________________
વિચાર કરવાની ઈચ્છા ધરાવતા હોય, તેઓ બંને પક્ષવાળા ખુશીથી અરસપરસ ચર્ચા ને વિચાર કરી શકે છે, એટલું જ નહિ, પણ તેઓ અરસપરસ ચર્ચા–વિચાર કરી જે એક નિર્ણય સર્વાનુમતે લાવશે તેમાં અમારી સંમતિ છે. પણ આરાધનામાં બાર પર્વતિથિની ક્ષય–વૃદ્ધિને ચર્ચાનો વિષય નહિ કરવાની અમારી માન્યતા સચોટ છે; તે તો આપણા પૂજય વડીલ મહાપુરુષો આ બાર પર્વતિથિની પ્રણાલિકા જે રીતે આચરી ગયા છે, તે જ રીતે રાખવી જોઈએ. એમાં જ આપણું શાસ્ત્રાનુસારિપણું, પરંપરાનુસારિપણું અને ગુર્વાજ્ઞાનુસારિપણું પૂરેપૂરું સચવાય છે, એવી અમારી માન્યતા છે.”
આ નિવેદન શું હતું, ધરતીકંપનો આંચકો હતો ! સામા પક્ષે તો ખરેખર, આ નિવેદનમાં વીજળીના કડાકાનો અનુભવ કર્યો. એમની માન્યતાને, ને એમની મુરાદને આ નિવેદનથી ભારે વિપરીત અસર પહોંચી.
અરે, આથી તો એકતિથિપક્ષમાં પણ ઘડીભર સન્નાટો છવાઈ ગયો; નિવેદનનું ઊંડું તાત્પર્ય સૌને જલદી ન સમજાયું. પણ, પછી તો, ગણતરીની જ પળોમાં સૌની બુદ્ધિમાં આ નિવેદનના મુદ્દાઓ સરળતાથી ઊતરી ગયા. તાત્પર્ય સમજાતાં જ નિવેદન સર્વસમ્મત બની ગયું. શ્રી વિજયનંદનસૂરિજીને સોપેલું નેતૃત્વ અને એમનામાં મૂકેલો વિશ્વાસ-સૌને ફળીભૂત થતાં દેખાયાં.
સામા પક્ષે જે મુદ્દા પર આખા પ્રવાહને પોતાની તરફ વાળવાની ગણતરીઓ ગોઠવેલી, તે જ મુદ્દો “બાર પર્વતિથિ ચર્ચાનો વિષય હોઈ શકે જ નહિ” આમ કહીને શ્રી વિજયનંદનસૂરિજીએ તોડી નાખ્યો. અને સમેલનના સમગ્ર પ્રવાહને ખોટી દિશામાં તણાઈ જતો અટકાવી દીધો.
એમના આ મુદ્દા પર સામા પક્ષે સજ્જડ વિરોધ–વાંધો ઉઠાવ્યો. એ કહે : “અમે તો બાર પર્વતિથિની ચર્ચા કરવાની છે, એ માટે જ ભેગા થવાનું છે, એમ સમજીને અહીં આવ્યા છીએ. અમને પહેલેથી આવી ખબર હોત તો ન આવત.”
આના ઉત્તરમાં શ્રી વિજયનંદનસૂરિજીએ ખૂબ સ્પષ્ટ કર્યું: “પણ અમે તો અહીં સંવત્સરીની ચર્ચા-વિચારણા કરવાની છે, એમ સમજીને જ આવ્યા છીએ; બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાની ચર્ચા નથી કરવાની, એમ સમજીને જ આવ્યા છીએ. એ પ્રણાલિકા ચર્ચાનો વિષય હોઈ શકે જ નહિ. એ પ્રણાલિકા તો સેંકડો વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા સિદ્ધાન્તરૂપ છે, અને એ પ્રણાલિકા માતા સમાન છે. અને હંમેશા ચર્ચાનો વિષય દીકરી હોઈ શકે, માતા નહિ.”
“તમે ૧૯૯૨થી આ પ્રણાલિકાનો ભંગ કરીને, તપાગચ્છના તમામ આચાર્યોને જણાવ્યા સિવાય, બાર પર્વોની ક્ષય-વૃદ્ધિની નવી આચરણા આદરી છે, માટે પહેલાં એ નવી આચરણાનો ત્યાગ કરીને શુદ્ધ પ્રણાલિકા સ્વીકારી લો, પછી એની વિચારણા આપણે સાથે બેસીને કરીશું; તે સિવાય હરગિજ નહિ.”
એમના આ વિધાનને સામા પક્ષે “ચર્ચાનાં દ્વાર બંધ કરવારૂપ ગણાવ્યું. એમણે એમના રોજિંદા રિવાજ મુજબ ગણગણવા માંડ્યું કે : “અમે તો શાસ્ત્રાર્થ દ્વારા તિથિના પ્રશ્નનો નિર્ણય લાવીને સંઘમાં શાંતિ સ્થાપવા ઘણા ઉત્સુક છીએ, પણ એકતિથિ પક્ષને શાંતિ થવા જ ક્યાં દેવી છે? એ તો ચર્ચાના દરવાજા જ બંધ કરવા માંગે છે, પછી શાંતિમય ઉકેલ શક્ય કેમ બને? વગેરે.”
lain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org