Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અને અતીતાદિ લક્ષણની દુર્બળતા... ઇત્યાદિ પરિણામ અવસ્થાપરિણામ છે... ઇત્યાદિ અહીં સમજી લેવું જોઇએ.
ધર્મ, લક્ષણ અને અવસ્થા સ્વરૂપ પરિણામોમાં ઉ૫૨ જણાવેલા સંયમથી વાસિત યોગીને સર્વ પદાર્થોના ગ્રહણના સામર્થ્યમાં પ્રતિબંધક બનેલા વિક્ષેપનો પરિહાર થવાથી (પ્રતિબંધકનો અભાવ થવાથી) અતીત(અતિક્રાંત-વીતેલા) અને અનાગત(અનુત્પન્ન) અર્થોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વાત જણાવતાં પાતંજલયોગસૂત્રમાં(૩-૧૬માં) કહ્યું છે કે - ધર્માદિ ત્રણ પરિણામોને વિશે સંયમ કરવાથી અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે.
શબ્દ, શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય વર્ણાદિના નિયતક્રમવાળો છે અથવા ક્રમરહિત સ્ફોટ સ્વરૂપ (એક સાથે ઉત્પન્ન થના૨) ધ્વનિથી સંસ્કાર પામેલો બુદ્ધિથી ગ્રાહ્ય છે. તેનો અર્થ જે જાતિ ગુણ ક્રિયા વગેરે સ્વરૂપ છે, તેને અર્થ કહેવાય છે. વિષયાકાર પરિણામ પામેલી બુદ્ધિનો પરિણામ ધી છે. શબ્દ, અર્થ અને ધી(બુદ્ધિ) : આ ત્રણેય ગો... ઇત્યાદિ અભેદ સ્વરૂપે પ્રતીત થાય છે. ‘ગો' શબ્દ છે, ‘ગો’ અર્થ છે અને ‘ગો’ એ પ્રમાણે જ્ઞાન છે. આ રીતે શબ્દ વગેરે અભેદરૂપે પ્રતીત થાય છે. આ કયો શબ્દ છે ? આ શું છે ? અને શું જાણ્યું ? આ ત્રણેય પ્રશ્નના જવાબમાં ‘ગો (ગાય)' આ પ્રમાણે એક જ જવાબ અપાતો હોવાથી ત્રણેય અભેદસ્વરૂપે પ્રતીત થાય છે. જો એકસ્વરૂપે એ ત્રણની પ્રતીતિ થતી ન હોય તો એ ત્રણેય પ્રશ્નોનો એક જ ઉત્તર ન હોય; કારણ કે એકસ૨ખો જવાબ એકપ્રતિપત્તિ-નિમિત્તક હોય છે. અર્થાત્ એકસ્વરૂપ માનવાના કારણે હોય છે. પરંતુ આ રીતે શબ્દ, અર્થ અને બુદ્ધિનો અભેદ-ગ્રહ વાસ્તવિક નથી, મિથ્યાજ્ઞાનમૂલક છે. શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પથી જે જ્ઞાન થાય છે તે સંકર હોય છે, શુદ્ધ હોતું નથી. તાદેશ અભેદના ગ્રહણથી શબ્દાદિના વાસ્તવિક સ્વરૂપનો ખ્યાલ આવતો નથી. તેથી શબ્દાદિના વિભાગમાં અર્થાત્ “જે વાચકત્વ છે (શબ્દ અર્થનો વાચક છે) એ શબ્દનું સ્વરૂપ-તત્ત્વ છે. જે વાચ્યત્વ છે, (અર્થ, શબ્દથી વાચ્ય છે) એ અર્થનું તત્ત્વ-સ્વરૂપ છે અને જે પ્રકાશત્વ (પ્રકાશ સ્વરૂપ) છે, તે ધી-બુદ્ધિનું તત્ત્વ છે.’......... ઇત્યાદિસ્વરૂપ શબ્દ અર્થ અને બુદ્ધિના વિભાગમાં પૂર્વોક્ત સ્વરૂપ સંયમ કરવો જોઇએ. જેથી મૃગ પશુ પક્ષી સર્પ વગેરેના શબ્દનું જ્ઞાન થાય છે કે - ‘આવા જ તાત્પર્યથી આ પ્રાણીએ આ શબ્દ કહ્યો છે.’ શબ્દાર્થધીના ઉપર જણાવેલા વિભાગથી શબ્દાદિનું સ્પષ્ટ જ્ઞાન થાય - એ સમજી શકાય છે. આ વાત પાતંજલયોગસૂત્રમાં (૩-૧૭માં) જણાવી છે, જેનું તાત્પર્ય સ્પષ્ટ છે કે - “શબ્દ, અર્થ અને જ્ઞાન(ધી)નો પરસ્પર અભેદગ્રહ થવાથી સંકર (પરસ્પર સમાવેશ) થાય છે. પરંતુ જેને એના વિભાગને જાણીને તેમાં(વિભાગમાં) સંયમ પ્રાપ્ત થાય છે, તેને સર્વ પશુપક્ષી પ્રાણીગણના શબ્દ(ભાષા)નું જ્ઞાન થાય છે.” ૨૬-૫॥ ફલાંતર જણાવાય છે—
એક પરિશીલન
૭૧