________________
કૅન્સરનું દર્દ મારી હિંમતથી હારીને આગળ વધતું અટકી ગયું છે.”
પેલા જુવાનના મનમાં વળી એક પ્રશ્ન થયો. એણે કહ્યું, “એકલે હાથે નૌકામાં સફર કરવી એ કોઈ આસાન વાત નથી. કદાચ આખી દુનિયાની સફર કરવા જતાં આ દુનિયા છોડીને બીજી દુનિયાની સફર કરવી પડે, તો શું ? કૅન્સરના મોતમાંથી બચ્યા, પણ એથી શું? આવું જોખમી સાહસ કરીને મોતને સામે પગલે મળવા જવાતું હશે ?”
ચિશેજીરે હસતાં હસતાં કહ્યું, “તને મોતનો ભય સતાવે છે, પણ સાહસ કરનારા તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરતા હોય છે. ઈ. સ. ૧૯૩૧માં એકલે હાથે વિમાન ચલાવીને ન્યૂઝીલૅન્ડથી જાપાન અને કૅનેડા થઈને વિશ્વયાત્રા કરવાનું મેં નક્કી કર્યું. એ સમયે આજના જેવાં આધુનિક યંત્રસામગ્રીવાળાં વિમાનો ન હતાં. કોઈ માનવીએ એકલે હાથે આવી સફર ખેડી ન હતી. ન્યૂઝીલૅન્ડથી હવાઈ જહાજ મારફતે છેક જાપાન સુધી પહોંચ્યો. પરંતુ જાપાનના યોકોહામા નજીકના કાત્સુરા બંદર પરનાં ટેલિફોનનાં દોરડાં સાથે મારું વિમાન અથડાયું. હું ગંભીર રીતે ઘાયલ થયો. પહેલાં તો મેં વિચાર્યું કે હું કદાચ બચી શકીશ નહીં, પણ હું ઊગરી ગયો ને એ પછી તો મેં અનેક સાહસભરી સિદ્ધિ નોંધાવી.”
આવા હિંમતબાજ ચિશેસ્ટરે પોતાના જીવનનો આરંભ એક સાહસી વિમાની તરીકે કર્યો હતો. ઈ. સ. ૧૯૨૯ની ૨૮મી ઑગસ્ટે ચિશેસ્ટરે પાઇલટ તરીકેનું લાઇસન્સ મેળવ્યું અને વીસમી ડિસેમ્બરે તો એમણે એક નવો વિક્રમ સ્થાપવાનો વિચાર કર્યો. હવાઈ જહાજ મારફતે એકલા, બ્રિટનથી ઑસ્ટ્રેલિયા પહોંચવાનો નિર્ધાર કર્યો. એમને અનેક વાર વિમાન ઉતારવું પડ્યું, પણ આખરે તેઓ સિડની પહોંચ્યા ખરા.
૧૮૦.૫ કલાક હવાઈ જહાજ ચલાવીને આ સિદ્ધિ મેળવી, સિડનીના હવાઈમથકે ઓ સાહસિકને આવકારવા હજારો માનવીનો ભેગા થયા હતા. પણ નમ્ર ચિશેસ્ટર તો આટલા બધા માનવીઓને જોઈને આશ્ચર્ય પામ્યા. આવી અનેરી સિદ્ધિ ચિશેસ્ટરને તો તદ્દન સામાન્ય લાગતી હતી. આનું કારણ એ હતું કે આવી સિદ્ધિ મેળવનારા એ બીજા માનવી હતા. ચિશેસ્ટરને તો એવી સિદ્ધિ મેળવવી હતી કે જે કોઈ સાહસવીરે હાંસલ કરી ન હોય !
28 • જીવી જાણનારા