________________
નિઃસ્પૃહ શિરોમણિ, વિવિધ લબ્ધિના પ્રભાવે ભવ્યજીવોને બોધ આપનાર, રાજગચ્છના મંડનરૂપ, સચ્ચારિત્રથી પવિત્ર, વૈરાગ્યરસના સાગર અને સર્વ વિદ્યામાં પ્રવીણ મહાત્મા શ્રી ધનેશ્વરસૂરિજીએ સુખપૂર્વક સમજાય તેવું સંક્ષિપ્ત “શ્રી શત્રુંજય માહાભ્ય’ વલ્લભીપુરમાં રચ્યું. તેમાંથી પણ સારભૂત તત્ત્વ ગ્રહણ કરીને “શ્રી શત્રુંજય માહાભ્ય સાર” અહીં સંકલિત કરાય છે.
કહેવાય છે કે ઃ આ માનવ જન્મ મેળવીને, અનેક શાસ્ત્રો સાંભળી જે સફળ કરવાનું છે તે સર્વ શ્રી શત્રુંજય તીર્થની માહાભ્ય કથા સાંભળવાથી સફળ થાય છે.
શ્રી શત્રુંજય તીર્થાધિરાજ અને શ્રી જિનેશ્વર દેવનું ધ્યાન કરવું અતિશ્રેષ્ઠ છે. કારણ કે તેના જેવું પરમતીર્થ બીજું નથી અને જિનેશ્વર દેવના ધ્યાન જેવો શ્રેષ્ઠ ધર્મ નથી. મન, વચન, કાયાથી કરેલું ભયંકર પાપ પણ શ્રી પુંડરીકગિરિનાં સ્મરણથી નાશ પામે છે. સિંહ, વાઘ, સર્પ જેવા હિંસક પશુઓ અને મોર, સમડી જેવા પક્ષીઓ તથા બીજા પણ પાપી જીવો આ શત્રુંજય તીર્થ અને શ્રી અરિહંત પ્રભુના દર્શનથી સ્વર્ગગામી થાય છે. એવા આ તીર્થનું માહાભ્ય એકવાર પણ અવશ્ય સાંભળવું જોઇએ. એક વાર શ્રી પુંડરીકગિરિની છાયાનો આશ્રય કરવો જોઇએ. જે જીવોએ આ ગિરિરાજના દર્શન કર્યા નથી એનો ભવ નિષ્ફળ થાય છે.
અન્ય તીર્થોમાં ઉત્તમ દાન, શીલ, પૂજન, ધ્યાનાદિ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તેનાથી અનંતગણું ફળ શ્રી શત્રુંજયની માત્ર કથા સાંભળવાથી થાય છે. તેથી હે ભવ્ય જીવો ! આ ગિરિરાજનું માહાભ્ય અતિભક્તિપૂર્વક શ્રવણ કરવું જોઇએ. • ઉપોદ્દાત :
એક વખત શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પૃથ્વીતલ પર વિચરતા... વિચરતા... સૌરાષ્ટ્ર દેશના શણગારરૂપ, બાહ્ય-અત્યંતર શત્રુઓને જીતવામાં સહાયક એવા શત્રુંજય ગિરિરાજ ઉપર પધાર્યા. ઘણા બધા દેવ-દેવીઓના સમૂહ સહિત ચોસઠે ઇન્દ્રો તેમને વંદન કરવા ત્યાં આવ્યા. સર્વ લોકમાં અદ્વિતીય દર્શનીય આ ગિરિરાજને જોઇને દેવતાઓ હર્ષથી ડોલવા લાગ્યા.
| દેવકૃત શત્રુંજયગિરિ વર્ણન તે સમયે મહર્લૅિક દેવો પોતાના અભિયોગિક દેવોને કહે છે, “હે દેવો ! ત્રણે લોકમાં આ ગિરિરાજ જેવો ગિરિવર કોઈ નથી. આ ગિરિવરના સ્વર્ણગિરિ, બ્રહ્મગિરિ વગેરે ૧૦૮ શિખરો છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨