________________
૩૧૮
કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
રાજનીતિ અને માનવજીવન વચ્ચે વાસ્તવમાં કોઈ જ સીમા કે જુદારો નથી; બંને પરસ્પરપોષક અને એકરૂપ છે એ જ છે કૌટિલ્યનો ચિરંજીવ સંદેશ.
બારમા “નવનીયમ્' અધિકરણના પ્રથમ અધ્યાયના પૂર્વાર્ધમાં બે બોધક ચર્ચાઓ મુકાઈ છે : (૧) બલિષ્ઠ રાજા પ્રત્યે નબળા રાજાએ કેમ વર્તવું તે અંગેની ચર્ચા, જેમાં પૂર્વાચાર્યોના બે અંતિમ મતો આપી, તેને સ્થાને કૌટિલ્ય પોતાનો સમતોલ મત કહ્યો છે. ભારદ્વાજ બલિષ્ઠ રાજા પ્રત્યે નબળા રાજાએ કાયમ માત્ર નમતા રહેવાનો ધર્મ બતાવે છે, જ્યારે વિશાલાક્ષ તેવા રાજા પ્રત્યે પણ પોતાની બધી જ શક્તિ ભેગી કરીને લડી લેવાનો અભિપ્રાય પ્રગટ કરે છે. આમાં પૂર્વમત પ્રમાણે દુર્બળ રાજાની દશા ટોળામાંના ઘેટા જેવી નિરાધાર થાય છે અને અન્ય મત મુજબ નાવ વગર સાગર તરવા જતાં છેવટે ડૂબી મરનાર વ્યક્તિ જેવી થાય છે – એમ બતાવી કૌટિલ્ય કહે છે કે કાં તો વિશિષ્ટ રાજાનો આશ્રય સ્વીકારી
અભેદ્ય કિલ્લાનો આશ્રય લઈને નબળા રાજાએ સબળાનો સામનો કરવો જોઈએ. (આ પાષ્યિમાંના “સંશ્રય'રૂપ ગુણની જ વાત થઈ.) (૨) વિજયી રાજાઓના ત્રણ પ્રકાર કહ્યા છે : ધર્મવિજયી, લોભવિજયી અને અસુરવિજયી. પ્રથમ પ્રકારનો રાજા પરાજિત રાજા દ્વારા પોતાની આમન્યાના સ્વીકારથી જ સંતોષાઈ જાય છે. બીજા પ્રકારનો રાજા હારેલાના મુલ્કને અને સર્વ સંપત્તિને લૂંટી લઈને જ જંપે છે. ત્રીજા પ્રકારનો રાજા પરાજિત રાજાના સર્વ મુલ્ક, ધન ઉપરાંત પરિવારસહિત પ્રાણ હરીને જ સંતોષાય છે. નબળા રાજાએ આ ત્રણે ય પ્રત્યે કેવી-કેવી રીતે વર્તવું તે નિરૂપવા આ પ્રકાર કહ્યા છે. તે પૈકી પ્રથમ પ્રકારના રાજાનો પ્રતિકાર ન કરતાં તેની ધર્મવર્ધક આમાન્યા સ્વીકારીને સ્વહિતવૃદ્ધિ કરવી. બીજા પ્રકારના રાજાને ભૂમિ (દેશ) ન આપતાં વિપુલ સમૃદ્ધિ આપી ટાઢો પાડવો. પણ ત્રીજા પ્રકારનો રાજા ઉપદ્રવ કરતો અટકે તેટલી સ્વરાષ્ટ્રની ભૂમિ અને સંપત્તિ આપી, પોતે એની પકડની બહાર રહી, સમગ્ર બારમા અધિકરણમાં બતાવેલા વિવિધ પરોક્ષ ચાતુર્યપ્રધાન, દક્ષતાપ્રધાન ઉપાયોથી તેને પરાજિત કરવા પૂરા પ્રયત્નો કરવા.
આ ઉપરથી સમજાશે કે કૌટિલ્ય મિથ્યાભિમાનાશ્રિત કે સૈન્યાદિ ધૂળ બળ પર આધારિત ગાંડી એકાંગી રાજનૈતિક ઉથલપાથલોને અનિષ્ટ ગણીને, નરવું, રચનાત્મક પ્રજાજીવન ઉચ્છેદાય નહિ અને રાજ્યતંત્રનો સાંસ્કૃતિક પાયો નાશ ન પામે તેવું, વિપુલ મનોવિજ્ઞાન પર આશ્રિત મુત્સદીપણું ઇષ્ટ ગણે છે. રાજાની સત્યગ્રાહી સંસ્કૃતિરક્ષક પ્રતિભાને પરમસત્યાશ્રિત માનવીય રાજનીતિનું બીજ ગણે છે.. રાજાની નમૂનેદાર રાજકીય દિનચર્યા વર્ણવતા ૧.૧૯માં અધ્યાયમાં કહેલી આ વાત કેટલી બધી ચોટદાર અને પાયાની છે ! – “પ્રજાના સુખે રાજાનું સુખ છે અને પ્રજાના હિતમાં હિત. પોતાની મનમાન્યો વહેવાર રાજાના હિતરૂપ નથી, પરંતુ પ્રજાનું પ્રિય રાજાના પોતાના હિતરૂપ છે.૪૫” તે પરથી બાહ્ય બળથી સંપન્ન કે અસંપન્ન પણ સમર્થ એવા રાજાનું કર્તવ્ય તરત પછીના બે શ્લોકોમાં આમ કહ્યું છે : “તેથી નિત્યના (= પ્રમાદરહિત) ઉદ્યમને વરેલા (સ્થિત:) રાજાએ ઉપકારક સંપત્તિ(અર્થ)ના નિર્માણ અંગે રાષ્ટ્રને ઠરેલ માર્ગદર્શન આપવું. સંપત્તિનું મૂળ ઉત્થાન (પ્રમાદરહિત ઉદ્યમ) છે, તેથી ઊલટું વર્તન (પ્રમાદ) અનર્થ(આપત્તિ)નું મૂળ (૩૫). ઉત્થાન-ત્યાગમાં, પ્રાપ્ત લાભનો કે હજી ભવિષ્યના ગર્ભના પડેલા લાભનો પણ નાશ છે. ઉત્થાન થકી ઇષ્ટ ફળ મળે છે અર્થાત્ ઇષ્ટ રાષ્ટ્રસમૃદ્ધિ મળે છે. (૩૬)”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org