________________
મારા પૂ. ગુરુ મહારાજની ગણિપદવી ખંભાત અને પંન્યાસપદવી અમદાવાદ એમના પાવન હાથે થઈ હતી. તે પછી અમારે એક કુમારિકા બહેનને દીક્ષા આપવા વેજલપુર (પંચમહાલ) જવાનું હતું. તેનું મુહૂર્તાદિ બધું કાઢી આપ્યું; પછી કહે : “સૂર્યોદયવિજયજી ! મારી ભાવના આ વખતે પાંજરાપોળે ચોમાસું રહેવાની છે. જો તમે સાથે રહો તો મને અનુકૂળતા અને આનંદ આવશે.”
મારા ગુરુ મહારાજે પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું : “સાહેબ ! આપની ભાવના શિરોધાર્ય. મારી ઇચ્છા પણ છે કે આપ પોતે શીલચંદ્રને ભણાવો તો સારું.”
ત્યારે કહે: “એમાં તમારે કહેવાનું હોય જ નહિ. મેં પહેલેથી જ એ મનમાં ધાર્યું છે; મારે જ એને ભણાવવાનો છે.” વાત નક્કી થઈ ગઈ.
આ પછી અમે વિહાર કર્યો તેની આગલી રાત્રે હું તેમની પાસે ગયો. મેં કહ્યું : “સાહેબ ! આટલા દિવસોમાં મારો અવિનય થયો હોય તો માફી માંગવા આવ્યો છું.” એટલે કહે: “તારે વળી માફી કેવી માંગવાની? એવું બધું વિચારવાનું જ નહિ. તારે જલદી જલદી અહીં આવી જવાનું છે ને મારી પાસે ભણવાનું છે.” અને મારા મસ્તક પર પ્રેમાળ હાથ ફેરવ્યો.
અમે વેજલપુર ગયા. ત્યાં ઊંઝાના સંઘે મારા ગુરુ મહારાજને ચોમાસાની વિનંતી કરી. એમણે પૂજ્યવરને એ વાત લખી જણાવી. એ વખતે હુંય તેઓશ્રીને પત્ર લખતો. મોટા પર કેમ પત્ર લખાય, તેની હજી મારી બાળકબુદ્ધિમાં સમજણ ન હતી, પણ એમણે મને લખેલા શબ્દો મને અક્ષરશઃ યાદ છે. એમણે લખેલું : “તમારા નિઃસ્પૃહતા, સરળતા અને વિનય વગેરે ગુણો મને ખૂબ ગમી ગયા છે. હવે તમારે ઊંઝા કે બીજે ક્યાંય જવાનો વિચાર કર્યા વિના અહીં જ આવવાનું છે, ને રહેવાનું છે. તમારા ગુરુમહારાજને પણ આ માટે પત્ર લખ્યો છે.”
અને અમે ક્યાંય ન જતાં સીધા અમદાવાદ ગયા; ત્યાં એમના અમૃતમય પુનિત સાંનિધ્યમાં સ્થિર થયા. એમની નિશ્રામાં સતત દસ વર્ષ રહેવાનો અપૂર્વ અવસર મળ્યો.
મને યાદ છે ત્યાં સુધી જેઠ વદિ બીજથી એમણે મને તર્કસંગ્રહ ભણાવવો ચાલુ કરેલો. સાથે પૂ. મુનિ (હાલ પંન્યાસ) શ્રી વિકાસવિજયજી તથા પૂ. મુનિશ્રી કુંદકુંદવિજયજી પણ બેસતા. બપોરે કલાકબે કલાક પાઠ ચલાવતા. એમની પાસે જ્યાં સુધી અમે પાઠ લેતા હોઈએ, ત્યાં સુધી ગમે તે શ્રાવકાદિ આવ્યા હોય, તો એમના તરફ એમનું ધ્યાન જતું નહિ; આવનારને કામ હોય તો બેસી રહે, જવું હોય તો ખુશીથી જાય, પણ પાઠમાં ખલેલ પાડીને પૂજ્યવર એમની સાથે વાત કરતા નહિ. અમને ભણાવતી વખતે તેઓ આવા તન્મય થઈ જતા, અને ક્યારેક અમે થાકીએ, પણ તેઓ તો જરાય થાક્યા કે કંટાળ્યા વગર, ચાલુ વિષય કે પદાર્થ પૂરો કરીને જ છોડતા.
તર્કસંગ્રહ પછી કારિકાવલી કરાવીને મુક્તાવલી કરાવી. ઇશ્વરવાદ, મંગલવાદ વગેરે દિવસોના દિવસો સુધી સમજાવ્યા. દિવસે તો બે કલાક પાઠ ચાલે, પણ રોજ રાત્રેય અચૂક જવાનું. રાતના આઠથી દસ-અગિયાર વાગ્યા સુધી અવિરત સમજાવે, સાંભળે. તર્કસંગ્રહ મૂળ, કારિકાવલી અને મુક્તાવલી આખી મને મોઢે કરાવેલી. એ રોજ કલાક કલાક સાંભળે અને એમાં ક્યાંય પણ કોઈ શબ્દ કે ફકરો કે કારિકા ભૂલી જઈએ તો તરત પુરવણી કરે. એમને મુક્તાવલી છેક સુધી યાદ હતી.
૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org