Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
(વિનાશ) થાય છે અને તેથી સ્થાપનાન્યાસ ભાવ-આરોગ્યનું કારણ બને છે. સામાન્યથી દીક્ષા લેતાં પૂર્વે જ મુમુક્ષુ આત્માને સર્વથા પાપથી નિવૃત્ત થવાની ભાવના ઉત્કટ કોટિની હોય છે. હજુ ક્યાં દીક્ષા લીધી છે ? માટે પાપ કરી શકાય - આવો વિચાર મુમુક્ષુ આત્માને તો ન જ આવવો જોઇએ. “હજુ દીક્ષા લીધી નથી માટે પાપ કરવું પડે છે.” - આવો એકમાત્ર વિચાર તેના હૃદયમાં રમતો હોય છે. તેથી જ આવા મુમુક્ષુ આત્મા શક્ય પ્રયત્ન જેમ બને તેમ પાપની નિવૃત્તિ વધારે પ્રમાણમાં કરતા હોય છે. વર્તમાનની પરિસ્થિતિ ખૂબ જ વિલક્ષણ છે. જેમની દિક્ષા આવતી કાલે છે - એવા પણ મુમુક્ષુ આત્માઓ એમ વિચારતા હોય છે કે – દીક્ષા લીધા પછી બધું બંધ જ છે ને? માટે અભક્ષ્ય-અપયાદિ છેલ્લી વાર વાપરી લઈએ. ખરી રીતે આવા મુમુક્ષુઓ દીક્ષા માટે યોગ્ય નથી. ગૃહસ્થજીવનમાં પણ જેમ બને તેમ વધુ પાપ નિવૃત્તિને કરનારા આત્માઓ દીક્ષા માટે યોગ્ય છે. આવા આત્માઓને સાધુવેષના સમર્પણ સ્વરૂપ સ્થાપનાન્યાસ કરવાથી એના નિરંતર દર્શનથી આવા આત્માઓને “હવે મારાથી કોઈ પણ સંયોગોમાં પાપ થાય નહિ' - આવો ખ્યાલ સતત રહ્યા કરે છે. નિસર્ગથી જ સરળ એવા આત્માઓ માટે ઉપર જણાવ્યા મુજબ સ્થાપના-ન્યાસ; ભાવરોગસ્વરૂપ પાપથી સર્વથા દૂર રાખી ભાવ-આરોગ્યનું કારણ બને છે. શ્લોકમાંનું “શાપનારો એરિણી’ આ પદ ઉપર જણાવેલા પરમાર્થને જણાવે છે. “વેષ'ની પણ મહત્તા છે, જે ઉપર જણાવ્યા મુજબ ભાવરોગથી દૂર રાખી આત્માને ભાવારોગ્યનું પ્રદાન કરે છે. આવો વેષ ભાવરોગનું સાધન ના બને એનો મુમુક્ષુજનોએ ખ્યાલ રાખવો જોઈએ.
નામન્યાસથી કીર્તિ ફેલાય છે. સ્થાપનાન્યાસથી આરોગ્ય(ભાવારોગ્ય)ની પ્રાપ્તિ થાય છે અને દ્રવ્યથી વ્રતની સ્થિરતા પ્રાપ્ત થાય છે. અહીં દ્રવ્યથી સામાન્ય રીતે આચારાંગાદિ શ્રુત વિવક્ષિત છે. અથવા સકલ સાધુપણાની ક્રિયાઓ વિવક્ષિત છે. દીક્ષા જીવનમાં શ્રુત અને ક્રિયાની પ્રાપ્તિ થવાથી ગ્રહણ કરેલી સર્વવિરતિનું પ્રતિપાલન નિરતિચારપણે દઢતાપૂર્વક થઈ શકે છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન હોય અને કરવાનો અભ્યાસ હોય તો તે વસ્તુ ખૂબ જ સરસ રીતે દૃઢતાપૂર્વક કરી શકાય છે. આવી જ રીતે આચારાંગાદિ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી અને સાધુપણાની સકલ ક્રિયાના અભ્યાસથી સર્વવિરતિનું પાલન ખૂબ જ દઢતાપૂર્વક કરી શકાય. અન્યથા મહાવ્રતોના પાલનમાં કોઈ સ્થિરતા નહીં રહે. શ્રુતાભ્યાસ અને ક્રિયાભ્યાસ; વ્રતની સ્થિરતાનું અદ્ભુત સાધન છે. એ સાધનને સેવ્યા વિના વ્રતની સ્થિરતા શક્ય નથી. મોક્ષની સિદ્ધિ ન થાય ત્યાં સુધી વ્રતની સ્થિરતા આવશ્યક છે. વ્રતના પાલન માટે દઢ નિર્ધાર ન હોય તો તેમાં સ્થિરતા ક્યાંથી આવે? વ્રતના પાલન માટે જે દઢ નિશ્ચય અપેક્ષિત છે, તે મોક્ષની તીવ્ર ઇચ્છાથી જન્મે છે. મોક્ષની ઇચ્છાને ઉત્કટ બનાવવા માટે સંસારની અસારતાનું અને મોક્ષની એકાંતે સારતાનું વારંવાર પરિભાવન કરવું જોઇએ. આ પરિભાવન માટે શ્રુતાભ્યાસ વિના બીજો કોઈ ઉપાય નથી. વર્તમાન સમયમાં મુમુક્ષુ આત્માઓને લગભગ ઋતાભ્યાસની આવશ્યકતા જણાતી નથી.
૧૩૦
દીક્ષા બત્રીશી