________________
ચિશેસ્ટરે કહ્યું, “સાહસ કર્યો છે ખરાં, સિદ્ધિ મેળવી છે ખરી, પણ એ સિદ્ધિને વાગોળ્યા કરીને જીવનાર માનવી હું નથી. મારે માટે તો દરેક સિદ્ધિ એક નવા સાહસનો પડકાર લઈને આવે છે.”
આતુર યુવકે પૂછ્યું, “તો હવે તમારે વળી કઈ સિદ્ધિ મેળવવાની બાકી છે ?"
ચિશેસ્ટરના મુખ પર એક ચમકારો આવી ગયો. એમનું કરચલીવાળું મોં જરા તંગ બન્યું. એમની આંખોમાં ઉત્સાહનું તેજ પ્રગટયું. એમણે કહ્યું, “મારે તો હજી જીવનમાં ઘણાં અરમાન બાકી છે. હજુ તો નૌકામાં બેસીને આખી દુનિયાની સફર ખેડવી છે. એકલે હાથે મોતના મુખમાં જઈને તોફાની મહાસાગરોનો મુકાબલો કરવો છે. આજથી ચારસો વર્ષ પહેલાં બ્રિટનના સાગરસફરીઓના સાહસની મહાસાગર પર આણ વરતાતી હતી. આજે દુનિયાને મારા દેશના સાહસવીરોનો પરિચય કરાવવો છે. આ ઓળખાણ મીઠી મીઠી વાતોથી આપવી નથી, પરંતુ હું ખુદ અજોડ સાહસ કરીને એક વાર સાગરના સાહસવીરોનો દેશ કહેવાતા બ્રિટનનો પ્રત્યક્ષ પરિચય કરવા માંગું
પણ ચિશેસ્ટરકાકા, તમને મોતનો ભય લાગતો નથી ?”
ચોસઠ વર્ષના ચિશેસ્ટર ખડખડાટ હસી પડ્યા. એમણે કહ્યું, “અલ્યા, તું મને મોતનો ડર બતાવે છે ? પણ તને ખબર છે ? મોત મારાથી ડરે છે ! જો સાંભળ એક વાત. ઈ. સ. ૧૯૫૭ના એપ્રિલ મહિનામાં લંડનના એક વિખ્યાત સર્જનને મારી તબિયત બતાવી. એણે શારીરિક તપાસ કરીને કહ્યું કે તમને કૅન્સરનો જીવલેણ વ્યાધિ લાગુ પડ્યો છે. મેં દાક્તરને ફરી તપાસવા કહ્યું. ફરીથી મારી શારીરિક તપાસ થઈ અને દાક્તરે એ જ નિદાન કર્યું. એણે એમ પણ કહ્યું કે આ વ્યાધિ એટલો બધો ફેલાઈ ગયો છે કે તમારાં ફેફસાં ખવાઈ ગયાં છે ! ઑપરેશન કરીએ તોપણ બચવાની કશી આશા નથી. છેલ્લે દાક્તરે તો ગંભીર અવાજે એવો ફેંસલો આપ્યો કે હવે તો તમે માંડ ત્રણ-ચાર અઠવાડિયાના મહેમાન છો. પણ જુઓ, આજે મારામાં કેટલો બધો જુસ્સો અને તાકાત છે ! ત્રણચાર અઠવાડિયાની વાતને આજે તો નવ વર્ષ થઈ ગયાં. પ્રભુશ્રદ્ધા અને હિંમતથી એટલી જ મોજ થી આજેય જીવી રહ્યો છું. અરે ! ખુદ
સાગરનો સાવજ 27