________________
વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય
૭૩
તે વિદ્યાના સ્વરૂપ મુજબની વિશિષ્ટ તેમ જ કેટલીક સર્વસામાન્ય એવી ચોક્કસ વ્રતચર્યાથી; મનવચન-કાયાના એકંદર સંયમથી. મુખ્યત્વે ખુદ રાજાની કેળવણીના અન્વયે આ વાત કહેવાઈ છે તે ન ભુલાય. “ઇન્દ્રિયજય એ વિદ્યાવિનયનો હેતુ છે” એ અગાઉ નિર્દેશેલું કૌટિલ્યોક્ત વિધાન પણ આ જ વાત કહે છે.
વળી એ જ અધ્યાય(.)ના સોળમા સૂત્રમાં ગુરૂગમન થકી થતો શિક્ષણવિધિ કેવી વિકાસપ્રક્રિયાથી સફળ બને છે તે કહ્યું છે. તે વાક્યને ૨૦ આમ સમજી શકાય : “વિદ્યાના એકાગ્ર શ્રવણથી પ્રજ્ઞા એટલે કે જે-તે વિદ્યાનો પૂર્ણ બોધ જન્મે છે. એવા બોધમાંથી, સહજ માનવવૃત્તિ મુજબ “યોગ” એટલે કે સમજાયેલી વિદ્યાના જીવનમાં પ્રયોગ કે વિનિયોગ(application)નો તબક્કો આવે છે. અને એવા સુસ્થિર દીર્ઘકાલીન પ્રયોગથી આત્મબળ કે આત્મવિશ્વાસ આવે છે – એવું છે વિદ્યાનું સામર્થ્ય” આ વાત, ભારતમાં સદીઓ સુધી, વિશેષતઃ આશ્રમોમાં કે અન્યત્ર ગાઢ ગુરુ-શિષ્ય-સંબંધથી જે અધ્યયન-પ્રક્રિયા ખરેખર ઘૂંટાઈ-ઘૂંટાઈને ચાલતી હતી અને સમૃદ્ધ થતી રહેતી હતી, તેનું જ સાચું સંક્ષિપ્ત કથન છે. આવી વિદ્યાપ્રક્રિયા દ્વારા કૌટિલ્ય પોતે પણ ખૂબ પળોટાયેલા હશે અને પોતે ઉત્તમ ગુરુ પણ હશે તેના પૂરતા નિર્દેશો ગ્રંથમાંથી અને બીજી રીતે પણ મળી રહે છે. કૌટિલ્યની કલ્પનાનાં રાજા, વિવિધ-પદધારી રાજપુરુષો અને એકંદરે આખું રાજ્યતંત્ર આ વિદ્યાસામર્થ્યથી સારી પેઠે રસાયેલાં હશે એમ ચોક્કસ માની શકાય. રાજયસત્તાને બર્બરતામાંથી વિનીતતા તરફ દોરી જવા માટે કૌટિલ્ય આવા આદર્શરૂપ શિક્ષણવિધિમાંથી રાજાને અને ઉચ્ચ રાજપુરુષોને પણ પસાર થવાનું ભારે કાળજીથી સૂચવીને, તેમને પશુબળ છોડી સર્વાંગસુંદર આત્મબળ (‘આત્મવત્તા') ધરાવતા કરવાનું ધ્યેય રાખ્યું છે.
આ જ અધ્યાયના પાંચમા સૂત્રમાં૨૧ કૌટિલ્ય વિદ્યાગ્રહણના વિધિનાં પરિપક્વ જ્ઞાન તરફ લઈ જતાં, ચિત્તાવસ્થાનાં ક્રમિક પરિવર્તનોરૂપ ચોક્કસ સોપાનો નિરૂપતી એક પ્રસિદ્ધ પ્રાચીન પરંપરા ઊંડા અનુમોદનપૂર્વક ટાંકી છે. એ સૂત્રનો અર્થ છે : “શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન અને ઊંહ-અપોહ દ્વારા તત્ત્વાભિનિવેશયુક્ત (પરમાર્થની કે જ્ઞાન-વિષયના ખરા સ્વરૂપની અનુભૂતિરૂપ) બુદ્ધિ ધરાવનારને જ વિદ્યા વિનીત (વિશિષ્ટ રીતે કેળવાયેલો) બનાવે છે, અન્યને નહિ.” આમાં ઊહ અને અપોહને બે અલગ અવસ્થાઓ ગણતાં તત્ત્વાભિનિવેશ એ અંતિમ અવસ્થા સહિત કુલ આઠ અવસ્થાઓનો સમગ્ર વિદ્યા-વિનય-વિધિ બને છે. આજના આદર્શલક્ષી મનોવિજ્ઞાનના જ્ઞાન-પ્રક્રિયા-નિરૂપક પ્રકરણની દૃષ્ટિએ પણ વિદ્યાવિધિનું આ વિશ્લેષણ સમજવા જેવું છે અને કોઈ પણ કેળવણી-પ્રક્રિયાને મૂલવવા માટે તે એક ઉત્તમ માપદંડ બની શકે એમ છે.
આ સોપાનોનું સ્વરૂપ બરાબર સમજીએ. “શુશ્રુષા”નો મૂળ અર્થ છે સાંભળવા માટેની ઇંતેજારી – ગુરૂપદેશ સાંભળવાની તીવ્ર ઇચ્છા. આ ઇચ્છા તેના બીજરૂપે જિજ્ઞાસાનું અસ્તિત્વ સૂચવે છે. અમુક ચોક્કસ જ્ઞાન કે વિદ્યાની તીવ્ર ભૂખ, તીવ્ર જિજ્ઞાસા જન્મે તેનામાં જ આ “શુશ્રુષા' સંભવે. શુશ્રુષામાં જિજ્ઞાસા કરતાં વધુ વિકસિત ચિત્તદશા રહેલી છે : તે છે જિજ્ઞાસાશમન માટે ગુરુના વિધિપૂર્વકના, સાતત્યપૂર્વકના સેવનની પ્રેરણા થાય તેવી નમ્રતા. આ ધ્વનિને કારણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org