________________
બોલાવવામાં આવ્યા. એમણે રામમૂર્તિને શુદ્ધિમાં આણ્યા. એમનો પગ બરાબર કર્યો. પગમાં અસહ્ય વેદના થતી હતી, છતાં પાટો બાંધીને લંગડાતા લંગડાતા રામમૂર્તિ મેદાન પર આવ્યા. લોકો તો નિરાશ થઈને વીખરાઈ રહ્યા હતા. એવામાં રામમૂર્તિને મેદાન પર આવેલા જોઈને બધા આભા જ બની ગયા. બધાએ એમને ના પાડી પણ તેઓએ કહ્યું,
“ભલે અહીં મારું મોત થાય, પણ પાછો નહિ પડું.”
અપૂર્વ મનોબળથી એકાગ્રતા સાધીને પચીસ હોર્સ પાવરની એકસો ને બાર કિલોમીટરની ઝડપે જતી મોટરને એક વાર નહિ, બે વાર નહીં, પરંતુ તેર વાર રોકી.
ઈ. સ. ૧૯૦૭માં મુંબઈમાં દાંતથી ત્રાજવામાં મૂકેલા ઘોડાને ઉઠાવવાના પ્રયોગમાં તેમણે બે દાંત ગુમાવી દીધા. ત્રાજવામાં ઘોડાને ઊભો રખાવી રામમૂર્તિ ઊંચે ઊભા રહેતા. આખું ત્રાજવું દાંતથી પકડીને જમીનથી બે ફૂટ અધ્ધર કરતા. મુંબઈના આ પ્રયોગ વખતે એમનો માનીતો ઑસ્ટ્રેલિયન ઘોડો બીમાર પડ્યો હતો. એની જગ્યાએ એક નવા ઘોડાને લાવવામાં આવ્યો. વીજળીનો પ્રકાશ, બૅન્ડનો મોટો અવાજ અને તાલીઓના ગડગડાટથી ત્રાજવામાં ઊભેલો ઘોડો ભડકી ગયો. એણે સમતોલન ગુમાવતાં રામમૂર્તિના બે દાંત પડી ગયા.
રામમૂર્તિ હિંદવાસીઓ માટે શરીરબળનો સર્વોચ્ચ જીવંત આદર્શ બની રહ્યા. દેશી અને વિદેશી દરેક પ્રકારના વ્યાયામમાં તેઓ પારંગત હતા. પ્રાચીન અને અર્વાચીન પ્રણાલિકાની દૃષ્ટિએ એમણે વ્યાયામનાં વિવિધ સાધનો ચકાસી જોયાં હતાં. એમને આપણા દેશની પુરાણી પદ્ધતિ જ શ્રેષ્ઠ લાગી હતી. તેઓ કહેતા કે આપણા વ્યાયામનું સુધરેલું સ્વરૂપ જ પશ્ચિમના વ્યાયામમાં જોવા મળે છે. યુરોપ કરતાં આપણા દેશની કળા કોઈ રીતે ઊતરતી નથી. એટલું જ નહીં, પણ કેટલીક બાબતોમાં તો આપણી વ્યાયામપ્રણાલી વધુ ચડિયાતી છે.
રામમૂર્તિ મજબૂત શરીર કરતાં નીરોગી શરીરને વધુ મહત્ત્વ આપતા. એમને યોગનાં આસનોમાં તો અપાર શ્રદ્ધા હતી. દંડ, બેઠક, દોડવાની અને તરવાની કસરત તો સહુ કોઈને માટે જરૂરી લેખતા. સ્વાસ્થ્ય જાળવવા માટે શૂરાને પહેલી સલામ * 107