Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ક્ષય મનાય છે. અનવસ્થાદોષના કારણે ઉપર જણાવ્યા મુજબ ભોગથી કર્મક્ષય મનાતો નથી. જ્ઞાન અને ક્રિયાના સમુદાય સ્વરૂપ યોગ છે. ભોગથી કર્મનો ક્ષય માનવામાં આવે તો અનવસ્થા નામનો દોષ પ્રાપ્ત થાય છે. કારણ કે કર્મના ક્ષય માટે થનારા ભોગથી બીજાં કર્મો બંધાય છે. એના ક્ષય માટે ફરી પાછી ભોગની પ્રવૃત્તિ કરવી પડે. એથી ફરી પાછાં કર્મો બંધાય.. આ રીતે અનવસ્થા આવે છે.
આસક્તિ(રાગ)રહિત ભોગથી કર્માતરનો બંધ થતો નથી. પૂર્વસંચિત કર્મોનો ક્ષય પણ, યોગના કારણે ઉત્પન્ન અદષ્ટ(ધર્મ)ને આધીન એવા કાયવૂહના સામર્થ્યથી ઉપપન્ન થશે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે પ્રાયશ્ચિત્તથી પણ કર્મનાશ થતો હોવાથી ભોગથી(કર્મના ફળના ભોગથી) જ કર્મક્ષય થાય છે એવું નથી. પરંતુ ભોગેતર(પ્રાયશ્ચિત્તાદિ)થી પણ કર્મનો નાશ થાય છે - એ સિદ્ધ થયેલું છે. તેથી યોગથી પણ કર્મનો નાશ સંભવી શકે છે, જેથી કાયમૂહ વગેરેની કલ્પનામાં કોઈ પ્રમાણ નથી. બલ્ક “હે અર્જુન ! જ્ઞાનસ્વરૂપ અગ્નિ સઘળાંય કર્મોને ભસ્મસાત કરે છે - ઈત્યાદિ તમારા(સાંખ્યાદિના) આગમથી પણ, કર્મોનો નાશ જ્ઞાનયોગથી થાય છે – એ સિદ્ધ થાય છે.
“જ્ઞાનયોગના સામર્થ્યથી કાયવૂહ દ્વારા જ કર્મોનો નાશ થાય છે.' - આ પ્રમાણે કહેવાનું યુક્ત નથી. કારણ કે મનુષ્ય વગેરેનું શરીર હોતે છતે ભૂંડ વગેરેના શરીરની ઉપપત્તિ થતી નથી. તેથી કાયવ્હ(અનેકાનેક કાયાનો એક કાળમાં પરિગ્રહ) ઉપપન્ન નથી. ‘તે તે શરીરમાં મનનો પ્રવેશ થવાથી કાયવૂહ ઉપપન્ન થશે' - એ કહેવાનું પણ શક્ય નથી. કારણ કે મન એક હોવાથી બીજાં શરીરોમાં તેનો પ્રવેશ શક્ય નથી. યોગસામર્થ્યથી અનેક મનોની કલ્પના કરવામાં ગૌરવ છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ.
આ વિષયમાં પાતંજલીએ યોગસૂત્ર(૪-૪, ૪-૫)માં કહ્યું છે કે એક અગ્નિથી જેવી રીતે અનેક કણ(તણખા) નીકળે છે, તેમ કાયવ્હદશામાં એક પ્રયોજક(નિયામક, પ્રવર્તક) એવા ચિત્તથી અનેકાનેક ચિત્તોનો પરિણામ અસ્મિતાથી(અહંકારથી) થાય છે - એ કથન પાતંજલીના પણ મોહને લઈને છે. કારણ કે આ રીતે અનંતકાળથી સંચિત કરેલાં કર્મોના નાશ માટે અનેકાનેક શરીરથી કરાતા ઉપભોગને કારણ માનવાનું અયુક્ત છે. કારણ કે કોઈ પણ કર્મ દ્રવ્ય ક્ષેત્ર કાલાદિને પામીને વિપાકાનુકૂલ બનતું હોય છે. તે બધાં કર્મો એકી સાથે વિપાકાનુકૂલ બને એ શક્ય નથી. તેથી અનેક શરીરોથી ઉપભોગ દ્વારા કર્મોનો નાશ થાય છે – એમ માનવું: એ મોહમૂલક છે. આથી સમજી શકાશે કે જે કર્મોને કોઈ પણ પ્રકારનો ઉપક્રમ લાગતો નથી એવા નિરુપક્રમ-નિકાચિત કર્મોનો નાશ ભોગથી થાય છે. એવા નિરુપક્રમ કર્મોને છોડીને બીજાં કર્મોનો નાશ તો યોગથી થાય છે - આ પ્રમાણે માનવાથી કોઈ પણ દોષ રહેતો નથી... ઇત્યાદિ ૬૪
ક્લેશતાનોપાય બત્રીશી