________________
વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય
૧૦૯
રાષ્ટ્રનું આર્થિક-સામાજિક કલ્યાણલક્ષી આયોજન, માત્ર માર્મિક રૂપરેખામાં પણ સમર્થ રીતે અપાયું છે. કોઈ રાષ્ટ્ર નવેસર સ્થાપવાનું હોય એની એમાં વાત છે.
એમાં જમીનનો મહત્તમ ઉપજાઉ અને રચનાત્મક ઉપયોગ ઉદ્યમી મનુષ્યોના અભિક્રમ (હિંમત અને સમજદારીથી ભરેલા કાર્યારંભ) અને પરિશ્રમ દ્વારા જ થાય એ પર સૌથી વધુ ભાર અપાયો છે. આરંભના ગાળામાં કરમુક્તિ કે ધિરાણ જેવાં આર્થિક પ્રોત્સાહનો, નકામી લાગતી જમીન ખિલવનારને સામેથી માલિકીહક્કનું પ્રદાન, જમીનની બરાબર ખિલવટ ન કરનાર પાસેથી જમીન પાછી લઈને ખિલવટ કરનારને આપવાની નીતિ – આ બધું જનપદને સ્થાયી લોકશક્તિથી ખૂબ સમૃદ્ધ કરવાનું આયોજન છે. વળી રાજયના ઉચ્ચતમ બ્રાહ્મણ હોદ્દેદારો, અન્ય અગ્રણી બ્રાહ્મણો તેમ જ વિવિધ મુલ્કી રાજકર્મચારીઓને પણ આવા જનપદમાં ન્યાયી ભોગવટા-માત્ર માટે (માલિકીહક કે વેચાણ માટે નહિ) જમીનો આપવાનું આયોજન પણ રાષ્ટ્રના માનવધન પ્રત્યેનો ઉદાર છતાં વ્યવહારુ ચોકસાઈવાળો વત્સલભાવ સૂચવે છે. ગામના અનાથો, સગીરો વગેરે રક્ષણીય વર્ગોના નિજી ધનની સુરક્ષાની સામાજિક વ્યવસ્થા (દેશી બેન્કિંગ) પણ ગ્રામવૃદ્ધો દ્વારા પાકે પાયે થાય છે. માત્ર બાહ્ય રીતે નબળા દેખાતાં વ્યક્તિ કે સમુદાયનું ધન છિનવાવાની વાત તો રાજયતંત્ર માટે નાલેશીરૂપ જ ગણાઈ છે.
ખુલ્લાં ખેતરો કે અન્ય કાર્યસ્થળોમાં સ્વયંભૂ (સ્વેચ્છાયુક્ત) પુરુષાર્થ કરતી પ્રજાનું ધ્યાન વિકૃત વિનોદો કે નાટક-ચેટકથી ભંગ ન પામે તે માટે તેવા વિવાદાસ્પદ વ્યાવસાયિકોની ગ્રામીણ પ્રદેશમાં થતી અવરજવરથી સંભવતી અયોગ્ય દખલ, પજવણી, ભેદનીતિ કે કોમી તિરસ્કિયા (તિરસ્કાર) પર નિયંત્રણ, બગીચા કે મનોરંજનગૃહોના નિર્માણનો નિષેધ – આ બધું ખરેખર તો પ્રજાના સહજ કાર્યાનંદને વિસ્તારવા માટેનું, અનેક જાતનું શોષણ અટકાવવા માટેનું અને જનપદ દ્વારા થતા સ્થાયી અને પાયાના રાષ્ટ્રવિકાસના વાતાવરણને ટકાવવા માટેનું ધિંગું આયોજન ગણાય. ગ્રામીણ પ્રજાનાં સ્વાતંત્ર્ય, આનંદ, તન-મનનાં આરોગ્ય અને સ્વાવલંબનને પોષે અને શોષણને અટકાવે તેવા સહજ કર્મયોગને પોષનાર આવું કૌટિલ્યોક્ત રાજયતંત્ર ખરેખર ઉ અર્થમાં પ્રજાપૂજક ગણાય.
આ અધ્યાયના અંતે મુકાયેલા શ્લોકોમાં જનપદના સ્વસ્થ, એકાગ્ર, કર્મઠ જીવનને બાધા પહોંચાડનાર અનેક પ્રાસંગિક પરિબળો–ઉપદ્રવોને રાજાએ એકાગ્રપણે વારવાની વાત મૂકી છે. રોગચાળા, દુકાળ, શત્રુસૈન્ય, જંગલોના ખેરખાંઓ(“આટવિકો')ના ઉપદ્રવો, ખર્ચાળ રમતો, કૃષિઘાતક અન્યાયી ઠંડો-કરો-વેઠો, પશુધનને બાધક ચોરીઓ, હિંઠ્ય પશુઓ, મગર, વિવિધ વિષસંપર્કો, રાજાના વ્હાલેશ્રીઓ, કર્મકરો, સીમારક્ષકો વગેરેના પ્રજાજીવન પરના ઉપદ્રવો, વણિપથો (વેપારી માર્ગો) પરના ઉપદ્રવો – આ સર્વ સામે રાજાએ ઉદ્યમભર્યું રક્ષણ પૂરું પાડવું. આ બધાં દૂરંદેશીભરી પ્રજાપૂજા જાળવનારાં નિત્યનાં સંકલ્પબદ્ધ પગલાં છે.
(૩) પ્રજાને રાજયતંત્ર અને રાષ્ટ્રની સેવામાં વિવિધ અને વ્યાપક રીતે ગૂંથવાનો એક ધ્યાનપાત્ર પ્રકાર છે ગુપ્તચરતંત્રમાં વિવિધ દેશ-વેષ-ભાષા-વ્યવસાયના સ્વાંગમાં સર્વ પ્રજાવર્ગોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org