________________
તે માર્ગનો જાણકા૨, તેની ગતિને સારી રીતે સમજું છું. હું જ તે સર્વશ્રેષ્ઠ કમળને પકડી લાવીશ. આમ બોલી તે ત્યાં-જ તીર ઉપર ઊભો રહી બોલ્યોઃ- હે સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ! ઊડ, ત્યાંથી ઊડી અહીં આવ ! ત્યાંથી ઊડી સાચેજ ! અહીં આવ. ત્યારે તે સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ ત્યાંથી ઊડી તે ભિક્ષુ પાસે આવ્યું.
૬૪૪. હે આયુષ્માન શ્રમણો !આ દાખલા પરથી તમે શું સમજ્યા ? તમારે અર્થ જાણવો જાઈએ. ભગવાન મહાવીરે ત્યાં નિગ્રંથ અને નિગ્રંથીઓને આમંત્ર્યા હતા. ત્યારે તે નિગ્રંથ અને નિગ્રંથીઓએ, શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરી જવાબ આપ્યોઃ અમે તેનો હેતુ સમજ્યા નથી. ભગવાન મહાવીરે કહ્યું:- હે શ્રમણો ! તો તમે સાંભળો, તેનો અર્થ સમજાવીશ, ભાવ બતાવીશ, પ્રવેદના કરીશ, તે સર્વ, તેના હેતુ સાથે, અર્થ સાથે, નિમિત્તો સાથે, આનંદથી હર્ષપૂર્વક બતાવીશ.
૬૪૫. હે શ્રમણાયુષો ! હું તે અલ્પમાં કહું છું. આ લોકમાં - પુષ્કરિણી એ સંસાર છે, તેનું પાણી તે કર્મો અને કાદવ તે કામ ભોગો છે. ત્યાંના શ્વેત કમળો તે જનસમુદાય છે, સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ તે રાજા છે. ત્યાં ઊગેલાં શ્વેત કમળો ને ચાર પુરૂષ કહ્યાં છે. ધર્મને ભિક્ષુ કહ્યો છે, તીરને ધર્મતીર્થ કહ્યું છે. બોલેલા શબ્દો તે ધર્મકથા છે. મેં કમળના ઉડ્ડાનને નિર્વાણ કહ્યું છે. આ છે સારાંશ મારા કહેવાનો. હે ભિક્ષુઓ ! તે જાણો, જાણી લો.