________________
અવાજ સૈનિકોને સંભળાતો નહોતો.
ઇરેના પાસે હોદ્દો હતો. એને યહૂદીઓના ગેટોમાં ચારે બાજુ ઘૂમવાનો અધિકાર હતો, કોઈ જાતની રોકટોક થાય એવી ઝાઝી શક્યતા નહોતી અને આથી ધીરે ધીરે બાળકોને અંમ્બુલન્સમાં છાનામાના રવાના કરવા લાગી. પોતાના સોશિયલ વૅલ્ફેર ડિપાર્ટમેન્ટનાં દસેય કેન્દ્રોમાં એણે એવા લોકોની ભરતી કરી કે જે લોકો એની સૂચના પ્રમાણે આ માનવતાના કાર્યમાં સાથ આપે. એમની મદદથી ઇરેનાઐ સેંકડો બનાવટી સહીવાળા ખોટા દસ્તાવેજો બનાવ્યા અને એ રીતે અઢી હજાર જેટલાં યહૂદી બાળકોને સલામતી આપી. એમને કામચલાઉ નવી ઓળખ આપી.
ચોતરફ જર્મન સિપાહીઓનો પહેરો હતો, બંધ બારણે થતી વાત ભીંત પણ સાંભળતી હતી. હિટલરનું જાસૂસીતંત્ર એવું હતું કે સહેજ નાની શંકા આવે, તો પછી એની પકડમાંથી બચવું મુશ્કેલ હતું, ગેટોમાં વસતાં માતા-પિતા પોતાનાં માસૂમ બાળકોને ગેટોની બહાર મોકલવા માંડ માંડ તૈયાર થતાં. એ ઇરેના સેન્ડલરને પૂછતાં પણ ખરાં કે, ‘તમે આ બાળકોને અહીંથી બહાર લઈ જાઓ છો, પરંતુ તમને ખાતરી છે કે એ બહાર જીવી શકશે, હિટલરના હાથે મોતના હવાલે નહીં થાય ને ?'
ઇરેના ઉત્તર આપતી, ‘જુઓ ! આ ગેટોમાં રહેશે તો મોત નિશ્ચિત છે, બહાર નીકળીને બચી શકશે એવી શક્યતા છે, તો તમે જ પસંદ કરો નિશ્ચિત મૃત્યુને કે જીવનની સંભાવનાને.' માતા-પિતા પોતાનાં માસૂમ બાળકોને ઇરેનાને સોંપતી વખતે ધ્રૂસકે ને ધ્રૂસકે રડતાં હતાં. બાળકો પણ માતા-પિતાથી વિખૂટાં પડતાં આક્રંદ કરતાં હતાં. ઇરેના રાત્રે સૂતી, ત્યારે સ્વપ્નમાં પણ આ આક્રંદ અને રુદન એને સંભળાતાં હતાં. ક્યારેક આખી રાત બેચેનીભરી જતી, તો ક્યારેક ઊંઘમાં સ્વપ્નો એનો પીછો છોડતાં નહીં.
ઇરેના કેટલાક બાળકોને કંતાનના કોથળામાં કે થેલાઓમાં છુપાવીને બહાર લઈ ગઈ, કેટલાકને સામાનની નીચે સંતાડીને બહાર લઈ ગઈ. એની સાથેનો એક મિકેનિક એક બાળકીને પોતાનાં સાધનોની પેટીમાં
બરણીમાં જીવન • 9