________________
આચાર્ય માનતુંગે એક આધ્યાત્મિક અને કર્મશાસ્ત્રીય દૃષ્ટિકોણ પોતાની સામે રાખીને સ્તવના કરી. સાધનાના ક્ષેત્રમાં સાધક આંતરિક જ્યોતિના જાગરણની સાધના કરે છે. તેના પ્રસ્ફુટન માટે જ તે દીપકની જ્યોતનું ધ્યાન ધરે છે, મણિની પ્રભા, સૂર્યનાં કિરણો અથવા ચંદ્રમાનું ધ્યાન ધરે છે. તેના આ તમામ ઉપક્રમો ભીતરની જ્યોતિને જગાડવા માટે હોય છે. જ્યારે ભીતરની જ્યોતિ જાગૃત થઈ જાય છે ત્યારે ધ્યાન કરવું જરૂરી રહેતું નથી. ભગવાન મહાવીરે અનિમેષ પ્રેક્ષાનું ધ્યાન કર્યું. એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરી, પરંતુ જ્યારે કેવળજ્ઞાન ઉપલબ્ધ થઈ ગયું ત્યારે ન તો અનિમેષ પ્રેક્ષાની જરૂર રહી કે ન કોઈ બાહ્ય જ્યોતિની અપેક્ષા રહી. કેવળજ્ઞાન અને મોહવિલય દ્વારા જે જ્યોતિનું જાગરણ થાય છે, તે કોઈ બાહ્ય જ્યોતિ દ્વારા ઉપમિત થઈ શકતી નથી. આચાર્ય માનતુંગે આ સચ્ચાઈનું શ્લોકદ્રયીમાં ઉદ્ઘાટન કર્યું છે. જ્યાં ભીતરની જ્યોતિ જાગી જાય છે ત્યાં સર્વસ્વ પ્રાપ્ત થઈ જાય છે. તૃષ્ણા, દુઃખ, અશાંતિ, ઘૃણા, હતાશા – આ તમામનો વિલય ભીતરી જ્યોતિ પ્રગટ થવાથી થાય છે. જ્યાં સુધી તે જ્યોતિ પ્રગટ થતી નથી ત્યાં સુધી વ્યક્તિની માનસિક કક્ષા બીજા પ્રકારની હોય છે. જ્યાં સુધી ભીતરની જ્યોતિ પ્રગટ નથી થતી ત્યાં સુધી તૃષ્ણા જાગ્યા કરે છે. ભીતરની જ્યોતિ પ્રગટ થઈ જાય તો પવિત્ર જીવનનો સ્રોત વહેવા લાગે, સદાય મસ્તિ અને આનંદનો સાગર લહેરાવા લાગે. માનતુંગે આદિનાથના અનુપમેય વ્યક્તિત્વનું જે ચિત્ર રજૂ કર્યું છે તે નિર્મળ અને પવિત્ર જ્યોતિનાં જીવંત હસ્તાક્ષર છે. આદિનાથનું આ અતુલનીય વ્યક્તિત્વ જ સ્તુતિકારના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે, જેનો સાક્ષાત્કાર ભક્તામરના પ્રત્યેક પદમાં કરી શકાય છે.
Jain Education International
= ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ = ૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org