Book Title: Jivi Jananara
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 150
________________ ફટકારતા હતા. આને પરિણામે રેન્ડી પાઉશ ઉદાસ થઈ જતો, ત્યારે કૉચ એને એક સોનેરી શિખામણ આપતા. એ કહેતા, “જ્યારે તારું પરિણામ ખરેખર ખરાબ હોય અને કોઈ વ્યક્તિ એની સહેજેય ટીકા કરે નહીં, ત્યારે સમજવું કે કોઈને તારામાં સહેજેય રસ નથી અને તારે માટે કોઈ આશા પણ નથી. કોઈ આપણા તરફ સહેજ ધ્યાન પણ ન આપે, એ અવગણના એ સખતમાં સખત ટીકા કરતાં વધુ ખરાબ છે.” બાળપણની આ ઘટનાને કારણે રેન્ડી પાઉશના હૃદયમાં એક સૂત્ર જડાઈ ગયું ‘આપણા ટીકાકાર આપણા સૌથી મોટા હિતેચ્છુ છે. ફૂટબૉલના મેદાનનો અનુભવ એમને એમના શિક્ષણમાં ઉપયોગમાં આવ્યો. એમને પોતાના સાથીઓ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડવાનો કીમિયો ફૂટબૉલની રમતે આપ્યો. આઠ વર્ષના રેન્ડી પાઉશ ડિઝનીલૅન્ડમાં ફરવા ગયા, ત્યારે ત્યાંના અત્યંત આશ્ચર્યજનક કાર્યક્રમો જોઈને આ નાની ઉંમરે એમનામાં આવા કાર્યક્ર્મો ઘડવાના મનોરથ જાગ્યા. આવા કાર્યક્ર્મ ઘડનારને "Imagineer' કહે છે. ‘ઇમેજિનેશન’ અને ‘એન્જિનિયર' એ બંને શબ્દનું સંયોજન કરીને આ નવો શબ્દ સર્જવામાં આવ્યો છે. વિખ્યાત યુનિવર્સિટીના પીએચ.ડી. ધારક રેન્ડી પાઉશે. ડિઝનીલૅન્ડમાં આવા "Imagineer' ની જગા માટે અરજી કરી અને મનમાં મુસ્તાક હતા કે એમને તો ચપટીમાં નોકરી મળી જવી જોઈએ. પરંતુ એમાં જાકારો મળતાં વાસ્તવિક ધરતી પર આવી ગયા. એ પછી એમણે વર્જિનિયા યુનિવર્સિટી અને ત્યાર બાદ કાર્નેગી મૅલન યુનિવર્સિટીમાં ‘વર્ચ્યુઅલ રિયાલિટી'માં સંશોધન ચાલુ રાખ્યું અને ડિઝનીલૅન્ડ સાથે જોડાયેલા જોન સ્નોડી સાથે કામ કરવાની તક ઝડપી લીધી. એમની સાથે કામ કરવા માટેના એમના પ્રસ્તાવને યુનિવર્સિટીમાં માંડ માંડ પસાર કરાવી શક્યા, પરંતુ આ ઘટનાએ એમના જીવનમાં સહકાર અને પ્રોત્સાહનનું મહત્ત્વ શીખવ્યું. એક સમય એવો આવ્યો કે સ્વયં ડિઝનીલેન્ડે રેન્ડી પાઉશને કાયમી ધોરણે કામ કરવાની દરખાસ્ત આપી, ત્યારે રેન્ડી પાઉશે એનો અસ્વીકાર કર્યો, કારણ કે તેઓ યુનિવર્સિટીમાં રહેવા ઇચ્છતા હતા. આ અંગે અતિ આગ્રહ થતાં એમણે અઠવાડિયામાં એક દિવસ ડિઝનીલૅન્ડમાં સલાહકાર 142 * જીવી જાણનારા

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160