________________
વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય
૮૩
એ પણ ધ્યાનમાં લેવા જેવી વસ્તુસ્થિતિ છે કે ભગવદ્ગીતા છ દર્શનો પૈકી ઘૂંટી-ઘૂંટીને ફરીફરી આ બે દર્શનોને જ અને તેમાં કહેલી વિવિધ વાતોને ઉલ્લેખ છે. આમ તો દર્શનોના અધ્યેતાઓ વાજબી રીતે જ તત્ત્વ-અદ્વૈત(અંતિમ તત્ત્વ એક જ હોવાની વાત)ને પ્રસ્થાપનારા વેદાંત-દર્શનને શિખરરૂપ ગણીને પરમ-દર્શનરૂપે સ્વીકારે છે. આમ હોવા છતાં એ ન ભૂલીએ કે વિવિધ દર્શનો ભલે સ્થૂળ દૃષ્ટિએ જુદાં-જુદાં પરમ તત્ત્વો સ્થાપતાં જણાય, પણ તે દરેક પાછળ જે-તે સમયના પ્રબળ વૈચારિક પ્રવાહોની અસર હોય છે અને વળી દરેક દર્શન સત્યનાં જે-તે ચોક્કસ પાસાંઓ વિષે સહુને માટે સદા-ઉપયોગી એવો જ્ઞાનપ્રકાશ ખોલી આપતાં હોય છે. એ રીતે વેદાંત-દર્શનના વિવિધ આચાર્યો દ્વારા થયેલાં તત્ત્વનિરૂપણોમાં વત્તેઓછે અંશે સાંખ્યદર્શનનાં સૃષ્ટિ-વિશ્લેષણોનો સ્વીકાર અને સમાવેશ થયેલો જોવા મળે છે; ભલે તેનું સમગ્ર માળખું ન સ્વીકારાયું.
ખાસ તો સાંખ્ય-દર્શનનો, પુરુષ અને પ્રકૃતિનું વૈત નિરૂપતો વાદ અને પ્રકૃતિ-સ્વરૂપની ચર્ચાના અંગરૂપ ત્રિગુણવાદ વસ્તુતત્ત્વને સમજવામાં ખૂબ ઉપયોગી જણાયો છે. પુરુષનું નિર્વિકાર એવું નિત્યપણું પ્રસ્થાપવાની સાંખ્યદર્શનની વાત પણ ઊંડી સાધનાનું ફળ જણાય છે. તેની સામે જગતમાં દેખાતાં વૈવિધ્યો અને નિત્યનાં પરિવર્તનોને સમજવા માટે સત્ત્વ-રજ-તમસૂ એ ત્રિગુણ વિષેની વિસ્તૃત ચર્ચાઓ ઉપકારક છે. આ ચર્ચાઓને આધારે પુરુષ એટલે કે આત્માને બંધન કેમ થાય છે અને મુક્તિ કેમ કરીને સધાય એ પણ બતાવાયું છે. વળી જગતની ઉત્પત્તિ કયા ક્રમે થાય છે એ ચર્ચા પણ ગહન અને બોધક છે. એમાં ખાસ ધ્યાન ખેંચે તેવી એક વાત એ પણ છે કે બુદ્ધિ(જેને “મહત” પણ કહે છે તે)માંથી નીપજતા અહંકારમાંથી પંચમહાભૂતોની મૂળ સામગ્રીરૂપ “તન્માત્રા” નીપજતી બતાવી છે. આનો અર્થ એ થયો કે ભૌતિક દ્રવ્યોનું મૂળ જગતમાં પ્રવર્તતી સંકલ્પશક્તિમાં પડેલું છે, ચિત-શક્તિમાં પડેલું છે. પુરુષાર્થવાદીને ચિતતત્ત્વ અને ભૌતિક જગતના કાર્ય-કારણભાવનું આવું નિરૂપણ આશાની અપૂર્વ ક્રાંતિ કરનારું નિઃશંક લાગે. કૌટિલ્ય પણ મંત્રશક્તિને પ્રથમ ને પ્રભુશક્તિને બીજું સ્થાન આપે છે.
વળી લોકસ્વભાવની ત્રિગુણાત્મકતા નિરૂપતી પાયાની અવધારણા (postulate) અને તેને આધારે સંસારીઓના સ્વભાવો અને વ્યવહારોમાં અનુભવાતી ભિન્નતાનું વિસ્તૃત વિશ્લેષણ નિત્ય વ્યવહારોપયોગી કે કાર્યયોજનામાં ઉપકારક એવા મનોવિજ્ઞાનની ગરજ સારે છે. આધુનિક યુગની ઉત્તમ ઓળખાણ તો, પ્રસિદ્ધ અંગ્રેજ ચિંતક બન્ડ રસેલ વગેરે કહે છે તેમ, મનોવિજ્ઞાનયુગ તરીકે આપી શકાય તેમ છે. પાપ-પુણ્યનાં રાગ-દ્વેષપ્રધાન કુંડાળાં ભેદીને માનવમાત્રના અને પ્રાણીજગતના પણ સારા-માઠા કહેવાતા સર્વ વ્યવહારોના કારણભૂત માનસિક પ્રવાહો ઓળખવા એ સામાજિક જીવનવિધિનું અનિવાર્ય એવું પાયાનું અંગ છે. ગહન એવી જૈન જ્ઞાનમીમાંસામાં પણ એક જ્ઞાનપ્રકારે બતાવ્યો છે “મન:પર્યાયજ્ઞાન' (જુદા-જુદા જીવોની ચિત્તવૃત્તિની વિવિધ ધારાઓનું જ્ઞાન). રાજા જેવા લોકશાસક માટે તો નરવું મનોવિજ્ઞાન તે સાફલ્ય માટેની એક અનિવાર્ય જરૂરિયાતરૂપ જ ગણાય. દરેક જીવને, તે જેવો છે તેવો, તેની જ પ્રકૃતિદત્ત ચિત્તધારાની ઓળખ દ્વારા સમજવો, તેવા સ્વરૂપે જ તેને નિઃશંક અપનાવવો અને સામાજિક જીવનવિધિમાં યુક્તિપૂર્વક તેને અનુરૂપ રીતે જોતરવો એ જ શાસકનો કે નેતાનો સાફલ્યગામી કાર્યવિધિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org