________________
ઘરમાં એની સ્થિતિ અણમાનીતા જેવી હતી. માયકાંગલા, રખડેલ અને રોગિષ્ઠ છોકરા પર કોને પ્રેમ હોય ?
પણ મા તે મા ! આ નબળા બાળક પર એનો અધિક પ્યાર વરસે!
આવા બાળકને મા ઉપરાઉપરી કપડાં પહેરાવી નિશાળે મોકલે, પણ ખોં ખોં કરવામાંથી નવરું પડે તો ભણે ને ! કોઈ વાર તો આ બાળક અડધે રસ્તે રહી જાય. રસ્તામાં કોઈ પુરાણી કથા કરતા હોય તો બેસી જાય સાંભળવા ! એને રામાયણ સાંભળવું બહુ ગમે. મહાભારત સાંભળતાં તો થાકે જ નહિ; પણ એને જોઈ સહુ મજાકમાં કહે, આ ખોં ખોં શું સાંભળવા બેઠું હશે !
બાળકના પિતા પોલીસ જમાદાર હતા. એવા ખડતલ જીવન જીવતા માણસને આ બાળક પર રહેમ આવે. ઊછર્યું ત્યારે સાચું, એમ કહે,
કેટલાંક રોગિયાં-સોગિયાં બાળકોમાં અમુક ખાસ ખાસિયત હોય છે. આ બાળકમાં પણ એવી ખાસિયત હતી. ક્યાંય ઝઘડો હોય તો જઈને ઊભો રહે.
આંધ્રના વેલોર શહેરમાં અંગ્રેજોની લશ્કરી છાવણી હતી. અંગ્રેજ સોલ્જરો આડે દિવસે વીરઘટ્ટમ* (*આનો અર્થ છે ‘વીરોની નગરી') ગામમાં ચઢી આવે, રસ્તે મળે એ સ્ત્રીની છેડતી કરે, નિર્દોષ બાળકોને માર મારે, વિના કારણે સહુને હેરાન કરે. આને કારણે ગામમાં તોફાન જામે !
આવાં તોફાન થાય ત્યારે ટીટોડીનાં બચ્ચાં જેવું આ બાળક ત્યાં હાજર જ હોય ! ઊભું ઊભું એકીટશે જોયા કરે. નિશાળે જવાને બદલે આ ઝઘડો જોવાની અને ભારે મજા પડે. કોઈ ઓળખીતું હોય તો એને સમજાવીને ઘેર પહોંચાડે. ક્યારેક પલટણની કવાયત કે દેશી સિપાઈઓના અખાડામાં પહોંચી જાય. શરીર સાવ માયકાંગલું. પણ બીજાની જોરાવરી જોવી ખૂબ ગમે.
એની માતા કહે, “મારા રામમૂર્તિને બે શોખ છે. એક તો પારકા કજિયા જોવાનો અને બીજો રામાયણ-મહાભારત સાંભળવાનો, ”
એક દિવસ બીજાના બાહુબળે રાજી થતું આ દમિયલ બાળક માતાને કહેવા લાગ્યું, “મા, મા, મને તો રામાયણ-મહાભારતમાંથી ચાર જણ બહુ ગમે.”
કોણ કોણ બેટા ?”
96 * જીવી જાણનારા