Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
| अथ प्रारभ्यते दीक्षाद्वात्रिंशिका ।।
अनन्तरं भिक्षुरुक्तः स च दीक्षासम्पन्नो भवतीति तत्स्वरूपमिहोच्यते
આ પૂર્વેની છેલ્લી બત્રીશીમાં ‘ભિક્ષુ'નું સ્વરૂપ વર્ણવ્યું. તે ભિક્ષુ દીક્ષાસંપન્ન હોય તો જ તેને ભિક્ષુ કહેવાય છે. તેથી આ બત્રીશીમાં દીક્ષાનું સ્વરૂપ જણાવાય છે–
दीक्षा हि श्रेयसो दानादशिवक्षपणात्तथा । सा ज्ञानिनो नियोगेन ज्ञानिनिश्रावतोऽथवा ॥२८-१॥
दीक्षा हीति-दीक्षा हि श्रेयसो दानात् । तथाऽशिवक्षपणाद् निरुच्यते । तदाह- श्रेयोदानादशिवक्षपणाच्च सतां मतेह दीक्षेति” । सा निरुक्तार्थशालिनी दीक्षा नियोगेन नियमेन ज्ञानिनो भवति । अथवा ज्ञानिनिश्रावतो गुरुपरतन्त्रस्य ॥२८-१।।
અનન્તોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનમાં દીક્ષાનું જે મહત્ત્વ છે તેનો ખ્યાલ આપણને છે જ. દીક્ષા વિના મુક્તિ થતી ન હોવાથી દીક્ષાનો મહિમા આપણને સર્વ રીતે સમજાયો નથી – એવું નથી. મુક્તિ માટે અનન્ય સાધનભૂત દીક્ષાનું મહત્ત્વ નિર્વિવાદ છે. એ પરમતારક દીક્ષાની પ્રાપ્તિ અનેકવાર થવા છતાં મુક્તિની પ્રાપ્તિ આજ સુધી ન થઈ, એનું કારણ એક જ છે કે અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલી દીક્ષા અને આપણે આરાધેલી દીક્ષા – એ એના સ્વરૂપમાં ખૂબ જ મોટું અંતર હતું. પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ દીક્ષાનું પારમાર્થિક સ્વરૂપ સમજાવીને એ અંતર જણાવવાનું કાર્ય આ બત્રીશીમાં કર્યું છે. મુમુક્ષુ આત્માઓ એ અંતરને સમજી લે તો ચોક્કસ જ એમની દીક્ષા, અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલી દીક્ષા સ્વરૂપ બની શકશે. મોક્ષપ્રાપ્તિ માટે એ અનિવાર્ય છે - એ મુમુક્ષુઓને સમજાવવું પડે એમ નથી.
શ્રેયઃ-મોક્ષને આપતી હોવાથી અને અશિવનો ક્ષય કરતી હોવાથી દીક્ષાને દીક્ષા કહેવાય છે. “દીક્ષા' શબ્દની વ્યુત્પત્તિના આધારે “દીક્ષા' શબ્દનો આ અર્થ શ્રી ષોડશક પ્રકરણમાં વર્ણવ્યો છે. “દીક્ષા' શબ્દથી પ્રતીત થનારો એ અર્થ દરેક દીક્ષાર્થીએ નિરંતર યાદ રાખવો જોઈએ. દીક્ષા, મોક્ષને આપનારી હોવી જોઈએ અને સંસારનો અંત કરનારી હોવી જોઈએ. શિવ-મોક્ષથી ભિન્નને સંસાર કહેવાય છે. જ્યાં શિવ-કલ્યાણ નથી એ અવસ્થાને સંસાર કહેવાય છે. ચારગતિમય આ સંસારમાં કલ્યાણનો લેશ પણ નથી, અને ચારગતિમય સંસાર, કર્મયોગે છે તેથી સર્વથા સકલકર્મક્ષયે થનાર મોક્ષથી તે તદ્દન જ જુદો છે. આવા અશિવસ્વરૂપ સંસારનો ઉચ્છેદ કરનારી દીક્ષાને અને મોક્ષનું પ્રદાન કરનારી દીક્ષાને જ દીક્ષા કહેવાય છે. જે દીક્ષાથી સંસારનો ઉચ્છેદ થતો નથી અને મોક્ષ પ્રાપ્ત થતો નથી, એને દીક્ષા માનવાનું યોગ્ય નથી. દીક્ષાનું પરિપાલન કરનારાએ રાત અને દિવસ ચિંતવવું જોઇએ કે આપણી દીક્ષાથી સંસારનો ઉચ્છેદ
૧૨૪
દિક્ષા બત્રીશી