________________
૧૦
મુક્ત થઈ નિર્મલ બને, તાત્ત્વિગુણરૂચિ તીવ્ર બને ત્યારે ભગવદ્ભક્તિ ગુરૂશરણાગતિ, વિરક્તિ વગેરેના પ્રભાવથી જૈનેતર મહર્ષિના પણ નિખાલસ માનસમાં જિનાગમને– સર્વજ્ઞવચનને અનુસરનારી વિચારધારા ઉદ્ભવે છે. આથી તેઓ નિરાબાધ રીતે મોક્ષમાર્ગના યાત્રી બને છે. અધ્યાત્મમહાસાગરના તળિયે ડુબકી લગાવનાર અનુભવી ઉપાસકને જ આ તત્ત્વ સમજાય તેવું છે. બાકી બીજા તો આ વાસ્તવિકતાની વિડંબના-અવહેલના જ કરે. પરંતુ આ ગહન અને સત્ય હકીકત સુજ્ઞ આરાધકોની જાણમાં આવે, સ્પષ્ટ બને એ ઉદ્દેશથી પ્રસ્તુત ‘અધ્યાત્મઉપનિષદ્’ગ્રન્થની ‘અધ્યાત્મવૈશારદી’ વ્યાખ્યામાં સંવાદ તરીકે ડગલે ને પગલે જૈન શાસ્ત્રોમાં પ્રદર્શિત પદાર્થો- પરમાર્થોને એકદમ અનુરૂપ એવા, પરદર્શનશાસ્ત્રોના વચનો પણ ટાંકેલા છે. અમુક તો સુસંવાદી વચનો એવા છે કે “તે ક્યા શાસ્ત્રના છે ?’ તેનો જો ઉલ્લેખ ન કરવામાં આવે તો ‘તે જૈનશાસ્ત્રના વચનો છે કે જૈનેતર શાસ્ત્રના?’ એની કોઈ ગંધ પણ અચ્છા-અચ્છા વિદ્વાનોને ન આવી શકે. અધ્યાત્મવૈશારદીના વાચકોને આ વાત સરળતાથી સમજાય તેવી છે. અધ્યાત્મના શિખરે પહોંચ્યા પછી ‘આ સિદ્ધાન્ત મારો છે અને તે સિદ્ધાન્ત પારકો છે.' આવી સંકુચિતતા સહજ રીતે છૂટી જાય છે. યોગ્ય દૃષ્ટિકોણનો આશરો લઈને મોક્ષસ્વરૂપ પરમપ્રયોજન તત્ત્વતઃ સમાન હોવાની અપેક્ષાએ સર્વદર્શનોમાં, સકલ ધર્મોમાં, સઘળાં ધર્મશાસ્ત્રોમાં જે સમાનતાને જુએ તે જ શાસ્ત્રજ્ઞાની બની શકે. આવા શાસ્ત્રવેત્તા અધ્યાત્મના શિખરે પહોંચે ત્યારે વૈકાલિક સર્વક્ષેત્રીય પારમાર્થિક સત્યો અને સાંયોગિક સત્યોને તટસ્થપણે યથાર્થ રીતે સ્વીકારવાની વિવેકપૂર્ણ ઉદારતા પ્રગટ થાય છે. આવી ભૂમિકા આવ્યા પછી જ મોક્ષમાર્ગની યાત્રા વેગવંતી બની શકે. અધ્યાત્મવેશારદીના વાચકની આવી ઉત્તમ ભૂમિકા સ્વાભાવિક રીતે તૈયાર થતી જાય એ આશયથી જૈનદર્શનના શાસ્ત્રપાઠોની સાથે જૈનેતરદર્શનના શાસ્ત્રોની હારમાળા ગૂંથી લીધેલી છે. સુજ્ઞ વાચકવર્ગ વિવેકદષ્ટિ રાખીને, મન તટસ્થ કરીને ગુરૂગમથી બન્ને અભિનવ વ્યાખ્યાથી યુક્ત પ્રસ્તુત ગ્રન્થનું અધ્યયન કરો તો જ તેના ભાવો, પરમાર્થો આત્મસાત્ થઈ શકશે. તેવું કરવામાં વાચકવર્ગ સફળ બને એ જ મંગલકામના.
* ઉપકાર સંસ્મરણ
પરમપૂજ્ય ચારિત્રચૂડામણિ વિશુદ્ધ બાલબ્રહ્મચારી સિદ્ધાન્તમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમપૂજ્ય સકલસંઘહિતચિંતક વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપા વિના અધ્યાત્મવૈશારદી (સંસ્કૃત ટીકા) અને અધ્યાત્મપ્રકારા (ગુજરાતી વ્યાખ્યા)ની રચના શક્ય બની ન હોત.
પરમપૂજ્ય ગીતાર્થશિરોમણિ સિદ્ધાન્તદિવાકર શાસનપ્રભાવક ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના મંગલ આશિષથી બન્ને અભિનવ વ્યાખ્યાથી યુક્ત પ્રસ્તુત ગ્રન્થનું પ્રકાશન ઝડપથી સાકાર બની શક્યું છે.
१. आत्मीयः परकीयो वा कः सिद्धान्तो विपश्चिताम् १ योगबिन्दु - ५२५
२. तेन स्याद्वादमालम्ब्य सर्वदर्शनतुल्यताम् । मोक्षोदेशोऽविशेषेण यः पश्यति स शास्त्रवित् ।। अध्यात्मउपनिषद् १/७०