________________
તન્મયતા હોય છે ત્યારે બીજી વાતો યાદ નથી આવતી. વ્યક્તિ એકરસ બની જાય છે. ખાંડ દૂધમાં જે રીતે ઓગળી જાય છે અને પછી તે અલગ રીતે પોતાનું અસ્તિત્વ જાળવી શકતી નથી. દૂધ અને ખાંડ ઓતપ્રોત બની જાય છે. બાદશાહને ખબર પડી ગઈ કે તે સૌ નકલી શીશ ડોલાવનારા હતા. હકીકતમાં સંગીતના મર્મજ્ઞ તો બહુ ઓછા લોકો હતા.
આચાર્ય માનતુંગ ભગવાન ઋષભની સ્તુતિમાં તન્મય બની ગયા. તેમણે કહ્યું, પ્રભુ ! હું આપની સ્તુતિ કરવા ઇચ્છું છું પરંતુ મારી સામે એક મુશ્કેલી છે કે મારી પૂર્વે આપની સ્તુતિ ઈન્દ્ર કરી ચૂક્યા છે. દેવલોકમાં ‘વ્યવસાય સભા’ નામની એક સભા છે, જ્યાં પુસ્તકોનો વિપુલ સંગ્રહ છે. ઈન્દ્ર તથા દેવતાઓ તે સભામાં જાય છે અને ગ્રંથોનું પારાયણ કરે છે. જેણે સફળ વાડ્મયનું પારાયણ કરી લીધું, જેણે ગ્રંથોનું પાન કરી લીધું છે તેવા ઈન્દ્ર દ્વારા આપની સ્તુતિ કરવામાં આવી છે. તેમની તુલનાએ હું તો ખૂબ નાનો છું. ઈન્દ્રનાં પ્રગલ્ભ જ્ઞાન, ગહન અધ્યયન અને શક્તિની તુલનામાં મારી શક્તિ અત્યંત અલ્પ છે. હું શું કરું ? મારા મનમાં વિકલ્પ જાગી રહ્યો છે.
માનતુંગ આ વિકલ્પ થકી નિશ્ચિય સુધી પહોંચી ગયા – હું ઈન્દ્ર નથી, પરંતુ હું પણ આપની સ્તુતિ કરીશ. માત્ર ‘અહં’ કહ્યું હોત તો અંધકાર થઈ જાય છે. અહં અહંકારવાચક પણ છે અને અહં વિનમ્રતાવાચક પણ છે. અહંની સાથે ‘અપિ’નો યોગ થઈ ગયો, આ યોગમાં માનતુંગની વિનમ્રતા ઝળકવા લાગી. માનતુંગે કહ્યું કે હું પણ આપની સ્તુતિ કરીશ. જો કે હું ઈન્દ્ર જેટલો શક્તિશાળી નથી, એટલો વિદ્વાન પણ નથી, છતાં હું આપની સ્તુતિ કરીશ, કારણ કે હું આપનો ભક્ત છું. ઈન્દ્ર આપનો ભક્ત છે, તેણે આપની સ્તુતિ કરી. હું પણ આપનો ભક્ત છું. હું પણ સ્તુતિ કરીશ.
-
આ પ્રશ્ન ન માત્ર માનતુંગ સમક્ષ આવ્યો, હેમચંદ્ર સામે પણ આવ્યો, સિદ્ધસેન સામે પણ આવ્યો, સૌ કોઈની સામે આવ્યો કે તેનો પાર શી રીતે પામી શકીશ ? આખરે સમાધાન મળ્યું – એક ધાવક દોડતો હોય તો શું બાળકને ચાલવાનો પણ અધિકાર ન હોય ? એક બાળક ચાલવાનું શરૂ કરે છે ત્યારે ક્યારેક નીચે પડે છે, ક્યારેક ઊભો થાય છે, ફરીથી ચાલે છે, ફરીથી પડે છે. એમ થઈ શકે છે પરંતુ શું તેને ચાલવાનો અધિકાર નથી ? જો બાળક એમ વિચારે કે હું ધાવક બનીશ પછી જ ચાલીશ તો શું તે ક્યારેય ચાલી શકશે ખરો ?
કોઈ માણસ તરવાનું શીખવા ઇચ્છતો હોય તો તે માટે તેણે તળાવ કે નદીમાં ઊતરવું પડે છે. જો કોઈ એમ કહે કે જ્યાં સુધી હું તરવાનું નહિ શીખી લઉં ત્યાં સુધી નદી કે તળાવમાં પગ પણ નહિ મૂકું, તો શું તે વ્યક્તિ ક્યારેય તરવાનું શીખી શકશે ખરી ? ૨૦ – ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org