________________
કુટુંબકથા ૧૧ વિ. સં. ૧૯૬૦ના ઉનાળામાં ચૈત્ર કે વૈશાખ માસમાં હું પહેલી વાર ભણવા નિમિત્તે કાશી આવ્યો અને ત્યાં આવ્યા બાદ વાર્ષિક મેળાવડામાં મને એકાવન રૂપિયાનું પહેલું ઇનામ મળ્યું ત્યારે તરત જ એમાંથી દશ રૂપિયા સાયલા ભઈજીને મોકલવાનું મન થયું, અને તે વડીલ ભાઈ દ્વારા મોકલી આપ્યા. આમ છતાં ત્યાર બાદ ઊંડી સમજ પ્રસરતાં મને આજ લગી એમ લાગ્યા જ કર્યું છે કે મેં બાકીના રૂપિયા કાશી પાઠશાળામાં નિરર્થક જમા શા માટે કરાવ્યા. મારે તો એની કશી જરૂર હતી જ નહિ. મારા કુટુંબને પણ એની અપેક્ષા ન હતી. જ્યારે ભઈજીને એની ખાસ જરૂર હતી, પણ આમાં મારે દોષ કોને દેવો? પોતાની અણસમજને કે કુટુંબ અને સમાજ તરફથી મળેલ ભળતા જ છીછરા વારસાને ! ગમે તેમ હો, પણ હું જ્યારે કાશીથી પાછો ફરી પહેલી વાર દેશમાં ગયો ત્યારે મેં સાંભળ્યું કે કૃતજ્ઞતાના પ્રતીકસમાં માત્ર એ દશ રૂપિયાથી પણ ભઈજીને છેલ્લા જીવનમાં ખૂબ સંતોષ થયેલો. એમના દુ:ખી જીવનમાં આવા સંતોષનું એક કારણ કદાચ એ પણ હશે કે એમને હાથે ઊછરેલ અને અપંગ થવાથી નિરાધાર મનાયેલ મારા જેવો એમનો પ્રિય બાળક હવે અણધારી રીતે અને દૈવયોગે કાશીમાં પહોંચી પોતાનો સંતોષપ્રદ માર્ગ પસંદ કરી લેવા પામ્યો છે.
મમતાળુ ભાઈજીની ટૂંકામાં ટૂંકી આટલી ચર્ચા મેં એટલા માટે કરી છે કે એક તો એમના પ્રત્યે મારી કૃતજ્ઞતા, અજ્ઞાનને લીધે, પૂર્ણપણે અને સાચી રીતે દર્શાવી શક્યો નથી, તેનું દુઃખ વ્યક્ત કરવું અને બીજું એ કે અનુભવે જે સિદ્ધાંત મેં તારવ્યો છે તે નવી પેઢીને કહી દેવો. તે સિદ્ધાંત એ કે જો કોઈ ખરા અને જીવનમાં સાક્ષાત્કાર કરવા યોગ્ય દેવદેવીઓ હોય તો તે જન્મ આપનાર, ઉછેરનાર અને સંસ્કાર નાંખનાર માતાપિતા તેમ જ એવા બીજા જે હોય તે જ છે. દેવદેવીઓની કલ્પિત સૃષ્ટિ અને ઉપાસના ઉપર એટલો બધો ભાર અપાયો છે કે માણસજાત જીવિત દેવતાઓને ગુમાવ્યા પછી જ તેમને યાદ કરે છે અને પૂજે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org