________________
“એક તો કીચક ને દુર્યોધનને મારનાર ભીમસેન, બીજાં સીતા માતા કાજે આખી લંકા બાળનાર હનુમાન, ત્રીજા બાણશય્યા પર સૂતેલા અખંડ બ્રહ્મચારી ભીષ્મ અને ચોથા ઇંદ્રજિતનો વધ કરનાર વીર લક્ષ્મણ !”
મા આ દમિયેલ બાળકના ડહાપણને જોઈ રહી. એને પાસે ખેંચી વાળ સૂંઘતાં કહ્યું, “બેટા, એ ચાર જણા તને શા માટે ગમે છે ?”
“કારણ કે તેમણે સ્ત્રીના શીલ ખાતર, સ્ત્રી-સન્માનની જાળવણી માટે પરાક્ર્મ કર્યાં હતાં. મા, જોજેને હું પણ આવો થઈશ. ને આપણા ગામની બહેન-દીકરીઓની આબરૂ લૂંટતા એકેએક ગોરા સોલ્જરોની ખબર લઈ નાખીશ. મારા ભીષ્મ, ભીમ, હનુમાન અને લક્ષ્મણને અંગ્રેજ સિપાઈઓ સામે મોકલીશ અને એમનો કચ્ચરઘાણ કાઢી નાખીશ.”
આટલું બોલતાં તો જાણે અડગ નિશ્ચય બતાવતો હોય તેમ બાળકે પોતાનો મુક્કો ઉગામ્યો.
મા ખૂબ જોરથી હસી પડી. એણે બાળકને કલાવતાં કલાવતાં કહ્યું, “બેટા, આમાં તો શરીર બળવાન બનાવવું જોઈએ, ટીટોડીના માથા જેવા તારાથી કંઈ ન થાય. તને તો મચ્છરની જેમ મસળી નાખે.”
“નહીં મા, હું જરૂર બળવાન બનીશ. હું રામાયણનો હનુમાન બનીશ. હું મહાભારતનો ભીમ થઈશ.”
માએ બોલવાના જોશથી ખાંસી ખાતા બાળકના મુખને પ્યારથી ચૂમી લીધું. એ દિવસે જમતી વખતે માએ નાના રામમૂર્તિના ભીષ્મનિર્ણયની સહુને વાત કરી. બધા ખૂબ હસ્યા. પણ એ દિવસથી પેલો દમિયલ રામમૂર્તિ ગંભીર અને ઠાવકો બની ગયો. કદીક સાગરિકનારે એ ફરવા નીકળતો અને એને હનુમાનનો મેળાપ થતો. હનુમાને જેમ સીતા માતાને બચાવ્યાં એમ ભારતમાતાને ઉગારવા પ્રાર્થના કરતો. શરીર નિર્બળ, પણ કલ્પના ઘણી સમર્થ. ભારતના વીર પુરુષોનાં ચરિત્રોથી એનું આંતર ધબકતું હતું. વીરપુરુષોનાં ભવ્ય પરાક્રમોની ગાથાથી એનામાં અડગ મનોબળ કેળવાતું હતું. એક દિવસ એ કચ્છ લગાવીને સિપાઈઓના અખાડામાં પહોંચી ગયો. મજબૂત મનોબળ સાથે બળવાન બનવાનો નિશ્ચય કર્યો.
એણે કસરત કરવી શરૂ કરી. શરૂઆતમાં શરીર સાથ ન આપે. ખાંસી શૂરાને પહેલી સલામ + 97