Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 358
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૪૧ રાષ્ટ્ર ક્ષણભર રાજા-રહિત (‘અરાજક') ન હોવું જોઈએ એ અનુભવસિદ્ધ વાત ઘૂંટીને રજૂ થઈ છે. કૌટિલ્ય પણ રાજાશાહીને માનવ-સંસ્કૃતિની આવી અત્યંત મૂલ્યવાનું અને અનિવાર્ય કડી તરીકે જુએ છે. એ ન ભુલાય કે આ મત સાથે જ એમની રાજત્વની ઉચ્ચ-ભવ્ય વિભાવનાને પણ જોડવાની છે. કોઈ કારણે રાજા અચાનક અસાધ્ય રોગમાં ઘેરાઈ જાય કે અચાનક સ્વરાષ્ટ્ર કે પરરાષ્ટ્રમાં મૃત્યુ પામે ત્યારે મુખ્ય અમાત્ય (મુખ્યમંત્રીએ) સમસ્ત રાજ્યતંત્રના સમર્પિત પ્રતિનિધિ તરીકે કેવી ચારે બાજુની સાવધાનીથી અને આવશ્યક ગુપ્તતા જાળવીને રાષ્ટ્રની રાજારહિત સ્થિતિને નિપુણતાથી પસાર કરીને યોગ્ય વિધિથી નવા રાજાની સ્થાપના કરવાની છે તે અત્યંત સમજવા જેવી વાત અધ્યાય ક. ૫.૬માં કરી છે. તેની બધી વિગતો અત્રે પ્રસ્તુત નથી, પણ તેમાંની માર્મિક વાત જોઈશું. ઉપર્યુકત અધ્યાયની મધ્યમાં કહેલી વાત ખૂબ મહત્ત્વની હોઈ તે પહેલાં જોઈએ; તે વાત છે રાષ્ટ્રની આકસ્મિક અરાજક સ્થિતિમાં મુખ્ય અમાત્ય(મંત્રી)ના જવાબદારીભર્યા ઠરેલ વલણ અંગેની. ‘કાગડા બધે કાળા' એ ન્યાયે આજની જેમ તે સમયમાં પણ, રાજસત્તા મૂળમાં કર્તવ્યપૂર્તિરૂપ સેવાધર્મ હોવા છતાં, તે વિપુલ ધનપ્રાપ્તિનો, વૈભવી સુખભોગના અને અહંકારને હુલાવે-ફુલાવે તેવી કીર્તિ કે નામનાના સાધન તરીકે જ સાંસારિકોમાં જોવાતી. એને ખાતર પિતા પુત્રને ને પુત્ર પિતાને હણે એ સ્થિતિ કાયમી હતી; અલબત્ત, એમાં આશ્ચર્યકારક અપવાદો પણ વારંવાર જોવા મળતા. તો આવી હોડની સ્થિતિમાં ઇતિહાસમાં નોંધાયેલા કે કિંવદંતીરૂપે ટકેલાં અનેક દૃષ્ટાંતો છે કે જેમાં અરાજક સ્થિતિનો ‘લાભ' (રાષ્ટ્રને તો ગેરલાભ !) લઈને કાં તો મહા-અમાત્યે કે ક્વચિત્ સેનાધ્યક્ષે રાજસત્તા પચાવી પાડી હોય. આ અધ્યાયમાં કૌટિલ્ય તો મૃત કે અસાધ્ય રોગથી ઘેરાયેલા રાજાને સ્થાને અન્ય રાજા સ્થપાય ત્યાં સુધી વિવિધ યુક્તિઓથી ચાલુ રાજાની વાસ્તવિક સ્થિતિ અંગે, બનાવટી રાજા દ્વારા કે રાજાના અદર્શન અંગેનાં કાલ્પનિક કારણોને પ્રસિદ્ધિ આપીને, ગુપ્તતા અચૂક જાળવવાનો પાકો અનુરોધ કર્યો છે. આ સંદર્ભે કૌટિલ્ય જ “ભારદ્વાજ' નામના રાજનીતિશાસ્ત્રના પૂર્વાચાર્યનો મત રજૂ કર્યો છે કે જયારે આમ રાજલક્ષ્મી સ્વયં સામેથી ઉપસ્થિત થઈ હોય, ત્યારે એને પોતાને હસ્તક કરવાની તક ચૂકનાર મહા-અમાત્ય મૂર્ખ ગણાય. આવા મતનો સ્થૂળ જવાબ તો કૌટિલ્ય ઉચ્ચ બૌદ્ધિક કક્ષાનો જ, અત્યંત લાઘવથી આપ્યો છે; પણ તે જવાબની પૂર્વભૂમિકામાં છે કૌટિલ્યની પ્રબુદ્ધ (ઊંડી સમજણથી ભરેલી) રાજનિષ્ઠા. તે અનુભવાશ્રિત બૌદ્ધિક ઉત્તર પણ સફળતા સાથે પારમાર્થિક કલ્યાણ પણ ઇચ્છતા કોઈ પણ દેશકાળના શાણા રાજપુરુષે હૈયે ધરવા જેવો છે; મહાઅમાત્યે અરાજક રાષ્ટ્રની રાજસત્તા સ્વહસ્તગત કેમ ન કરવી તે માટે ત્રણ કારણો આપ્યાં છે : (૧) તે આમપ્રજા સહિતના બાકી રાજયાંગો (‘પ્રકૃતિઓ) – મંત્રીમંડળ, દુર્ગ, સૈન્ય, કોશરક્ષકો વગેરેમાં તીવ્ર પ્રકોપ જન્માવે છે. (૨) તે અધર્મિષ્ઠ એટલે કે મનુષ્યના અંતિમ કલ્યાણના સાધનરૂપ ધર્મનો લોપ કરનાર છે; અર્થાત્ સરવાળે એ માર્ગે ચઢનારની દુર્ગતિ થાય છે. અને (૩) એવું રાજસત્તાનું મનમાન્યું ગ્રહણ નિશ્ચિત લાભ જ કરાવે તેવી ખાતરી હોતી નથી; અર્થાત્ એવી રાજસત્તા પોતાને હસ્તક લાંબો સમય ટકી રહે એવી ખાતરી હોતી નથી. આમાંનું વચલું કારણ જ વિશુદ્ધ આત્માને માટે તો પૂરતું છે; કારણ કે તે બધાં કારણોનું ય કારણ એવું તાત્ત્વિક કારણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374