________________
ગાલિચા બનાવનારાઓ અને તેમના કુટુંબીજનોના વિકાસ અર્થે મદદરૂપ થવાના પ્રૉજે ક્ટનું સંચાલન કર્યું હતું. રઝિયા જાન એ ‘રે ઑફ હૉપ ફાઉન્ડેશન' નામની બિનનફાલક્ષી સંસ્થા ચલાવે છે, જેનો હેતુ અફઘાનિસ્તાનની સ્ત્રીઓ અને બાળાઓને શિક્ષણ આપીને તેમની જિંદગી સુધારવાનો છે અને આને માટે એણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.
અફઘાનિસ્તાનના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપેલી જુબિલી એજ્યુકેશન સેન્ટરની શાળામાં આજે અનેક અવરોધો વેઠીને ૩૫૦ કન્યાઓને વિનામૂલ્ય શિક્ષણ આપી રહી છે અને જ્ઞાનનો નવો પ્રકાશ પ્રસરાવી રહી છે, આથી તો એને વૈશ્વિક પ્રેક્ષકોની હાજરીમાં એની માનવતાવાદી પ્રવૃત્તિ માટે સી.એન.એન.ના ૨૦૧૨ના ‘ટોપ ટેન હીરોઝ’માં એક વિજેતા તરીકે સન્માનવામાં આવી અને એના કાર્યને માટે એને પચાસ હજાર ડૉલર અર્પવામાં આવ્યા. રઝિયાની આંખમાં આજની નિરક્ષર, લાચાર અને માથું નીચું ઢાળીને જીવતી અભણ સ્ત્રીને બદલે, સ્વાવલંબી, શિક્ષિત અને માથું ઊંચું રાખીને જીવનારી એફઘાન સ્ત્રી છે.
અફઘાનિસ્તાનની બહાદુર અને ઈમાનપરસ્ત પ્રજા મહાસત્તાઓ અને આતંકવાદીઓના પંજામાં ફસાઈ ગઈ. એક બાજુ આકાશમાંથી સ્વયંસંચાલિત ઝોનમાંથી બૉમ્બવર્ષા થતી હોય અને બીજી બાજુ આતંકી ચહેરો ધરાવનારાઓ પોતાનો મકસદ સિદ્ધ કરવા માટે નજર સામે બંદૂક લઈને ઊભા હોય, નિર્દોષ પ્રજાને માથે બૉમ્બ વરસે અને સામે બંદૂકની ગોળી. એની ચોપાસ વેરાન અને બિસમાર જ ગત છે. વર્ષોથી મહાસત્તાઓનું સમરાંગણ બનીને તબાહી પામેલો દેશ છે. આતંકવાદ અને ધાર્મિક ઝનૂનમાં એ જકડાઈ રહ્યો છે.
એક જમાનાની વીર, નીડર અને સાહસિક પ્રજા આજે પારાવાર યાતનાઓમાં જીવી રહી છે. સમાજની અવદશાનો પહેલો પ્રભાવ સ્ત્રીઓ પર પડે છે અને એનો સૌથી વધુ ભોગ બાળકો બને છે. સત્તાનો તોર દેખાડવા નીકળેલા દેશને એ ખબર હોય છે કે એના બૉમ્બમારાથી એણે દુશ્મનોના કેટલા સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા, કેટલા જખમી થયો પરંતુ યુદ્ધમાં ક્યારેય એ ગણતરી થતી નથી કે કેટલાં બાળકોને મુગ્ધ, નિર્દોષ અને મોંઘેરું બાળપણ છીનવાઈ જાય છે અને કેટલાંય બાળકો બેહાલ બની ગયાં !
લોહીના લાલ રંગ વચ્ચે • 59