Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 347
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ફાવટને લીધે તે ભલે ન પૂછે. પણ તે પ્રશ્નો, તેમના વતી વક્તાએ તો આ પ્રાચીન વારસાને ઉદ્દેશીને પૂછવા જ રહ્યા. એવો આ શ્રોતૃવૃંદમાં અવશ્ય ઊઠતો એક પ્રશ્ન આ છે : “શું આ રાજનીતિને આજની રાજનીતિ સાથે કાંઈ લેવા-દેવા કે મેળ છે ?” ૩૩૦ આનો લાભદાયી ઉત્તર મેળવવા પ્રથમ એ વિવેક કરવો ઘટે કે જેમ જીવનમાં અન્ય ક્ષેત્રે તેમ રાજનીતિક્ષેત્રે પણ અચલ મૂલ્યોને ચલ (પલટાતાં) મૂલ્યોથી અને અચલ વ્યવહારોને ચલ વ્યવહારોથી જુદાં તારવવાં ઘટે. અત્રેની રજૂઆતમાં (ઉત્તરમાં) અચલ મૂલ્યો કે વ્યવહારો તરફ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ મૂલ્યોને જરૂરી રૂપાંતરે પણ અપનાવીને જ સમાજ અને રાષ્ટ્રને – બલ્કે માનવજીવનને ખરેખર સમૃદ્ધ કરી શકાય એમ છે. અહીં ચર્ચા કરતાં પહેલાં એક અગત્યનું અવલોકન નોંધવું જોઈએ. ‘રાજનીતિ’, ‘રાજકારણ’ એવા ‘રાજ’પદયુક્ત શબ્દો જ રાષ્ટ્રના નિયમનતંત્ર માટે આજે ય ચલણી છે ! એ ‘રાજ' શબ્દ તો રાજાનો પર્યાય હોઈને રાજાશાહીને જ એ શબ્દો લાગુ પડે; જ્યારે આજે મોટા ભાગનાં આધુનિક રાષ્ટ્રોમાં સાચી-ખોટી (મોટા ભાગે તો ખોટી જ !) લોકશાહી છે. આમ છતાં ‘રાજનીતિ’, ‘રાજકારણ’, ‘રાજ્યતંત્ર' જેવા શબ્દોનું જ ચલણ સાચી લોકશાહીનો અભાવ સૂચવે છે, અને આજની ચૂંટણી-આધારિત લોકશાહીના ઉચ્ચ-પદધારીઓ તો નવા રાજાઓ – બલ્કે સ્વચ્છંદી ભ્રષ્ટ રાજાઓ – જેમ જ વર્તે છે એમ પણ સૂચવે છે. હજી એકંદરે લોક એ રાષ્ટ્રના નિર્માણના અંતિમ નિયામકો હોવાની વાત નથી વૈચારિક રીતે સ્પષ્ટ બની, ને તેથી નથી અમલી બની. તેથી ‘લોકનીતિ’, ‘લોકકારણ’, ‘લોકતંત્ર’ જેવા શબ્દો હજી તો ધરુ તરીકે ય પાંગર્યા જણાતા નથી ! આ વસ્તુસ્થિતિની વાત અહીં એટલા માટે કરી છે કે ‘અર્થશાસ્ત્ર’ કે અન્ય પ્રાચીન-ભારતીય દંડનીતિગ્રંથોમાં તો રાજાશાહીને જ અતિવ્યાપકપણે સ્વીકૃત અને અસરકારક એવી રાષ્ટ્ર-નિયમનપદ્ધતિ તરીકે જાણીને, તેને જ વ્યવહારમાં એકમાત્ર પદ્ધતિ તરીકે સ્વીકારીને બધી ચર્ચાઓ થયેલી છે. જ્યારે અત્યારે તો, સિદ્ધાંત તરીકે, જગત્માં વ્યાપકપણે લોકો રાષ્ટ્રના માલિક અને ભાગ્યનિર્માતા ગણાયા છે. આથી ઉપરછલ્લી રીતે તો આવી રાજકેન્દ્રી શાસનપદ્ધતિ અંગેની પ્રાચીન સંહિતા લોકશાહીના આધુનિક સંદર્ભે અપ્રસ્તુત ગણાય. પણ આ ગ્રંથની મહત્ત્વની ચર્ચાઓ આ અવસરે આપણે ખુલ્લા મનથી તપાસી હોઈ, તે આધારે આપણને બરોબર જણાયું છે કે રાજા અહીં એક આપખુદ કે જુલ્મી વ્યક્તિ તરીકે ન જોવાતાં લોકહિત સાધનાર એક તટસ્થ માધ્યમ તરીકે જોવાયો છે. એને માટે વપરાતા ‘નરેન્દ્ર' કે ‘નરદેવ’ જેવા શબ્દો તેને આંતરિક ગુણસંપત્તિની અને એકંદર પ્રતિભાની દૃષ્ટિએ શ્રેષ્ઠ નર કે દેવતુલ્ય નર જ ઠેરવે છે. એથી બરોબર તપાસવામાં આવે તો એવા રાજાનું તંત્ર આજે વ્યાપકપણે લોક દ્વારા અભીષ્ટ (ઇચ્છાયેલ) અને ભલે કંઈક અંશે કે ઉપલક રીતે જ અમલી બનેલી લોકકેન્દ્રી પદ્ધતિનું જ માત્ર બાહ્ય આકારની ભિન્નતા ધરાવતું શાસન છે. તેથી સાચા માનવોચિત લોકશાસન માટે ઉપયોગી વિપુલ અને બહુમુખી માર્ગદર્શન એમાંથી અખૂટપણે મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374