________________
ખાઈ પર ઊંચે દોરડું બાંધીને ચાલવા માગે છે, ત્યારે દુનિયા આખીને ફ્રાંસમાં જન્મેલા આ આદમીને પાગલમાં ખપાવ્યો. એ જમાનો બહાદુરીભર્યા સાહસોની ગાથાઓથી ગુંજતો હતો, આમ છતાં કોઈ આ આદમીના સાહસના વિચારનેય સ્વીકારવા તૈયાર નહોતું. એ સમયે એક સમકાલીન લેખકે નોંધ્યું છે કે “નાયગરાનો ધોધ જો અમેરિકાને બદલે ઇંગ્લેન્ડમાં આવ્યો હોત, તો સરકારે બ્લોન્ડીનના ખેલ પર સખ્ત પ્રતિબંધ મૂકી દીધો હોત. આવા આત્મહત્યાપૂર્ણ કૃત્યને મંજૂરી આપી ન હોત અને આમ છતાં જો એણે આવો ખેલ કરવાનો આગ્રહ સેવ્યો હોત તો એના પર પાગલ હોવાનો આરોપ મૂકીને એને પાગલખાનામાં સાંકળોથી કેદ કરી દીધો હોત.''
એ પણ હકીકત હતી કે માનવ ઇતિહાસમાં કોઈ વ્યક્તિએ આવી રીતે નાયગરાના ધોધ પર દોરડું બાંધીને ચાલવાની કલ્પના કરી નહોતી, ત્યારે બ્લોન્ડીને નાયગરાના પાણીથી ૧૬૦ ફૂટ (૫૦ મીટર) ઊંચે દોરડું બાંધીને અગિયારસો ફૂટ (૩૩૫ મીટર) ચાલવાનું નક્કી કર્યું. આવી સિદ્ધિ દર્શાવવા માટે એણે પહેલાં ‘નાયગરા ફોલ્સ ગેઝેટ’ નામના અખબારને પોતાનો આ વિચાર કહ્યો, ત્યારે એ અખબારને પહેલાં તો એમાં મશ્કરી કે છેતરપિંડીની ગંધ આવી. પછી એમ લાગ્યું કે આ બજાણિયો એની વિચિત્ર ધૂનની પાછળ સાવ પાગલ બની ગયો લાગે છે. સઘળી સૂઝબૂઝ ગુમાવીને આ ખ્યાલ પાછળ ઘેલો બની ગયો છે, આમ છતાં એ અખબારે એને સાથ આપવાનું નક્કી કર્યું અને ચાર્લ્સ બ્લોન્ડીનની ‘કલ્પના’ વિશે સમાચાર પ્રગટ કર્યા અને ચારેતરફ ખળભળાટ વ્યાપી ગયો.
આ સમાચારને કારણે દેશભરમાં જિજ્ઞાસાનો જુવાળ જાગ્યો. વિરોધી અખબાર ‘નાયગરા મૅઇલે’ તો આ બનાવની તૈયારીના સમાચારો વ્યંગભરી શૈલીમાં આલેખ્યા અને બ્લોન્ડીનને ચિત્રવિચિત્ર તુક્ક લડાવતા બેવકૂફ તરીકે ચીતર્યો. અમેરિકાના પ્રસિદ્ધ અખબાર ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ તો બેવકૂફ હોવાની ધારણાને મંજૂરીની મહોર મારી અને જાહેર કર્યું કે બ્લોન્ડીન હકીકતમાં મહામૂર્ખ છે અને એને આવી રીતે નાયગરા ધોધ પર આવો જોખમી ખેલ કરવાની પરવાનગી આપવી જોઈએ નહીં, તેમ છતાં એ જો આવો કોઈ પ્રયત્ન કરે તો એની ધરપકડ કરવી જોઈએ.
122 • જીવી જાણનારા