________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5 30. વર મુનિવર બને છે!?
શ્રીરામની અયોધ્યાનો આ સુવર્ણ-ઇતિહાસ છે. ત્યારે અયોધ્યા સુશીલા, સુગુણા, સુજલા અને સુફલા હતી.
ત્યારના રાજાઓ શીલના પક્ષપાતી અને શીલવાનોના કદરદાન હતા. ત્યારે પ્રજા સદાચારોમાં જ જીવનની સફળતા માનનારી અને સદાચારોને ખાતર પ્રાણોને ત્યજનારી હતી.
વિજયરાજા પણ એવા અને એમની પ્રજા પણ એવી! માત્ર પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાચનાર કીડાઓ તે ન હતા, પરંતુ પરમાત્મા ઋષભદેવથી ચાલી આવતી અને ભગવાન મુનિસુવ્રતે પુનઃ સ્થાપિત કરેલી આધ્યાત્મિક સંસ્કૃતિના માનસરોવરમાં મહાલનારા રાજહંસ હતા.
મહારાજા વિજયને બે પુત્રો હતા. વજ્રબાહુ મોટો પુત્ર હતો અને પુરંદર નાનો પુત્ર હતો. માતા હિમચૂલાએ પોતાના બંને પુત્રોમાં દિવ્યદૃષ્ટિથી ડોકિયું કર્યું. સ્થૂલ દેહની ભીતરમાં રહેલા આત્માઓને જોયા. અનંતકાળથી ચાલી આવતી અવનતિ ને ઉન્નતિનો રોમાંચક ક્રમ જોયો, હિમચૂલાએ બંને પુત્રોને પારણામાંથી પરમાત્માના પ્રેમી બનાવ્યા. પરમાત્મ-પંથના અભિલાષી બનાવ્યા, તેણે ઐહિક પ્રલોભનોથી ભરેલાં હાલરડાં ન ગાયાં... તેણે તો જ્ઞાનદૃષ્ટિનું ઉદ્ઘાટન કરી આપે, અને મોહની નિદ્રામાંથી જગાડી દે, એવાં સુંદર હાલરડાં ગાયાં.
અનંતકાળથી ભવમાં ભમતો... માયામાં લપટાયો, અનંતજ્ઞાનનો માલિક આતમ! અજ્ઞાને ભરમાર્યો. શુદ્ધ-બુદ્ધ તું નિરંજન છો! રાગરહિત છો વીરા! આ જગની કૂડી માયા... તેમાં રહેજો ધીરા! દેહરહિત ને નામરહિત તું... દેહ... નામ માયાના, કીર્તિને અપકીર્તિ નહિ તારાં, કામ સહુ માયાનાં. સ્વાર્થ ભરેલા સહુ સંબંધો, તેમાં નહિ મૂંઝાશો, એક પ્રભુ પરમાતમ સાથે પુત્ર! તલ્લીન થાશો...!
પારણિયામાંથી જે બાલુડાંઓને આવું શિક્ષણ મળે, તેમનો અંતરાત્મા વૈરાગી બને તેમાં શી નવાઈ! વજ્રબાહુ જેમ જેમ મોટો થયો તેમ તેમ તેણે અનેક કળાઓ હસ્તગત કરી, પરંતુ તેનું ચિત્ત તો આત્માની વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરવા તલસતું હતું.
For Private And Personal Use Only