________________
n
કર્મ કરવા દૂર જેનું ચિત્ત ચિંતા ધારતું, સંત તેવા ઉદીરણાથી કર્મ કાપે, ભાળ તું; પણ કૃપણ જન સંસારના યે ઉદીરણા સુખની કરે, સુખ જીવતાં પૂરું કરી દુખ મરણકાળે નીરખે. (બો-૩, પૃ.૩૫, આંક ૨૧)
અનન્ય શરણના આપનાર પ્રગટ પુરુષોત્તમ પરમાત્માને અતિ શુદ્ધભાવે અત્યંત ભક્તિથી ત્રિવિધ ત્રિવિધ નિરંતર નમસ્કાર હો !
શ્રી દેવદિવાળી પર્વનો, મહોત્સવ મંડાય; અષ્ટાલિક એ આજથી, આનંદ મંગળ થાય. પરમકૃપાળુ દેવ શ્રી રાજચંદ્ર ગુરુ રાય; કૃપા કરો કિંકર ઉપર, તો તુજ કીર્તન થાય. નવીન વર્ષમાં પર્વ આ તુજ કૃપા દેનાર; સફળ કરે નર જન્મને કરી કલ્યાણ અપાર.
૧૭
હે પરમાત્મા ! આ અધમ બાહ્યવૃત્તિમાં પડેલા આ પામર જીવને રંક જાણી આપના અનુપમ અંતર્દ્વારમાં દાખલ કરી સદાય શરણમાં રાખો. હિ તુંહિ સિવાય અન્ય કાંઇ અંતરમાં ઊગો નહીં. સર્વ ક્રિયામાં એ પરમાત્મપદ પર નિરંતર લક્ષ અખંડ રહ્યા કરો. મન વચન કાયાની પ્રવૃત્તિ સદાય પરમપદમાં અલક્ષ્ય લયમાં (અલખલેહમાં) સમાવા તરફ વહ્યા કરો. અપૂર્વ જિનઆજ્ઞાનું પરમ માહાત્મ્ય સદાય પ્રગટ લક્ષમાં જાગ્રત રહો. સ્વરૂપસ્થિરતામાં અનન્ય પ્રેમે નિરંતર સ્થિરતા, રમણતા, તન્મયતા સદાય અનંતકાળ સુધી રહ્યા કરે એ અવસ્થાને અહો ! આ જીવ ક્યારે અનુભવશે ! પરમકૃપાળુ એવા મુનિવરોની મહત્કૃપા સર્વ વિશ્વનું કલ્યાણ કરો ! (બો-૩, પૃ.૩૫, આંક ૨૨)
પરમકૃપાળુદેવના પ્રસંગો
પરમકૃપાળુદેવે આગલા ભવમાં દિગંબર દીક્ષા પાળી હતી, એમ કહેવાય છે. તે ભવમાં પણ એમનું નામ રાજચંદ્ર હતું. આ ભવમાં પહેલાં તો પરમકૃપાળુદેવનું નામ લક્ષ્મીનંદન આપ્યું હતું, પણ પોતે જ ત્રણ-ચાર વર્ષના થયા ત્યારથી પોતાનું નામ રાયચંદ રખાવ્યું, અને લેખ વગેરેમાં રાજચંદ્ર લખતા, તેથી શ્રીમદ્ રાજચંદ્ર નામ કાયમ થયું. (બો-૧, પૃ.૨૮૩, આંક ૨૫)
આ યુગના પ્રધાન શ્રીમદ્ રાજચંદ્રે આ ભવમાં તો ઘણું કર્યું, પણ પૂર્વભવની કમાણી પણ બહુ હતી. આઠ વર્ષમાં એમને જાતિસ્મરણજ્ઞાન થયું હતું. પહેલાં સાંભળેલું, આરાધેલું યાદ આવી ગયું. તેત્રીસ વર્ષમાં ઘણું કામ કર્યું છે. છ દર્શનોનો વિચાર કરી બધામાં સૌથી સારો ધર્મ કયો છે, એ નક્કી કર્યું.
શ્રીમદ્ રાજચંદ્રે આજથી અડસઠ વર્ષ પહેલાં (આ બોધ સં. ૨૦૦૮માં થયો છે) સોળ વર્ષની ઉંમરે મોક્ષમાળા પુસ્તક લખ્યું છે. તે વખતે તેમણે એમ જાણ્યું કે આ કાળમાં લોકો ભણી-ભણીને ધર્મની ગરજ રાખે એમ નથી. તેથી વિદ્યાર્થી માટે આ પુસ્તક લખ્યું છે, તે હાઇસ્કુલમાં રાખવા જેવું છે. ધર્મ સંબંધી શું શું જાણવું જોઇએ, એ તેમાં છે. (બો-૧, પૃ.૧૯૫)