________________
પરીક્ષામાં ઉત્તીર્ણ થતી વિદ્યાર્થિનીઓને અભિનંદન આપતી રઝિયા જાન
રઝિયા જાન સમૃદ્ધ એવા અમેરિકા દેશમાં વસે છે. એણે પોતાની આસપાસ સઘળી મોકળાશ જોઈ છે. નારીને મુક્તપણે મહાલતી જોઈ છે. સ્વાવલંબનથી અને પોતાની ઇચ્છા અને ભાવના પ્રમાણે જીવતી સ્ત્રીઓ એને જોવા મળી છે. આવી સ્ત્રીઓને જુએ છે, ત્યારે એના કાનમાં સતત લાચાર અફઘાન સ્ત્રીઓની ચીસો સંભળાય છે. એ સ્ત્રીઓની મજબૂરી રઝિયા જાનની રાતોની ઊંઘ હરામ કરી દે છે, આથી મનમાં એટલો મકસદ છે કે મારે અફઘાન સ્ત્રીઓમાં કેળવણીનું એક એવું કિરણ જગાવવું છે કે જેનાથી એમનું ભવિષ્ય ઉજ્વળ બને. શિક્ષણ એ માત્ર અભ્યાસ નથી. શિક્ષણ એ રોજગારી છે, સ્વાવલંબન છે, એનાથી આપબળે જીવવાનું કૌવત જાગે છે અને એને પરિણામે જિંદગીની બેહાલીમાંથી ઊગરી જવાય છે.
સંસાર સ્વપ્નનો છે અને સ્વપ્નદૃષ્ટાઓનો છે. સ્વપ્ન વગર કાંઈ સર્જાતું નથી, પરંતુ સ્વપ્ન જોનારાઓને સંકટોની વચ્ચે જીવવું પડે છે. રઝિયા જાન આજે આવી સંકટો વચ્ચે જીવનારી નીડર નારીનું પ્રતીક બની ગઈ છે.
60 * જીવી જાણનારા