________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
૧૮૧
વિવિધ વ્યાવસાયિક જૂથો અને સંસ્થાઓની પોતપોતાના કાર્યક્ષેત્રની આવી ચોકીદારી અંગે કેટલીક આવી વાતો રજૂ કરાઈ છે : ધર્મશાળાના આયોજકોએ પોતાને ત્યાં ઉતારા માટે આવતા પાખંડધર્મીઓને (અર્થાત પ્રચલિત સંપ્રદાયોનું ખંડન કરનારા નવસાંપ્રદાયિકોને) ઉતારો આપતા પહેલાં નાગરિકના તંત્રને જાણ કરવી. બાકી અપરિચિત સંપ્રદાયોના તપસ્વીઓને કે શ્રોત્રિય બ્રાહ્મણોને તો નાગરિકે કે તેના તંત્ર જાતે ખાતરી કરીને જ ઉતારાની સંમતિ આપવી. નગરના કારીગરોનાં કે કલાકારોનાં જૂથોએ પોતાના ધંધામાં નવા ઉમેરાતા ધંધાર્થીને પોતાના જ મહોલ્લામાં વસાવવો. વેપારીઓએ પણ એમ જ કરવું. તેમણે અયોગ્ય સ્થાને કે અયોગ્ય સમયે માલ વેચનાર અંગે કે વેચવાના માલની માલિકી બાબત શંકાસ્પદ વ્યક્તિ અંગે તંત્રને જાણ કરવી. દારૂના, માંસખાદ્યોના કે અન્નખાદ્યોના વેપારીઓએ તેમ જ રૂપજીવિનીઓ(વેશ્યાઓ)એ પૂરી પરખ કરીને જ પોતાના નવા ધંધાભેરુને મહોલ્લામાં વસાવવા. ખૂબ ખર્ચાળ કે મારફાડ કરનાર ધંધાદારી અંગે પણ જાણ કરી દેવી. કોઈ ચિકિત્સક પોતાની પાસે ગુપ્તપણે ઘાની ચિકિત્સા કરાવવા ઇચ્છનાર વ્યક્તિ અંગે કે અપથ્ય આહાર-વિહાર સેવનાર રોગી અંગે ગોપ કે સ્થાનિકને જાણ કરીને જ, પછીથી ઊભા થનાર સંભવિત આળથી બચી શકે; નહિતર તે પોતે એવી વ્યક્તિના અપરાધનો સાથી લખી શકાય. ઘરના વડાએ રાત્રે પોતાના ઘરે આવનાર કે ઘરેથી બહાર જનાર અંગે પણ તંત્રને જાણ કરીને તેવી વ્યક્તિ દ્વારા રાત્રે થનારા સંભવિત ગુન્હાના આળથી બચવું.
અત્યંત મલિન ઇરાદાવાળાં અસામાજિક તત્ત્વોને વેળાસર પકડી પાડવા માટે મુખ્ય માર્ગો, ગલીઓ અને નિર્જન સ્થાનોમાં – નગરની અંદર કે બહાર – ગુપ્તચરોએ ફરતા રહેવું અને ઘાયલ, વાંધાકારક ઓજારો ધરાવતા, માથે મોટો બોજો ઉપાડી જાતને છુપાવવા મથનાર, ઉશ્કેરાટવાળા, વધુ પડતી ઊંઘ લીધા કરનાર યા સાવ અજાણ્યા લાગતા મનુષ્યને પકડીને તપાસ કરવી. એ જ રીતે નગરની અંદર ખાલી જગાઓ, શિલ્પસ્થાનો, મદિરાલયો, ખાણાગૃહો, જુગારખાનાં, પાખંડધર્મીઓનાં સ્થાનો વગેરેમાં પણ ભાળ કાઢતાં રહેવું.
અહીં પાખંડધર્મીઓના ઉલ્લેખના સંદર્ભે ખુલાસો કરવો જોઈએ કે કૌટિલ્ય પોતે આવા લધુસંખ્યક વિશિષ્ટ સાંપ્રદાયિકો બાબત પણ સર્વસામાન્ય આદર જ દાખવે છે. તેથી જ તો, અગાઉ જોયું તેમ, રાજાએ રોજ પોતાના જાહેર મુલાકાતના સમયમાં આ વર્ગને દેવકાર્ય અને તાપસકાર્યની તરત પછી સ્થાન આપ્યું છે. જયારે અહીં તો સંભવિત ગુન્હેગારોની આગોતરી ભાળ મેળવવાના સંદર્ભે, ઓછા લોકોને મળવાને કારણે અમુક અંશે અતડા રહેતા, પણ સાચા એવા પાખંડધર્મીના વેષનો દુષ્ટો દ્વારા દુરુપયોગ થવાની શક્યતા વધુ રહે છે – એવા વિચારે જ, અને વળી અનુચિત સ્થાનનો આશ્રય લેવાને કારણે, આવા વેષધારી પાખંડધર્મીઓ બાબત શંકાશીલ બની છૂટવાનો વ્યવહારુ આદેશ આપ્યો હોવાનું માનવું યોગ્ય ગણાશે.
આવાસો અને ભવનોથી નિરંતર (ખાલી અવકાશો વિના) ઘેરાયેલું નગર આગ જેવી સર્વનાશક હોનારતથી પ્રાય; મુક્ત રહે તે માટે વિવિધ સાવચેતીઓનું ચુસ્ત પાલન થાય તે નાગરિકના તંત્રનું એક ખૂબ મહત્ત્વનું કર્તવ્ય છે. અન્યત્ર રાષ્ટ્રીય આપત્તિઓની ચર્ચામાં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org