________________
કજિયા-કંકાસ ચાલે, ગાળાગાળી ને મારામારી થાય, એકબીજાના ધર્મપ્રસંગે પથ્થરબાજી પણ થાય. આવી સ્થિતિને લીધે એકવાર તો બંને સંઘો કોર્ટે પણ ચડેલા. એક પ્રસંગે વરઘોડામાં તોફાન થયું ત્યારે ચાંદીનો રથ, સ્વપ્નાં, છડી વગેરે જોખમ સાચવવું જરૂરી બન્યું. નાની ઉંમરના નરોત્તમે એ વખતે ચાંદીની બે છડી પોતે લઈ લીધી, ને તોફાન શમી ગયું ત્યાં સુધી નીડરપણે સાચવી રાખી.
આમ, નરોત્તમને ખૂબ જ સહજ રીતે, કોઈ વિશેષ પ્રયત્નો કર્યા વગર, પાયાના સંસ્કારોનું ઘડતર મળ્યું, એમ કહી શકાય. આ સંસ્કારોના પાયા પર એમની ઉત્તુંગ ને ભવ્ય જીવન ઇમારત બંધાઈ.
(૪)
ત્યાગભાવનાનું બીજ બોટાદે આજે ભારે રૂડા શણગાર સજ્યા હતા .
ગામના પાદરથી લઈને દેરાસર- ઉપાશ્રય સુધી ચોતરફ લાલ-લીલી પતાકાઓનાં તોરણો લટકતાં દીસતાં હતાં. આંગણે આંગણે નાના નાના માંડવા બંધાયા હતા. દેરાસર આગળ મોટો મંડપ ઊભો કરવામાં આવ્યો હતો.
વહેલી સવારથી બજી રહેલી નોબતોના પડઘા ગામને પાદરને ઓળંગીને ક્યાંય દૂર સુધી સંભળાતા હતા – જાણે નોબતખાનામાંથી રેલાતા એ સૂરોને ઉતાવળ હતી – બોટાદને આંગણે પધારી રહેલા સૂરિસમ્રાટનું સૌપહેલું સ્વાગત કરી લેવાની.
હા, તેઓ સૂરિસમ્રાટ હતા. કારણકે આગમ-સૂત્રોના યોગ વહેવાની સૈકાઓથી વસરાયેલી ને વીખરાયેલી પ્રણાલિકાનું પુનરુજીવન કરીને તેઓ સાચા અર્થમાં સર્વપ્રથમ સુવિહિત આચાર્ય બન્યા હતા. એમનાં પુનિત પગલાંથી આજે બોટાદ નગર પાવન થવાનું હતું. એના જ હર્ષમાં આજે એ સજધજ થયું હતું.
સામૈયાનો વખત થયો ને ગામના આબાલવૃદ્ધ સૌ સુરિસમ્રાટને લેવા ગામ બહાર ગયાં. ઢોલ, ત્રાંસા, શહનાઈ, નોબત વગેરે દેશી વાદ્યો મીઠા સૂર રેલાવતાં હતાં. સ્ત્રીવૃન્દ મંગળગીત ગાતું હતું. સૌનો આનંદ માતો નહોતો.
પોતાના વિદ્વાન યુવાન શિષ્યોના સમુદાય સાથે સૂરિસમ્રાટ વિહાર કરીને ગામને પાદર આવી પહોંચ્યા, ને સામૈયું શરૂ થયું.
દસ દસ ડગલે બંધાયેલા નાના નાના માંડવાઓમાં સૂરિસમ્રાટ પ્રવેશ કરતા ત્યારે સામૈયું થોભતું. માંડવામાં પાટ ઢળાતી હતી. એના પર સૂરિસમ્રાટ બેસતા, જનતાના વંદન સ્વીકારતા અને બુલંદ અવાજે “ધર્મલાભ” ઉચ્ચારતા. ગહુલીઓ થાય, અક્ષતના વધામણાં થાય, પછી સામૈયું આગળ વધે.
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org