Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
સિધ્ધિ દર્શાવનારી અર્થકથા છે. આચાર્ય હરિભદ્રસૂરિએ અસિ, સિ, કૃષિ, વાણિજ્ય, શિલ્પ, ધાતુ અને અર્થોપાર્જન હેતુ સામ, દામ, દંડ, ભેદ વગેરેથી યુક્ત અર્થકથા ગણાવી છે.
કામકથાઃ- આ કથામાં રૂપ-સૌંદર્ય યુક્ત પાત્ર-પ્રસંગનું નિરૂપણ મહત્ત્વનું ગણાય છે. દાક્ષિણ્યતા, યૌનસંબંધ, મોહ, વિવાહ, ભોગ, સુખ, વેશભૂષા, કલાની શિક્ષા, દુર્જન, સંસ્કારી સજ્જનો વગેરે વિષયોને સ્પર્શે છે.
ધર્મકથાઃ- આ કથામાં ધર્મને લગતા વિવિધ વિષયો જેવા કે દાન, શીલ, તપ, ભાવ, સંયમ, પુણ્ય, પાપ, અધર્મ, જીવનમાં શુભાશુભ કર્મનો પ્રભાવ, મનુષ્યની પ્રકૃતિ, જીવનની સફળતા-નિષ્ફળતા અને આરાધના માહિતી કેન્દ્રસ્થાને છે. જિનદાસગણિએ મનુષ્યની સર્વ શક્તિ-અહિંસાના સિધ્ધાંતોનું નિરૂપણ કરતી કથાને ધર્મકથા ગણાવી છે.
આચાર્ય હરિભદ્રસૂરિએ દશધર્મ યુક્ત(યતિધર્મ) અને અણુવ્રતો વાળી ધર્મ કથા કહી છે. મહાકવિ પુણ્યન્તે અભ્યુદય અને નિઃશ્રેયસની સંસિધ્ધિ અને સદ્ધર્મની પ્રરૂપણા કરતી ધર્મકથા ગણાવી છે.
જિનસેનાચાર્યે ‘મહાપુરાણ’માં કથાના ભેદમાં કહ્યું છે કે ધર્મ, અર્થ તથા કામનું કથન એ ‘કથા’ છે. જેમાં ધર્મનું વિશેષ નિરૂપણ કરવામાં આવે તેને ‘સત્યકથા’ કહે
છે.
સકીર્ણ કથાઓમાં મુખ્યત્વે વીર પુરુષોના પરાક્રમ, શૌર્ય, વેપાર, શ્રેષ્ઠિઓની સાહસિકતા, સમુદ્રયાત્રા, દાન, શીલ-તપ-ક્રોધ માન, માયા, લોભ આદિ ચાર કષાય માનવ સ્વભાવની વૃતિઓ અને દુરાચાર વગેરેનો ઉલ્લેખ થયેલો છે એટલે આ કથા મિશ્રિત-મિશ્રણ એમ કહેવાય છે.
આચાર્ય હરિભદ્રસૂરિ લૌકિ અને ધર્મ હેતુ સાથે રચાયેલી કથાને મિશ્રકથા કહી છે. મિશ્રકથામાં અનુભૂતિની પૂર્ણતા પાત્રોની વિવિધ પ્રકારની અભિવ્યક્તિ, જીવનના વૈવિધ્યપૂર્ણ પ્રસંગો સૌંદર્ય પ્રધાન સાધનો, જીવનનું રહસ્ય વગેરે પ્રગટ થાય છે. મિશ્રકથાનું અન્યનામ સંકીર્ણ કથા છે અને કથા સાહિત્યમાં તે સ્થાન ધરાવે છે. આચાર્ય ઉદ્યોતનસૂરિએ શૈલીના આધારે કથાના પાંચ ભેદ કહ્યા છે.
(૧) સકલકથા:- આ કથામાં ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશેના વિચારો મુખ્યત્વે સ્થાન ધરાવે છે. આ કથાના અંતમાં જીવાત્મા મનોવાંછિત-ઉત્તમ ફળની પ્રાપ્તિ કરે છે તેવો સંદર્ભ રહેલો છે.
24