________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
૨૩૭
અર્થશાસ્ત્રમાં કેટલાક આખા અધ્યાયો દ્વારા, કેટલાક અધ્યાયોના અમુક અંશો દ્વારા, તેમ જ આખા ગ્રંથમાં આવશ્યકતા મુજબ થતા રહેતા વિશિષ્ટ પ્રાસંગિક ઉલ્લેખો દ્વારા કૌટિલ્યની ગુપ્તચરતંત્ર અંગેની સમગ્ર વિભાવના જાણી-સમજી શકાય છે. એ વિભાવના કૌટિલ્યની સ્વકલ્પનાની જ નથી, પણ પ્રાચીન ભારતવર્ષનાં વિકસિત રાજયતંત્રોમાં વાસ્તવિક રીતે ઊપસી આવેલાં પ્રૌઢ, નમૂનેદાર, ગુપ્તચરતંત્રોના જ્ઞાનમાંથી અને વળી પોતે પ્રાસંગિક રીતે પ્રયોજેલા રાજનૈતિક કાર્યકલાપને આધારે પણ નીપજી આવેલી છે. કૌટિલ્ય તેને અનુમોદનપૂર્વક પુરસ્કારી છે.
આને લગતી આખા ગ્રંથમાંની વિવિધ વિગતો વાગોળતાં, સુજ્ઞ જનના ધ્યાનમાં તરત આવે એવું રસપ્રદ પાસું એ છે કે રાજયતંત્રનું કદાચ સૌથી વધુ વિપુલ રોજગાર આમપ્રજાને પૂરા પાડનારું આ ખાતું છે. આ પ્રકારનું આયોજન કોઈ પણ રાજ્યતંત્રની કેવી ઊંડી અને વ્યાપક પ્રજાનિષ્ઠા અને પ્રજાવત્સલતા હોઈ શકે એનો પ્રખર પુરાવો પૂરો પાડે છે. નિરક્ષર, ગ્રામીણ કે આદિવાસી વિવિધ તળ-પ્રજાઓમાં મન-બુદ્ધિ-શરીરની કેટકેટલી વિપુલ, રચનાત્મક, રાષ્ટ્રતારક શક્તિઓ પડેલી છે એ અંગેની રાજ્યતંત્રના રાહબરોમાં પડેલી ઊંડી સૂઝ પ્રાચીન ભારતીય રાજનીતિના આ પ્રકૃષ્ટ ગ્રંથમાંનાં, આ તંત્ર અંગેનાં વર્ણનો પરથી સુપેરે ઊપસી આવે છે. પ્રજામાં ધ્યેયસિદ્ધિ અર્થે તે-તે ચોક્કસ સામાજિક, વ્યાવસાયિક, ધાર્મિક, લૈંગિક (સ્ત્રી-પુરુષ-જાતિ અંગેના), જાતિગત, વયોગત વૈશિસ્યોવાળી વ્યક્તિનું – દા.ત. ખેડૂતનું, છાત્ર(વિદ્યાર્થીનું, વેપારીનું, સેવકનું, સંન્યાસીતાપસાદિ ધર્મોપાસકોનું, પુરુષ દ્વારા સ્ત્રીનું, કિરાતાદિ જાતિવિશેષોનું, વૃદ્ધનું – હૂબહૂ અનુકરણ કરી સફળ રીતે ધાર્યું કાર્ય – કોઈ વિષેની ગુપ્ત જાણકારી ગુપ્ત રીતે મેળવવાનું અને / અથવા કોઈ પગલું ભરવાનું – પાર પાડવાની જબરી શક્તિઓ પડેલી હોય છે. કોઈ પણ પ્રતિભાશાળી પ્રજામાં ઉત્તમ અભિનયશક્તિ – ભાષા, વેષ, હાવભાવો, ટેવો, પ્રાદેશિક વિશેષતાઓના અદ્દલ અનુકરણની આવડત – સામાજિક એકરસતાને કારણે સહજપણે સારી રીતે ધરબાયેલી પડી હોય છે. વિવિધ સામાજિક, આર્થિક, રાજદ્વારી, ધાર્મિક, સાંસ્કૃતિક ઇત્યાદિ અનાચારો કે અપરાધો પુરાવા સહિત જાણી લેવા માટે અને વિશેષ પ્રતિભા કે સજ્જતા હોય તો અપરાધીને પકડવા કે દંડવા માટે પણ આવા વિવિધ વેષ ભજવતા ગુપ્તચરો અત્યંત ખપના છે. આમાં નોંધપાત્ર વાત એ પણ છે કે સામાજિક અને બીજી બધી અનુકૂળતા મુજબ સ્ત્રીઓની પણ સેવા છૂટથી લેવામાં આવે છે; અપંગો, નપુંસકો જેવા નિમ્ન કે ગંભીર શારીરિક ખામી ધરાવતા વર્ગોની સેવા પણ સારી રીતે પ્રજાપાલન કરતું રાજયતંત્ર, સ્વયંભૂ રીતે, પોતાના પ્રજાવર્ગો(‘તીર્થ)માંથી જ રાષ્ટ્રને અત્યંત વફાદાર એવા અને રાષ્ટ્રહિતમાં જુદી-જુદી રીતે અત્યંત ખપનાં નર-નારીઓનો અત્યંત વિપુલ સેવકસમૂહ પેદા કરી લે છે. અન્યને જફા પહોંચાડતી બૂરાઈમાત્રથી પ્રાયઃ મુક્ત એવા, ધરતીના લૂણ સમા આમ-પ્રજાસમૂહોમાં વફાદારી અને કાર્યનિષ્ઠાના સંસ્કાર તો લોહીમાં જ વણાયેલા હોય છે.
આમપ્રજાસમૂહોમાંથી વ્યાપકપણે પ્રાયઃ યુવાવયે જ આ રીતે અસંખ્ય વ્યક્તિઓને રાજયની ખૂબ જવાબદારીભરી કામગીરીમાં સ્થાયીરૂપે ભરતી કરવાની નીતિ સર્વ પ્રજાજનોમાં, ખરેખર અન્નદાતા (અને નહિ કે આજના કપટી વૈશ્વિકીકરણ ને ઉદારીકરણના ઓઠે અન્નહર્તા) બની રહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org