________________
ચૈત્યવન મહાભાષ્ય
એમ કહેવું એ શું યુક્ત છે ? કારણકે નિષ્ઠાકાળ તો ‘અન્નત્થ’ સૂત્ર બોલી રહ્યા પછી છે, અર્થાત્ અન્નત્થ સૂત્ર બોલી રહ્યા પછી કાર્યોત્સર્ગ કરેલો ગણાય.
ઉત્તરઃ– ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ એ બંને નજીક હોવાથી ‘કરાતું’ કાર્ય ‘કરેલું’ કહેવાય.
વિશેષાર્થ:— ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ એ બંને નજીક હોવાથી અભિન્ન = એકરૂપ ગણાય એમ નિશ્ચય નય કહે છે. નિશ્ચયનયના મતે જે ક્રિયા કરવા માંડી તે કરી કહેવાય. જેમકે– ઘટ બનાવવાની ક્રિયા કરવા માંડી એટલે ઘટ બની ગયો કહેવાય.
પ્રશ્નઃ— આ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. ઘટ બનાવવાની ક્રિયા વખતે ઘટ ઉત્પન્ન થયેલો ક્યાં દેખાય છે ?.
ઉત્તરઃ— અહીં સ્થૂલ દૃષ્ટિથી નહિ, કિંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી જોવાની જરૂ૨ છે. કોઈ પણ વસ્તુ એક જ ક્ષણમાં સર્વાંશે ઉત્પન્ન થતી નથી, કિંતુ પ્રત્યેક ક્ષણે અંશે અંશે ઉત્પન્ન થતી આવે છે, અને એમ ક્રમશઃ ઉત્પન્ન થતાં છેલ્લો અંશ ઉત્પન્ન થતાં અખંડ વસ્તુ ઉત્પન્ન થઈ દેખાય છે. એટલે કહેવાય કે વસ્તુ અંશે અંશે દરેક ક્ષણે ઉત્પન્ન થઈ અને સર્વાંશે છેલ્લી ક્ષણે ઉત્પન્ન થઈ. આમ વસ્તુના સર્વ અંશો ઉત્પન્ન થવામાં સર્વ ક્ષણની ઉત્પાદન ક્રિયા કારણ છે. એટલે જ દરેક ક્ષણની ક્રિયા વસ્તુનો એક એક · અંશ ઉત્પન્ન કરી જ રહી છે, એમ સિદ્ધ થાય છે.
જ
પ્રશ્નઃ– એ રીતે તો વસ્તુનો અંશ જ ઉત્પન્ન થયો છે, વસ્તુ ઉત્પન્ન થઈ નથી. ઉત્તરઃ– વસ્તુનો અંશ વસ્તુથી એકાંતે ભિન્ન નથી. એથી વસ્તુનો અંશ ઉત્પન્ન થયો એટલે વસ્તુ ઉત્પન્ન થઈ એમ કહેવાય.
૪૨૪મી ગાથામાં ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ ભિન્ન કહ્યા છે, તે વ્યવહાર નયની દૃષ્ટિએ કહ્યા. અહીં ક્રિયાકાલ અને નિષ્ઠાકાલને એક કહ્યા તે નિશ્ચયનયની દૃષ્ટિએ કહ્યા. વ્યવહારનય સ્થૂલદૃષ્ટિથી જુએ છે, એટલે તે નય વસ્તુ સંપૂર્ણ ઉત્પન્ન થાય ત્યારે જ ઉત્પન્ન થઈ એમ કહે છે. જે વખતે વસ્તુને ઉત્પન્ન થવાની ક્રિયા થઈ રહી છે તે વખતે વસ્તુ સંપૂર્ણ ઉત્પન્ન થઈ નથી. (૪૨૫)
૧૮૭