપોથી (handbook) જેવો જ વાચકને લાગ્યા વગર રહેતો નથી. છતાં તે નરી વ્યવસાયપોથી નથી જ. લેખક “તેજીને ટકોરો' એવા મતના છે, તેથી સિદ્ધાંતકથન ખૂબ જ જરૂરી હોય ત્યાં જ, અને મોટે ભાગે માર્મિક બે-ત્રણ વાક્યમાં કરી દે છે. અલબત્ત, અગાઉ બતાવ્યું છે તેમ, કોઈ વિવાદાસ્પદ વિષય અંગે સંક્ષેપમાં પણ વિવિધ પક્ષો વિષેની ચોખ્ખી વાત જરૂર રજૂ કરે છે, જેથી પ્રચલિત ખોટા મતોના દોષો સમજી સાચો મત અને સાચો વ્યવહાર સ્વીકારાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org