Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
હિતકારિણી છે. એ બંન્નેનું વસ્ત્રાદિલાવી આપવા વગેરે સ્વરૂપ કાર્ય એકસરખું હોવા છતાં બંન્નેમાં પ્રીતિ અને ભક્તિના કારણે જે વિશેષ છે તેમ પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ ભેદ જાણવો.
સર્વત્ર ઔચિત્યના યોગે થનારી, આગમના વચનમાં જે પ્રવૃત્તિ તેને વચનાનુષ્ઠાન કહેવાય છે, જે ચારિત્રસંપન્ન આત્માઓને ચોક્કસ હોય છે.
અભ્યાસના અતિશયના કારણે જે સત્પુરુષો દ્વારા આત્મસાત્ થયેલાની જેમ કરાય છે તેને અસંગાનુષ્ઠાન કહેવાય છે, જે આ; તેના પૂર્વપ્રયોગથી થતું હોય છે. દંડના કારણે થતું ચક્રભ્રમણ અને પૂર્વ-પ્રયોગાદિના કારણે દંડના અભાવમાં થતું ચક્રનું ભ્રમણઃ બંન્ને ભ્રમણ-સ્વરૂપે સરખાં હોવા છતાં તેમાં જેમ ફરક છે તેમ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં પણ અનુષ્ઠાનસ્વરૂપે સમાનતા હોવા છતાં ફરક છે.
પ્રીતિ વગેરે ચાર અનુષ્ઠાનમાંનાં શરૂઆતનાં બે અનુષ્ઠાનમાં ઉપકારક્ષમા, અપકારક્ષમા અને વિપાકક્ષમા - આ ત્રણ ક્ષમાઓનો સમાવેશ થાય છે. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન - આ બે અનુષ્ઠાનમાં અનુક્રમે વચનક્ષમા અને ધર્મક્ષમાનો સમાવેશ થાય છે. અન્યત્ર પણ એ પ્રમાણે જણાવ્યું છે કે આદ્ય બે અનુષ્ઠાનમાં ક્ષમાના ત્રણ પ્રકારોનો અને છેલ્લાં બે પ્રકારનાં અનુષ્ઠાનોમાં છેલ્લી બે પ્રકારની ક્ષમાનો સમાવેશ થાય છે.
શ્લોકમાં વર્ણવેલાં ચાર અનુષ્ઠાનોમાંથી સંયમજીવનમાં છેલ્લાં બે અનુષ્ઠાન હોય છે. પ્રથમનાં પ્રીત્યનુષ્ઠાન અને ભજ્યનુષ્ઠાન સંયમજીવનની પૂર્વે હોય છે. સંયમજીવનમાંના વચનાનુષ્ઠાનની અપેક્ષાએ પ્રીત્યનુષ્ઠાન અને ભજ્યનુષ્ઠાન ખૂબ જ સરળ છે. પરંતુ વર્તમાનમાં અનુષ્ઠાનો જે રીતે થઈ રહ્યાં છે – એ જોતાં પ્રીત્યનુષ્ઠાન પામવાનું પણ ખૂબ જ કપરું છે. જયાં સંસારની અસારતાનું વાસ્તવિક ભાન ન હોય ત્યાં પ્રીત્યનુષ્ઠાન પામવાનું ઘણું જ કપરું છે. ધર્માનુષ્ઠાન કરતાં આ સંસારની કોઈ પણ વસ્તુ સારી લાગે ત્યાં સુધી વાસ્તવિક રીતે પ્રીતિઅનુષ્ઠાન પણ થઈ શકે એમ નથી. મોક્ષસાધક કોઈ પણ અનુષ્ઠાન; સંસારની અસારતાના ભાન વિના મોક્ષપ્રદ બનતું નથી. આથી જ પ્રીત્યાદિ અનુષ્ઠાનોને સદનુષ્ઠાન તરીકે વર્ણવતી વખતે પરમપદનાં સાધનસ્વરૂપે વર્ણવ્યાં છે. “પ્રીત્યાદિ અનુષ્ઠાનો સંસાર - સુખને આપનારાં છે માટે તે સદનુષ્ઠાન છે.” - આ પ્રમાણે જણાવનારાઓની માન્યતા સાચી નથી. “શ્રી ષોડશક પ્રકરણ” વગેરે ગ્રંથના પરિશીલનથી એ સમજી શકાય છે. ૨૮-૮
દીક્ષાની પ્રાથમિક અવસ્થામાં વચનાનુષ્ઠાન હોય છે અને ત્યાર પછી અસંગાનુષ્ઠાન હોય છે. ત્યાં બંન્ને અનુષ્ઠાનોની વિશેષતા જણાવવાપૂર્વક વચનાનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે–
सूक्ष्माश्च विरलाश्चैवातिचारा वचनोदये । स्थूलाश्चैव घनाश्चैव ततः पूर्वममी पुनः ॥२८-९॥
એક પરિશીલન
૧૩૭.