________________
૧૨મી ડિસેમ્બરે એ વિજયી બનીને સિડનીના બારામાં દાખલ થઈ. ઇંગ્લૅન્ડથી ‘કૅપ ઑફ ગુડ હોપ’ની ભૂશિરને ફરીને એક્સો દિવસમાં ઑસ્ટ્રેલિયાના સિડની બંદરે પહોંચવાનો નિર્ધાર કરનાર ચિશેસ્ટર ચૌદ હજાર ને એકસો માઈલની સફર ખેડીને આવ્યા, પણ નૌકાની યાંત્રિક મુશ્કેલીને લીધે સાત દિવસ વધુ લાગ્યા.
સિડનીમાં આ સાહસવીરનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. બસોથી પણ વધારે જહાજોએ સાયરન વગાડીને આ બહાદુર બુઢ્ઢાને સલામ આપી. કેટલીય આપત્તિઓ સહન કરીને ચિશેસ્ટરે આ સિદ્ધિ મેળવી હતી, પરંતુ એ જ્યારે સિડનીના બંદરે ઊતર્યા ત્યારે સ્વસ્થ અને સ્ફૂર્તિવાળા જણાતા હતા.
સિડનીમાં થોડો આરામ લઈને ફરી પાછા ચિશેસ્ટર પોતાની નૌકા પર હાજર થઈ ગયા. એમાં ઘણા ફેરફાર કર્યા. લોખંડની પટ્ટીઓ જડીને એના પાયાનો મોભ લાંબો કરાવ્યો. આ સમયે ઇંગ્લૅન્ડનાં રાણીએ ચિશેસ્ટરને ‘સર’નો ખિતાબ એનાયત કર્યો.
હવે ફ્રાંસિસ ચિશેસ્ટર સામે એક મહાન પડકાર ખડો હતો. ‘કૅપ હૉર્ન ભૂશિરના કપરા રસ્તેથી વળતી મુસાફરી કરવાની હતી. આ વિસ્તારમાં વિશ્વના સહુથી વધુ ઝંઝાવાતી અને ખતરનાક સાગર આવેલા છે. ઊંચાં મોજાં, સખત વાવાઝોડાં અને બરફના પર્વતોનો વારંવાર સામનો કરવો પડે. આવી નૌકા માટે તો આ રસ્તો ઘણો જ ખતરનાક કહેવાય. આ અગાઉ આ તોફાની વિસ્તારમાં આઠ નૌકાઓએ પોતાની તાકાત બતાવવા ઝુકાવ્યું હતું, પણ આમાંની છ નૌકા તો મોજાંઓના તોફાનને કારણે સાવ ઊંધી વળી ગઈ હતી. ૬૫ વર્ષના ચિશેસ્ટરને સહુએ બાકીની સફર પડતી મૂકવાની સલાહ આપી, પરંતુ આ માનવીએ કદી મુસીબતો મૂંઝવી શકી ન હતી. એમણે કહ્યું,
“ભલે મરી જવું પડે, પણ ‘કૅપ હૉર્ન’ તો જઈશ જ.”
સાત અઠવાડિયાંના આરામ પછી ૧૯૬૭ની ૨૯મી જાન્યુઆરીએ સિડનીથી વળતી સફરની શરૂઆત કરી. બીજે દિવસે મધરાત પછી એક અણધાર્યું મોજું જોશથી ચિશેસ્ટરની નૌકાને અફળાયું. ચિશેસ્ટર હોડીના એક છેડા તરફ ફેંકાઈ ગયા. સઢ દરિયામાં નમી ગયા. કૂવાથંભ આડો થઈ ગયો. માંડ માંડ ‘જિપ્સી માંથ' સરખી થઈ. કૅબિનમાં પડેલી બધી વસ્તુઓ
સાગરનો સાવજ • 35