________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
.
છે. આ સાંભળી વૃદ્ધાને પણ ભગવાન મહાવીરસ્વામી પ્રત્યે ભક્તિભાવ જાગ્યો. તે વિચારવા લાગી કે- હું પણ ભગવાનની પૂજા કરું, પણ હું ગરીબ હોવાથી પૂજાના સાધનોથી રહિત છું. આ લોકો ભગવાનની પૂજા માટે ધૂપ વગેરે ઉત્તમ સામગ્રી લઈને જાય છે. હું તેના વિના શી રીતે પૂજા કરું ? કંઈ નહિ, મને જંગલમાં ગમે ત્યાંથી પુષ્પો મળી જશે. એ પુષ્પોથી હું ભગવાનની પૂજા કરું. આમ, વિચારી વૃદ્ધા જંગલમાંથી સિંદુવારનાં પુષ્પો લઈ આવી. પુષ્પો લઈને હર્ષથી સમવસરણ તરફ જઈ રહી હતી. પણ વૃદ્ધાવસ્થાના કારણે રસ્તામાં જ આયુષ્યનો ક્ષય થતાં મૃત્યુ પામી. રસ્તા ઉપર તેનું મડદું જોઈને દયાળુ માણસોએ આ વૃદ્ધા મૂર્છા પામી છે એમ સમજીને તેના ઉપર પાણી છાંટ્યું. થોડો વખત મૂર્છાના ઉપચાર કરવા છતાં જરા પણ ચેતના આવી નહિ. એટલે લોકોએ ભગવાનને પુછ્યું કે— આ વૃદ્ધા મરી ગઈ છે કે જીવતી છે ?. ભગવાને કહ્યું: તે મૃત્યુ પામી છે. તેનો જીવ દેવરૂપે ઉત્પન્ન થયો છે. દેવરૂપે ઉત્પન્ન થયેલો વૃદ્ધાનો જીવ દેવલોકમાં ઉત્પન્ન થયા પછી તરત અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને મને વંદન કરવા આવ્યો છે. તે આ રહ્યો, એમ કહીને ભગવાને પોતાની પાસે ઊભેલા દેવને બતાવ્યો. ભગવાન પાસે આ વત્તાંત સાંભળીને સમવસરણમાં રહેલા બધા લોકો વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે અહો ! પૂજાની ભાવનાથી પણ કેટલો બધો લાભ થાય છે. પછી ભગવાને થોડા પણ શુભ અધ્યવસાયથી બહુ લાભ થાય છે એમ કહી જિનપૂજાનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારબાદ ભગવાને વૃદ્ધાના જીવનો વૃત્તાંત જણાવતાં કહ્યું કે વૃદ્ધાનો જીવ દેવલોકમાંથી ચ્યવી વિશાળરાજ્યનો માલિક કનકધ્વજ નામનો રાજા થશે. એક વખત દેડકાને સર્પ, એ સર્પને કુ૨૨, એ કુ૨૨ને અજગર, એ અજગરને મોટો સર્પ ખાઈ જવા મથે છે. એ બનાવ જોઈને તે વિચારશે કે- જેમ અહીં એક-બીજાને ખાવાને મથતા દેડકો વગેરે પ્રાણીઓ આખરે મહાસર્પના મુખમાં જ જવાના છે, તેમ સંસારમાં જીવો ‘મત્સ્યગલાગલ” ન્યાયથી પોતપોતાના બળ પ્રમાણે પોતાનાથી ઓછા બળવાળાને દુઃખી કરે છે-દબાવે છે, પણ આખરે બધા યમરાજના મુખમાં પ્રવેશ કરે છે. આથી આ સંસાર અસાર છે એમ વિચારીને પ્રત્યેકબુદ્ધ બનશે.
૩૪૦