________________
ગરીબ બાળકો કઈ રીતે ઋણ ચૂકવી શકે ?
એમણે સહુએ મળીને નક્કી કર્યું કે પશ્ચિમની દુનિયામાં દૂર દૂર વસતા બાળક રાયન રેલેકે દાખવેલા સદ્ભાવ અને પરોપકારના બદલામાં હવે દર ૨૭મી જુલાઈએ ‘રાયન્સ ડે' ઊજવીશું અને આ બાળકની ઉમદા ભાવના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીશું.
આ પ્રથમ કૂવો ગાળવામાં આવ્યો, ત્યારે રાયને બાળકોની આંખોના આનંદને જોઈને નક્કી કર્યું કે હવે તો બસ, ચોખું તાજું પાણી પૂરું પાડી અન્યની જિંદગીને બચાવવી છે. આફ્રિકામાં વધુ ને વધુ કૂવા-બોરવેલ ખોદવાના પ્રયાસો શરૂ કર્યા. રાયનની મદદથી બંધાયેલા કૂવાઓ આશા, સંકલ્પ અને જિંદગીના નવા પ્રારંભનું પ્રતીક બની રહ્યા. આ જટિલ દુનિયામાં પાણી લાવીને એણે સંકલ્પપૂર્વક એક આશાનું બીજ રોપ્યું.
નિશાળમાં રાયનનો જેમ જેમ અભ્યાસ ચાલતો ગયો, તેમ તેમ આ સાત વર્ષના બાળકે આરંભેલો પ્રયાસ વધુ રંગ લાવતો ગયો. દસમા વર્ષે એણે ‘રાયન્સ વૅલ ફાઉન્ડેશન' નામની સંસ્થાની સ્થાપના કરી.
ધીરે ધીરે એ સહુને સમજાવવા લાગ્યો, ‘જો આપણે એ કબીજાને મદદરૂપ થઈશું, તો આ દુનિયા વધુ સારી બનશે. મારા દાદાના સમયમાં લોકો એકબીજાને મદદરૂપ થતા હતા. તેઓ જે પડોશીઓ સાથે ઊછર્યા હતા, તેમને માટે ખાવાનું પણ લાવતા અને આજુબાજુમાં આગ લાગે તો મકાનને આગથી બચાવવા દોડી જતા. આજની દુનિયામાં બદલાવ આવ્યો છે, પણ માનવતા દર્શાવવા પોતાની જાતને સામેલ કરવાની બાબતમાં બદલાવ આવ્યો નથી.’
આફ્રિકાના જુદા જુદા ૧૬ જેટલા દેશોમાં ‘રાયન્સ વેલ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ વિસ્તરતા ગયા. કોઈ એને આ કાર્ય પાછળના પ્રેરકબળ વિશે પૂછે તો રાયન કહે છે કે ‘કરેલા કાર્યનો સંતોષ અમારે માટે પ્રેરકબળ છે, અર્થાત્ વધુ જરૂરિયાતમંદ લોકોને ચોખ્ખું પાણી મળી રહે તે અમારે માટે સંતોષની બાબત છે કારણ કે એને પરિણામે રોગચાળા ઘટ્યા છે, બાળકને શાળાએ જવા વધુ સમય મળે છે અને સારા જીવન માટે આશાનું કિરણ સાંપડે છે. કમનસીબીથી ઘેરાયેલી પ્રજાને માટે આથી વિશેષ શું હોઈ શકે ?”
84 • જીવી જાણનારા