________________
ઝંઝાવાત આવ્યો. એવો ધરતીકંપ આવ્યો કે જ્યાં જમીનદોસ્ત થયેલી ઇમારત
ફરી ઊભી થાય એવું કદી લાગતું નહોતું.
રોજના ૬૦ જેટલા દર્દીઓને તપાસનારા આ ઑર્થોપેડિક સર્જન વર્ષ દરમિયાન એક હજાર જેટલી સર્જરી કરતા હતા. વળી એમાંથી નિરાંત મળતાં થોડો સમય પત્ની કેથરીન અને પરિવાર સાથે હસી-મજાકમાં ગાળતા હતા અને રવિવારની રજાના દિવસના ઘણા કલાકો ગૉલ્ફની મનપસંદ રમતના મેદાન પર ગુજારતા હતા.
જિંદગીમાં મોજ હતી, શરીરમાં શક્તિ અને વ્યવસાયમાં સારી કમાણી હતી, પણ એવામાં આજથી આશરે બે વર્ષ અગાઉ એક અણધારી બીમારી લાગુ પડી. ઑર્થોપેડિક સર્જન કરોડરજ્જુની બીમારીથી એવા ઘેરાઈ ગયા કે એનો અંત કમરથી નીચેના ભાગના પૅરાલિસિસમાં આવ્યો. સર્જન હોય, સતત દોડધામ કરતા હોય, એક પછી એક દર્દીને તપાસતા હોય, લાંબો સમય ચાલનારી કોણી, પગ, કાંડાં, ઢાંકણી અને ખભાની સર્જરી કરતા હોય અને એમને ખુદ લાચાર, બીમાર અને નિષ્ક્રિય થઈને વ્હીલચરના સહારે જીવવું પડે તે કેવું ?
વળી, કમરેથી પૅરાલિસિસ થયો હોય એટલે ઘણી સંભાળ લેવાની. કમરથી નીચેનો શરીરનો કોઈ ભાગ કામ કરે નહીં. સમતોલન જાળવવા માટે પટ્ટો પહેરવો પડે અને હવે જ્યાં વ્હીલચેર પર જીવવાની વાત હતી, ત્યાં ગૉલ્ફ ખેલવાની કે ભવિષ્યમાં ઑપરેશન કરવાની કલ્પના તો ક્યાંથી થાય ? પણ ડૉ. રમેલ ટેડનો એક જીવનમંત્ર હતો, ‘જો તમારી દૃષ્ટિ નીચેની બાજુએ હશે, તો તમે જ્યાં હશો ત્યાંથી પણ ફેંકાઈ જશો.’
એમના મનમાં પ્રબળ આશાવાદ હતો. ‘ઊંચું તાક નિશાન’ એ એમનો પ્રિય આદર્શ ! પોતાની રમૂજી વૃત્તિથી મનમાં આવતાં હતાશાનાં વાદળોને ખંખેરી નાખતા હતા અને ગમે તે થાય તો પણ અડગ રહેવાનો સંકલ્પ સેવ્યો હતો. પોતાની તકલીફની એકે વાત પરિચિતોને કરે નહીં. એનાં રોદણાં રડવાં એ તો દૂરની વાત રહી, કોઈ એમની શારીરિક અવદશા જોઈને દયાભર્યાં વચનો ઉચ્ચારે, એ સહેજે પસંદ નહીં. અત્યંત ખરાબ પરિસ્થિતિ હતી, ત્યારે પણ પોતાના અંગત મિત્રને પોતાની પારાવાર શારીરિક મુશ્કેલીઓ અને
74 * જીવી જાણનારા