________________
વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય
૯૫
જામેલા અહોભાવનું માન્ય કેન્દ્ર બની રહ્યું. “આધુનિક સ્વર્ગ' તરીકે પંકાઈ તે બેહાલ રાષ્ટ્રોને સુધ્ધાં લલચાવી રહ્યું. થોડીક સાચી રીતે અને વળી ખોટી રીતે પણ મળતી વધુ પડતી પ્રસિદ્ધિ અને પ્રશંસા તો ભલભલાને ગાફેલ બનાવી, અજાણપણે તેના પતનનાં બીજ પણ વાવી દે છે. અસાધારણપણે મળેલી અણછાજતી વિપુલ સત્તાએ અમેરિકન પ્રમુખોની સત્તાલાલસાને ભૂંડી રીતે ભડકાવી. તેમાં ભળ્યો અસાધારણ અસ્ત્રબળનો ને સૈનિકબળનો ટેકો. પરિણામસ્વરૂપે, આજના તબક્કે અસ્ત્રબળના અમાનુષી અતિરેકોમાં, ઔદ્યોગિક મહત્ત્વાકાંક્ષાઓના અતિરેકોમાં, પ્રસિદ્ધિબળે જગતના અનેક બેહાલ દેશોની રાજનીતિમાં “જરૂરી માનેલી દખલના ઓઠે તે-તે દેશોની પ્રાકૃતિક કે અન્ય સંપત્તિ લૂંટી લેવાની મહત્ત્વાકાંક્ષાઓના અતિરેકોમાં, જગતભરનાં, માત્ર ભૌતિક ચીજોનાં જ નહિ, પણ “સાંસ્કૃતિક માલ'નાં બજારોને પણ કજે કરી લેવાની યુક્તિ-પ્રયુક્તિઓના અતિરેકોમાં અમેરિકા હવે માત્ર વિશ્વ-રાષ્ટ્રોના આર્થિક-સામાજિક અસ્તિત્વના ટકાવની દૃષ્ટિએ જ નહિ, પણ આ ધરતીના ભૌતિક-પર્યાવરણીય અસ્તિત્વની દૃષ્ટિએ પણ બાકીના જગત માટે તો એક મહાપ્રશ્નરૂપ બની જ ગયું છે. પણ આ ૨૦૦૮ની સાલમાં તો જગતનાં અન્ય ગજાં કાઢી રહેલાં મૌલિક પ્રતિભાશીલ રાષ્ટ્રો સામે પોતાના “એકડા'ના ટકાવ બાબત ઘેરી ચિંતામાં સરી પડીને આજની તારીખની એની આર્થિક મહામંદી વચ્ચે પોતે પોતાને માટે જ હવે મહાપ્રશ્નરૂપ બની ગયું છે ! અહીં પ્રસ્તુત બને છે કૌટિલ્ય-પ્રતિપાદિત શમ-વ્યાયામની પરસ્પરરક્ષક જોડીના મહત્ત્વની વાત. ઉદ્યમી(active) થવામાં જયવારો છે, અતિ-ઉદ્યમી(proactive)થવામાં વિનાશ.
કૌટિલ્ય હકીકતે તો અહીં એક સામાજિક શાસ્ત્ર પ્રસ્તુત કરી રહ્યા હોઈ, રાજનીતિમાં ઇન્દ્રિય-જયના પુરસ્કર્તા હોવા છતાં, ફળત્યાગની વૃત્તિને નકારીને ફળસિદ્ધિના લક્ષ્યને અનિવાર્ય માને છે; કારણ કે તેમાં કોઈ એક આદર્શરૂપ વ્યક્તિ માટેના લક્ષ્યની વાત નથી, પણ ભૌતિક હિત માટે વાજબી રીતે તલસતી ભાતીગળ સામાન્ય પ્રજાનું હિત જાળવવાની વાત છે. લોકપ્રતિનિધિ તરીકેના કર્તવ્યની વાત છે, એટલે વાતનો તંતુ આગળ વધારતાં કૌટિલ્ય કહે છે કે એ શમવ્યાયામયુક્ત ષાગુણ્યનાં ત્રણ પરિણામ શક્ય છે : (૧) ક્ષય, (૨) સ્થાન એટલે કે સામાન્ય સ્થિતિ અને (૩) વૃદ્ધિ. રાજયકર્તાએ ક્ષયરૂપ સ્થિતિ હોય તો તેનાથી આગળ “સ્થાન” એટલે કે મૂળ મધ્યમ સ્થિતિરૂપ વિકાસ માટે અને “સ્થાન'ની સ્થિતિએ પહોંચેલા રાષ્ટ્ર માટે વૃદ્ધિ-અવસ્થા સાધવા પૂરેપૂરો ઉદ્યમ કરવાનો રહે છે. વિકાસનો આવો વાજબી લોભ રખાય તો જ રાજ્યતંત્રમાં પોતાના દોષોની શુદ્ધિ સહિતની ઉદ્યમશીલતા જાગે અને લોકપોષક અને રાષ્ટ્રસંવર્ધક વૃદ્ધિ તરફ આગેકૂચ ચાલે.
આમાંથી જ એ પ્રશ્ન વિચારણીય બને છે કે પાશ્ણ્ય એટલે કે કોઈ પણ શમ-વ્યાયામયુક્ત રાજનૈતિક પગલાંઓનાં ઇષ્ટ-અનિષ્ટ પરિણામોનો આધાર કયાં પરિબળો પર છે, અથવા તો પરિણામો પર કાબૂ કેટલે અંશે અને કેવી રીતે શક્ય છે. કૌટિલ્ય આ પરિબળો આમ બતાવ્યાં છે : માનુષ એટલે કે મનુષ્યના કાબૂમાં રહેલાં પરિબળ તરીકે બે પ્રકારનાં કર્મ હોઈ શકે છે : (૧) નયરૂપ કર્મ એટલે કે ખરા ઉપાયરૂપ નીતિ, (૨) અપનયરૂપ કર્મ એટલે કે અયોગ્ય ઉપાયરૂપ નીતિ. આ બે મનુષ્યના કાબૂમાં રહેલાં પરિબળ હોઈ “માનુષ” પરિબળો કહેવાયાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org