________________
વિહારમાં ઢદાજીએ એમની સારવાર માટે એકવાર વૈદ્ય અને ડૉકટર, બન્નેને મોકલ્યા. એમણે પોતાની દવા લેવા આગ્રહ કર્યો. પણ સૂરિસમ્રાટને નંદનવિજયજી બન્ને મક્કમ હતા. એમણે દવાની ના પાડી. પોતાના રોજિંદા ઉપચારો ચાલુ રાખ્યા.
ધીમે ધીમે દવા, હવા ને સૂરિસમ્રાટની સતત કાળજીભરી દેખરેખ, ત્રણેની અસર બરાબર થતી આવી, ને તબિયત પૂર્વવત્ થઈ ગઈ.
સં. ૧૯૭૫માં કાપરડા તીર્થની ઉદ્ધાર–પ્રતિષ્ઠા વેળાએ સૂરિસમ્રાટ પ્રાણઘાતક કષ્ટમાંથી પસાર થયા. જાટ લોકોએ આ ઉપદ્રવ ઊભો કર્યો હતો. એ વખતે સૂરિસમ્રાટે બધા સાધુઓને કહ્યું: “અહીં તો મૃત્યુની રમત ચાલુ છે, તમને બધાને મારી છૂટ છે. નીકળી જવું હોય તો નીકળી જજો . મારી જરા પણ ચિન્તા ના કરશો.”
આના જવાબમાં સાધુઓએ કહેલું કે: “સાહેબ! આ શું બોલ્યા? અમારે તો જ્યાં આપ ત્યાં અમે. જે થવું હોય તે થાય. આપને છોડીને અમે નહીં જઈએ.”
આ બધામાં નન્દનવિજયજી મોખરે હતા.
ગુરુવિનય, મેધાબળ ને વિવેકશીલતાને લીધે નંદનવિજયજીએ એટલી બધી પ્રગતિ સાધી હતી કે જેથી એમના ગુરુ ઉદયવિજયજી મહારાજની જેમ એમને પણ સૂરિસમ્રાટના ચરણમાં સ્થાન મળી ગયું.
સૂરિસમ્રાટ પાસે અનેક ક્ષેત્રોના જુદા જુદા પ્રકારના લોકો આવે, અનેક જાતની વાતો ચર્ચાઓ કરે. કંઈક પ્રશ્નો આવે, એનાં સમાધાન થતાં હોય. આ બધો વખત–શરીરની જોડે પડછાયાની જેમનન્દનવિજયજી ત્યાં હાજર જ હોય. અને આ મૂંગા અનુભવોએ એમના જીવનનું ને માનસનું દઢ ઘડતર કર્યું.
સં.૧૯૭૮માં એક ભદ્રપરિણામી ભાઈ દીક્ષા લેવાની ભાવનાથી આવ્યા. સૂરિસમ્રાટે એમને દીક્ષા આપીને નન્દનવિજયજીના શિષ્ય કર્યા. એમનું નામ મુનિ સોમવિજયજી. એ એમના સૌ પહેલા શિષ્ય.
પિસ્તાલીશ આગમોના જોગ, એ જૈન મુનિઓનું વિશિષ્ટ તપ અને વિશિષ્ટ ક્રિયા છે. આચાર્ય થતાં પહેલાં મુનિએ એ કરી લેવા જોઈએ.
સૂરિસમ્રાટની કૃપા ઉતરી ને નન્દનવિજયજીએ ક્રમશઃ જોગ કરવા માંડ્યા. આમેય મહિનામાં દસ ઉપવાસ ને એવા બીજા તપની ટેવ તો હતી જ. એટલે આ તપમાં એમને ભારે આનંદ આવવા લાગ્યો. તપ કરે, ક્રિયા કરે, ને સાથે ભણવાનું પણ ચાલુ જ. સૂરિસમ્રાટના સાંનિધ્યમાં આ બધું એમણે ખૂબ ઉમંગભેર કર્યું.
મહાપુરુષોના સાંનિધ્યે શું શું નથી સધાતું?
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jefbrary.org