________________
વહાલા બાળકોની વચ્ચે હાનન અલ હૉરૂબ દુનિયાની સુંદરતા, સચ્ચાઈ અને સ્વતંત્રતાનો અનુભવ કરાવીને તેની ખાતરી આપવા માગે છે. એ માને છે કે બાળકના ઘડતરમાં શિક્ષક રસ લેશે, ત્યારે એ બાળકોને આખું વિશ્વ પ્રકાશમાન દેખાશે. આજીવન વિદ્યાપિપાસુ તરીકે જીવવા માટેના અવરોધરૂપ બંધનને દૂર કરવાની ચાવી હંમેશાં શિક્ષક પાસે જ છે.
હાનનની વિશેષતા એ છે કે એ રોજબરોજના વપરાશની ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને ‘રમો અને શીખો ' પદ્ધતિ દ્વારા બાળકોને પાઠ ભણાવે છે. રામલ્લાહમાં આવેલી એની શાળામાં એ છથી દસ વર્ષના હિંસક, વિસ્થાપિત, નૅગેટિવ મનોવલણ ધરાવનારા, તોડફોડ અને વિનાશ માટે ઉત્સુક એવા વિદ્યાર્થીઓને જુદી જુદી રમતોમાં મગ્ન બનાવીને એમને શાંતિ અને સંવાદિતા તરફ દોરી જાય છે.
ઘણીવાર તો વિદૂષકની વિગ પહેરીને કે પછી લાલ ચટાક નાક કરી બાળકો સાથે બાળક બનીને એ ખેલતી હોય છે. અરે ! ગ્લોબલ ટીચર પ્રાઇઝ મેળવીને એક અઠવાડિયાની ગેરહાજરી પછી હાનન પોતાના વર્ગખંડમાં પાછી ફરી, ત્યારે એના હાથમાં કઠપૂતળીઓ, મોજાં, કપડાં સૂકવવાની લાકડાની પિનો, રમકડાંની મોટર અને વિદૂષકની વિગ લઈને આવી હતી, આ છે એનાં શૈક્ષણિક સાધનો.
શિક્ષણની નવી તરાઈ • 119