Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
14
• ૩૧ થી ૩૨ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका તથા જો આત્મા સતુ હોય તો વીતરાગજન્મ અદર્શન ન્યાયથી તે નિત્ય હોવાથી આત્મહત્યા અશક્ય હોવાથી આત્મહત્યાસ્વરૂપ મોક્ષ અસાધ્ય બનશે. ન્યાયસૂત્ર ભાષ્ય વગેરેમાં વીતરાગજન્મ અદર્શન ન્યાય વિસ્તારથી દર્શાવેલ છે. (ગા.૧૪).
તૌતાતિત મત :- નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ = મુક્તિ.
આ વ્યાખ્યામાં નિત્ય શબ્દ કયા અર્થમાં વપરાયો છે એ મહત્ત્વનું છે. નિત્ય = અનાદિ સાંત કે અનાદિ અનંત કે સાદિ અનંત ? એ પ્રશ્ન છે. (૧) જો નિત્ય = અનાદિ સાંત કે અનાદિ અનંત માનીએ તો અનાદિકાળથી આ સંસારમાં ભટકતા જીવોને જે સુખ મોક્ષમાં છે એજ અહીં પણ (= મનુષ્ય, કૂતરા, વાઘ, વરૂ વગેરે ભવમાં પણ) મળવું જોઈએ. અને એમ થાય તો મોક્ષે જવાની અને મોક્ષપુરુષાર્થની જરૂર જ નહિ પડે.
(૨) જો નિત્ય = સાદિ અનંત માનીએ તો જૈન દર્શન માન્ય કર્મમુક્ત થતા જીવોનો અનંતકાળ સુધી અનંત સુખ પ્રાપ્તિ સ્વરૂપ મોક્ષ જેવો મોક્ષ જ તૌતાતિત મત મુજબ થશે. અર્થાત જૈનમતમાં તૌતાતિતનો સમાવેશ થશે. (ગા.૧૫-૧૬)
વૈદાન્તી :- અવિદ્યા નિવૃત્ત થતા કેવલ આત્માની અવસ્થિતિ = હાજરી તે મુક્તિ.
વેદાન્તીના મત મુજબ વિજ્ઞાનાનંદસ્વરૂપ બ્રહ્મતત્ત્વ શાશ્વત છે. તથા અવિદ્યા તો કાલ્પનિક જ છે. પરમાર્થથી આત્મામાં અવિદ્યાની હાજરી જ ન હોય તો તે રવાના કરવા પુરુષાર્થ શું કરવાનો? માટે તેમની વાત પણ પાયા વગરની છે.
વેદાન્તમતમાં પણ મોક્ષપુરુષાર્થનો ઉચ્છેદ થવાની સમસ્યા સ્પષ્ટ જ છે. (શ્લોક. ૧૭).
આ રીતે વિવિધ દર્શનોની મોક્ષની માન્યતામાં કચાસ-ખામી જણાવ્યા બાદ ગ્રંથકારશ્રી જિનદર્શનની માન્યતા રજૂ કરે છે કે તમામ કર્મોનો ક્ષય = મોક્ષ. વિવિધ નયોની વિચારણા દ્વારા અહીં ગ્રંથકારશ્રી આ વાતને વધારે મજબૂત કરે છે. (ગા.૧૮)
ઋજુસૂત્ર વગેરે શુદ્ધ ચાર નયો માને છે કે જ્ઞાન, સુખ વગેરેની પરંપરા = સંતતિ એટલે મુક્તિ.
સંગ્રહનયના મતે દીવાનો સ્વભાવ પ્રકાશ પાથરવાનો છે. પણ દીવો જો શરાવ વગેરે આવરણથી ઢંકાઈ જાય તો પ્રકાશ ન પાથરી શકે. અને તે આવરણ દૂર થતા વળી પાછો પ્રકાશ પાથરે છે. તે રીતે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મસ્વરૂપ આવરણનો ઉચ્છેદ થવાથી વ્યક્ત થનાર સુખ એ જ મોક્ષ છે. અનાવૃત જ્ઞાનસુખ વાસ્તવમાં તો આત્માની અનુભૂતિનો વિષય છે પણ શરીર, ઈન્દ્રિય વગેરે દ્વારા આત્માનો તેવો સ્વભાવ ઢંકાઈ ગયો છે. અને તે આવરણ દૂર થતા આપ મેળે જ્ઞાનાદિ પ્રગટ થાય છે. સંગ્રહનયના મતે આ અનાવૃત જ્ઞાન-સુખ વગેરે જ મોક્ષ છે. (શ્લોક.૧૯)
વ્યવહારનયના મતે મુક્તિ એટલે પ્રયત્નસાધ્ય કર્મક્ષય. મોક્ષ મેળવવા કર્મનો ક્ષય કરવો પડે. અને કર્મક્ષય માટે પ્રયત્ન કરવો પડે. અહીં પ્રયત્ન વિના મોક્ષ ન થાય એવું ફલિત થાય છે. આમ બૌદ્ધમતનું પ્રસંગતઃ અહીં નિરાકરણ થાય છે. (ગા.૨૦)
જેને દુઃખ પ્રત્યે દ્વેષ આવે તેને દુઃખના કારણો પ્રત્યે પણ દ્વેષ આવે. દુઃખના કારણે બે પ્રકારના હોય. પરંપર કારણ = બાહ્ય નિમિત્ત અને અનંતર કારણ = જીવના કર્મ. વિવેકી જીવ દુઃખના સમયે દુઃખના અનંતર કારણરૂપ પોતાના કર્મને જ્ઞાનાચાર વગેરે યોગ્ય ઉપાયો દ્વારા દૂર કરે તો જીવનો મોક્ષ થાય. આમ મોક્ષ પ્રયત્નસાધ્ય છે એમ નક્કી થાય છે. (ગા.૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org