________________
હતો. સિડની પહોંચવાનું અંતર ઓછું થતું જતું હતું.
એકાએક એક મોટી મુશ્કેલી ચિશેસ્ટરને ઘેરી વળી. ‘જિપ્સી માંથ’નું સ્વયંસંચાલિત દિશાચક્ર (સ્ટિયરિંગ) બગડી ગયું. આ યંત્ર એમની યોજના પ્રમાણે તૈયાર થયું ન હતું. એ વધારે પડતું વજનદાર બન્યું હતું. ચિશેસ્ટરને સુધારાવધારા કરેલા યંત્રથી કામ લેવું પડ્યું.
દક્ષિણના દરિયામાં ‘ગર્જતા ચાળીસ અક્ષાંસ'નો વિસ્તાર ઘણો ખતરનાક હોય છે. આ અક્ષાંસ વર્ષોથી સાગરખેડુઓને મૂંઝવતો આવ્યો છે. ચિશેસ્ટરે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો. કશીય ચેતવણી વગર હવામાન અશાંત બની ગયું. ખૂબ ઝડપથી પવનના સુસવાટા બોલવા લાગ્યા. આ સમયે સૌથી નજીકનો કિનારો પણ ચિશેસ્ટરની નૌકાથી ૩૦૦ માઈલ દૂર હતો. આથી જો નૌકા તોફાનમાં ઊંધી વળે તો બચવાની કોઈ આશા ન હતી. મોજાં ૬૦ ફૂટ જેટલે ઊંચે ઊછળતાં હતાં. મોજાંના પ્રવાહમાં તણાઈ જતાં બચવા માટે ઘણી વાર તો
ચિશેસ્ટરને કૂવાથંભ સાથે દોરડાથી પોતાની જાતને બાંધી રાખવી પડતી. આ
અક્ષાંસ પર જ માનવીને આકરો લાગે તેવો એક ખાસ પ્રકારનો અવાજ સંભળાતો હતો.
૧૫મી નવેમ્બર ને ગુરુવારે સ્વયંસંચાલિત દિશાચક્ર (સ્ટિયરિંગ) તૂટી ગયું. એને સમું કરવાના કે નવું જ બનાવી કાઢવાના ચિશેસ્ટરે ઘણા પ્રયત્નો કર્યા, પણ એના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. નૌકાની ગતિ ધીમી થઈ ગઈ. એકસો દિવસમાં સિડની પહોંચવાની એમની યોજના ભાંગી પડી. એટલું તો ઠીક, પણ હવે ક્યાંય રોકાયા વિના સિડની પહોંચવાની એમની નેમ સફળ થાય તેમ લાગી નહીં. આથી તો ચિશેસ્ટરે પોતાની પત્નીને સિડનીને બદલે ઑસ્ટ્રેલિયાની પશ્ચિમે આવેલા ફ્રીમેન્ટલ બંદરે આવવાનો સંદેશો આપ્યો. એમણે નૌકાની દિશા પણ બદલી. પરંતુ ૧૭મી તારીખે ચિશેસ્ટરનું મન પલટાયું. એમણે નક્કી કર્યું કે ગમે તેવી આપત્તિ સહન એ કરશે, પરંતુ હાર કબૂલ કરશે નહીં. ફરી પોતાની પત્નીને સિડની આવવાનો સંદેશો મોકલ્યો. હવામાન ખરાબ હતું. દિશાસંચાલનની મુશ્કેલી હતી. મુખ્ય માર્ગ પર વાહનોની અથડામણમાંથી બચીને નૌકાને હંકારવાની હતી. આવી ઝીંક ઝીલતાં ઝીલતાં પણ ‘જિપ્સી માંથ’ તરતી રહી. એની નેમ સાધતી રહી.
34 * જીવી જાણનારા