________________
૮૦
કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
તાલાવેલીપૂર્વક માનવોચિત ઉપાયો માટેની અને માનવોચિત જીવનરીતિ માટેની પોતાની ખોજ ચાલુ રાખી હશે. પોતાની પ્રતિભાથી અને વિદ્યાનિષ્ઠ ઋષિઓ કે બ્રાહ્મણો સાથેના પોતાના પ્રેમાદરયુક્ત સંબંધોથી રાજન્યોએ પોતાના પ્રખર રાજકીય કાર્યકલાપ વચ્ચે પણ વિશિષ્ટ વિદ્યાવર્તુળોમાં (આશ્રમાદિમાં) સત્યની આત્મતત્ત્વરૂપે, બ્રહ્મતત્ત્વરૂપે ખોજ અને સમાંતર સાધના પણ જરૂર ચાલુ રાખી હશે તે હકીકત અનેક ઉપનિષદોમાં સચવાયેલી જીવંત તાત્ત્વિક ચર્ચાઓ પરથી પણ જણાય છે. કર્મકાંડગ્રસ્ત બ્રાહ્મણોની બુદ્ધિને ન જડ્યું હોય તેવું ઘણું આવા રાજર્ષિતુલ્ય રાજાઓને જડ્યું હોવાના વિપુલ પુરાવા ઉપનિષદોમાં, મહાભારત-રામાયણમાં, પુરાણોમાં સચવાયા છે. એથી એવાં પણ અનેક દૃષ્ટાંતો નોંધાયેલાં છે, જેમાં સરળ, જિજ્ઞાસુ બ્રાહ્મણો આવા તત્ત્વદર્શી રાજાઓના શિષ્ય બન્યા હોય – જેમ કે યાજ્ઞવક્ય જનકરાજાના શિષ્ય તરીકે. ધર્મમાર્ગોની શુદ્ધિના પ્રખર ભારતીય દ્રષ્ટા મહાવીરસ્વામી અને બુદ્ધ પણ ક્ષત્રિય જ હતા !
ઉપલક દૃષ્ટિએ વ્યવહારુપણું અને આદર્શનિષ્ઠાને પરસ્પર વિરોધી વલણો માનવામાં આવે છે. પણ કૌટિલ્યની આ ચર્ચામાં તેમ જ પ્રાચીન ભારતીય તાત્ત્વિક-ધાર્મિક સાહિત્યમાં અને પ્રશિષ્ટ લલિત સાહિત્યમાં પણ આ બંને વલણો એક જ પ્રતિભાનાં પરસ્પરપૂરક અને શોભાવર્ધક પાસાં હોય તેવા જીવંત સિદ્ધાંતોનાં કે તેવી વિભૂતિઓનાં રસપૂર્ણ ચિત્રો મળે છે. આ સમન્વયનો મહિમા જ જનકાદિ જેવા ઉત્તમ રાજાઓ માટે “રાજર્ષિ' શબ્દના ચલણ દ્વારા અને લોકભોગ્ય ચિરકાલીન સાહિત્યરચનાઓમાંનાં, આવી અનેક વિભૂતિઓના જળહળતાં ચિત્રણો દ્વારા ભારતભૂમિના આમઆદમી સુધી વ્યાપ્યો. અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે “અર્થશાસ્ત્રના અo ૨.૭માં, આગલા અધ્યાયના ઇન્દ્રિય-જય અંગેના પ્રકરણના જ ભાગરૂપે રાજાના રાજર્ષિ-ચરિતનું ખૂબ સંક્ષિપ્ત પણ બોધક અને પ્રેરક આલેખન મીઠા આદેશની શૈલીથી કરાયું છે.
આ ચાર વિદ્યાઓ પૈકી ત્રયી અને આવી લિકીનું શિક્ષણ શિષ્ટો એટલે કે સદાચારપૂત જ્ઞાનીઓ પાસેથી, “વાર્તાનું શિક્ષણ રાજ્યની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના અધ્યક્ષો પાસેથી અને દંડનીતિની કેળવણી સિદ્ધાંતજ્ઞાન અને તેનો ગણનાપાત્ર પ્રાયોગિક અનુભવ એ બંનેથી સમૃદ્ધ બનેલા ગુરુઓ પાસેથી (વવતૃપ્રયોજીંગ:) મેળવવાની વાત પણ આ વિદ્યાઓને ખરેખરા જીવનમાં પરમસાફલ્યદાયી બનાવવા માટેના સચોટ ઉપાય જ જણાય છે.
રાજાને યોગ્ય બૌદ્ધિક કેળવણીની ઉપર્યુક્ત ચર્ચા સાથે જ રાજાના જીવનમાં ધર્મ-અર્થ-કામ એ ‘ત્રિવર્ગ'(ત્રણ પુરુષાર્થોના જૂથ)નું કેવા પ્રકારનું સ્થાન હોવું જોઈએ એ અંગે રાજ્ઞવૃત્ત અંગેના ઉપર્યુક્ત અધ્યાય ૨.૭માં મુકાયેલી નાનકડી રસપ્રદ ચર્ચા તરફ ધ્યાન આપવું જરૂરી છે. ચાર વિદ્યાઓ અંગેની અને આ એમ બંને ચર્ચાઓને સાથે ધ્યાનમાં લેવાથી આ વિષય અંગેની કૌટિલ્યની ચોક્કસ દૃષ્ટિ સમગ્ર રૂપે સમજાય છે.
એ જોતાં પહેલાં, પેલી ચાર વિદ્યાઓના પારસ્પરિક સંબંધ બાબતનું એક વિધાન પણ તપાસવું જરૂરી છે. અધ્યાય ૨.૪માં એક વિધાન છે : “દંડ તે આન્વીક્ષિકી, ત્રયી અને વાર્તા એ ત્રણ વિદ્યાઓના યોગક્ષેમ (એટલે કે તેમની સાધના અને તેમના પ્રયોગ માટેની પૂરી મોકળાશ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org